સમય પ્રવાહ

કોરોના કાળ ઘણી જ આપત્તી લઈને આવ્યો છે. આ દુઃખદ  કાળની ના ભૂલી શકાય એવી ઘટના એટલે  ઘણા લોકોએ સ્વજન ગુમાવ્યા, ઘણી નામી વ્યક્તિ આપનો સાથ હંમેશ માટે છોડીને ચાલી ગઈ, લોકોએ અથાગ પરિશ્રમ કરીને પગપાળા ચાલી વતન જવું પડ્યું એ ક્યારેય ના ભૂલી શકાય પરંતુ સમય એ એવી ઔષધ છે જે મોટામાં મોટા ઘાવ રૂઝાવી દે છે.       

આપણે સૌ આ  બધાથી માહિતગાર છીએ પણ કોરોના કાળની ઉજળી બાજુ ખબર પડી ખરી ? હંમેશા બહારનું ખાવાનું પસંદ કરનારને ઘરના ભોજનનો સ્વાદ ચાખવા મળ્યો, સાદાઈથી જીવન જીવવાની પદ્ધતિથી વાકેફ બન્યા વળી એકધારા કામ પર જનારાને આરામ મળ્યો જેમને કુટુંબ સાથે બેસવા સમય ના મળતો હતો તેમને આ કોરોના કાળે જ અવસર આપ્યો છે એ ભૂલવું ના જોઈએ. વળી આડોશપાડોશમાં રહેતા લોકો સાથે સમય પસાર કરવાનો તેમને જાણવાનો વખત પણ આપણે માણ્યો.

આપણા દેશની એકતા જોઈ, દેશપ્રેમ જોયો અને અનુભવ્યો, ઘણા રાજકીય કાવાદાવા સામાન્ય માનવી પણ સમજવા મંડ્યો છે. વળી શારીરિક સ્વછતાનું ફક્ત સાંભળનારા પણ તેને અનુસરવા લાગ્યા અને આજુબાજુ પણ સફાઈ રાખવાનું શીખવા લાગ્યા. પુસ્તકપ્રેમીને પુસ્તક સાથે સમય વિતાવવા મળ્યો. રોજની  ભાગંભાગીમાંથી શાંતિથી બેસવાનો ઊંઘવાનો સમય મળ્યો. ફરી લોકો સાપસીડી અને લુડો જેવી રમતો રમતા મેં આ ગાળામાં જોયા.

દુનિયા આખી જ થંભી ગઈ હોય ત્યારે મનને આશ્વાસન કેમ આપવું ? પણ સબૂર દોસ્ત, આ સમય છે. કાળ છે  તેને કોઈ બીમારી, મહામારી, મહાન યોદ્ધા કે મહારથી રોકી શકતું નથી , કાળ અવિરત વહ્યા જ કરે છે અને માટે જ આ દિવસો પણ જતા જ રહ્યા છે

જીવન એ જીવવા માટે છે માણવા માટે છે બસ જે ક્ષણ આપણી સામે આવે છે એને જીવી લો મન ભરીને માણી લો કારણ કે જે સમય કે સ્થિતિને તમે કોસો છો વિશ્વાસ કરો તે જ ક્ષણ માટે લોકો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે.

ગણપતિ બાપ્પાના આગમનના આ દિવસો, તે પછી શ્રાદ્ધ અને તેની પછી નવલા રુમઝુમ નોરતા , ભલે તેમાં દર વર્ષની જેમ ઝૂમી નહિ શકીયે પરંતુ માતાજીના ગરબા અને આરતી ભજનથી તો આપણને કોઈ પણ રોકી નહિ જ શકે. તહેવારોનો રાજા દિવાળી આપણે ચોક્કસ તણાવમુક્ત કરી દેશે અને દીવાનો ઉજાસ કોરોનના અંધકારને દૂર કરી ઉલ્લાસ ઉમંગથી ભરી દેશે. “આજ છે તે  કાલે નથી”  આ ઉક્તિ કોરોનકાળમાં ખુબ જ ખુશી આપે તેવી છે. તેવું તમને નથી લાગતું શું?

Leave a Reply