કેપ્ટ્ન હેરીની શોધમાં (ભાગ-8)

મેરીની ચીસ સાંભળીને ક્લિન્ટન ઝાડી તરફ દોડ્યો.  જ્હોન પણ ઝડપથી ક્લિન્ટનની પાછળ દોડ્યો.

ક્લિન્ટન જલ્દી આવ આ ભાગી જશે..’ ક્લિન્ટન ઝાડી પાસે પહોંચ્યો ત્યારે મેરીનો તરડાયેલો અવાજ સંભળાયો.

ક્લિન્ટન ઝડપથી ઝાડીમાં ઘુસ્યો. પાછળ જ્હોન પણ ઘુસ્યો ઝાડીની અંદર જઈને જોયું તો મેરી પેલા જંગલી માણસ સાથે બાથમબાથ જંગ ખેલી રહી હતી. મેરીએ પેલા જંગલીને પગથી સજ્જડ પકડી રાખ્યો હતો. પેલો જંગલી માણસ મરણિયો બનીને પોતાના પગ છોડાવવાની કોશિશ કરી રહ્યો હતો.

“મેરી તું એને છોડી દે..’ ક્લિન્ટને મેરી તરફ જોઈને બુમ પાડી.

“આને છોડું તો આ ભાગી જશે.. તું જલ્દી આવને..’ મેરી પેલા જંગલીનો પગ મજબૂત રીતે પકડીને આ બાજુ જોયા વગર જ બુમ પાડી.

“અરે તું છોડ એને.. હવે એને ભાગવાનો સમય જ નહીં મળે..’ ક્લિન્ટને પોતાની રાઇફલ એ તરફ લંબાવતા કહ્યું.

ફરીથી ક્લિન્ટનનો અવાજ સંભાળતાની સાથે જ મેરીએ મહામહેનતથી પકડી રાખેલા જંગલીનો પગ છોડી દીધો. પેલો જંગલી જેવો ભાગવા ગયો કે ક્લિન્ટને તરત જ એનું નિશાનું લીધું અને જેવો રાઇફલનો ઘોડ઼ો દબાવ્યો ત્યાં પાછળથી એના  માથા સાથે કંઈક અથડાયું. ધાંય.. અવાજ સાથે ગોળી છૂટી. અને નિશાનું ચૂકાઈ ગયું સામે છેડે મેરી ચીસ પાડીને ઢળી પડી. આ બાજુ માથા ઉપર જોરદાર ફટકો પડવાથી ક્લિન્ટન મેરી.. એવા અવાજ સાથે જમીન પર ઢળી પડ્યો અને બેહોશ બની ગયો.

આ ઘટનાથી જ્હોન એકદમ સ્તબ્ધ થઈ ગયો. પાછળથી ક્લિન્ટનના માથે કંઈક અથડાયું એટલે ઝડપથી પાછળ ઘૂમ્યો. પાછળ જોયું તો એક વિકરાળ લોહીલુહાણ થયેલો જંગલી હાથમાં મજબૂત લાકડું લઈને ઉભો હતો. દૂરથી જ એ જંગલીએ ક્લિન્ટનને લાકડાનો એક છુટ્ટો ઘા મારીને બેહોશ કરી નાખ્યો હતો.

જયારે આ જંગલીને ક્લિન્ટનની રાઇફલની ગોળી પાંસળીમાં વાગી હતી ત્યારે એ થોડીક વાર એમ જ રહ્યો પડ્યો હતો. જયારે ક્લિન્ટન અને જ્હોન ઝાડી તરફ દોડ્યા ત્યારે આ જંગલી પણ મહા મહેનતે લંગડાતો ઘસડાતો એમની પાછળ આવ્યો અને જેવો ક્લિન્ટને મેરી પાસે ઉભેલા જંગલીને ગોળી મારવા રાઇફલનો ઘોડ઼ો દબાવ્યો અને એ જ ક્ષણે થોડેક દૂર ઉભેલા આ ઘાયલ જંગલીએ એક લાકડું ઉઠાવીને ક્લિન્ટન તરફ ઘા કર્યો. જોરદાર પ્રહાર સાથે લાકડું ક્લિન્ટનના માથા સાથે અથડાયું એટલે ક્લિન્ટન નિશાનું ચુકી ગયો.

જ્હોન પાછળ ફર્યો.પેલો જંગલી જ્હોન ઉપર પ્રહાર કરવાની તૈયારીમાં જ હતો ત્યાં તો જ્હોને ઝડપથી એ જંગલીના માથાનું નિશાન લઈને ગોળી છોડી. રિવોલ્વરની એક જ ગોળીએ એ જંગલી સદાય માટે શાંત બનાવી દીધો. હવે જ્હોન પહેલા ઝડપથી મેરી પાસે દોડ્યો. કારણ કે ક્લિન્ટનની નિશાનું ચુકેલી ગોળી મેરીને વાગી હતી પણ ક્યાં વાગી હતી એ જ્હોનને ખબર નહોતી.

જ્હોન ઝડપથી મેરી પાસે આવ્યો. એણે જોયું તો મેરીના ડાબા હાથની કોણીથી થોડેક નીચે રાઇફલની ગોળી આરપાર નીકળી ગઈ હતી. પુષ્ક્ળ પ્રમાણમાં લોહી વહી રહ્યું હતું. જ્હોને પોતાને પહેરવા હતું એ લાંબા શર્ટને ઉતારી નાખ્યું અને વચ્ચોવચથી ફાડીને મેરીના હાથ ઉપર સજ્જડ પાટો બાંધી દીધો.

ગોળી વાગવાના કારણે મેરીની સુંદર મુખમુદ્રા એકદમ વિલાઈ ગઈ હતી. ગોળી વાગવાની ભયકંર વેદનાને કારણે મેરીના મુખની ચામડી ખેંચાઈ ગઈ હતી એ બેહોશ બનીને જમીન ઉપર પડી હતી.

જ્હોન..’ ક્લિન્ટનનો વેદનાભર્યો અવાજ સંભળાયો.

ક્લિન્ટનનો અવાજ સાંભળીને જ્હોને પાછળ નજર ઘુમાવી. પાછળ જોયું તો ક્લિન્ટન માથા ઉપર એક હાથ રાખીને મહામહેનતે ઉભો થઈ રહ્યો હતો. મેરીને મૂકીને જ્હોન ક્લિન્ટન તરફ દોડ્યો.

ક્લિન્ટન પાસે પહોંચીને જ્હોને ક્લિન્ટનને ટેકો આપીને ઉભો કર્યો.

“જ્હોન મારી મેરી ઠીક છે ને..’ બોલતા બોલતા ક્લિન્ટનની આંખોમાંથી આંસુઓ સરી પડ્યા.

“ક્લિન્ટન.. વ્હાલા દોસ્ત.. આમ હિંમત ના ગુમાવ મેરીને કંઈ જ નહીં થાય..’ જ્હોન ક્લિન્ટનના માથા ઉપર હાથ ફેરવતા આશ્વાશન ભર્યા અવાજે બોલ્યો.

“મેરીને ગોળી ક્યાં વાગી છે ??  ક્લિન્ટન રડમસ અવાજે બોલ્યો.

“ડાબા હાથની કોણી પાસે વાગી છે.. વધારે જોખમ જેવું નથી એ જલ્દી ઠીક થઈ જશે..’ જ્હોન ક્લિન્ટન સામે જોઈ હિંમત આપતા બોલ્યો.

“ઓહહ.. તારા માથામાં તો વાગ્યું છે..’ જયારે જ્હોનનો હાથ ક્લિન્ટનના માથા ઉપર ઉપસી આવેલા સુજન ઉપર ગયો ત્યારે જ્હોન બોલી ઉઠ્યો.

“અરે એ કંઈ વધારે નથી.. તું જા અને ગર્ગને એ ઝાડ ઉપરથી નીચે ઉતારી આવ એ બિચારો ક્યારનો ઊંધો લટક્યો છે.. જા જલ્દી નહિતર મરી જશે.. હું મેરી પાસે બેઠો છું..’ ક્લિન્ટન જ્હોન સામે જોઈને બોલ્યો.

“હા.. હું જાઉં છું.. આ રાઇફલ મને આપ. મારી રિવોલ્વર ત્યાં મેરી પાસે પડી છે..’ જ્હોને ક્લિન્ટનના હાથમાંથી રાઇફલ લેતા કહ્યું.

“તું સાવચેત રહેજે.. આ જંગલીઓનો કોઈ ભરોષો નહી. ગમે તે સમયે ગમે ત્યાંથી ફૂટી નીકળશે..’ ક્લિન્ટન જ્હોન સામે જોઈને બોલ્યો.

“મારી ચિંતા ના કર.. જે થશે એ હું સંભાળી લઈશ..  પણ તું મહેરબાની કરીને મેરીના હાથે બાંધેલું કપડું છોડવાનો પ્રયત્ન ના કરતો.. જો વધારે લોહી વહી ગયું તો મેરીનું શરીર અશક્ત બની જશે..’ જ્હોન ક્લિન્ટન સામે જોઈને સલાહ ભર્યા અવાજે બોલ્યો.

“હા મેરીને અડકીશ પણ નહીં.. ફક્ત એની પાસે બેસી રહીશ. હવે તું જલ્દી જા અને ગર્ગને નીચે ઉતાર..’ ક્લિન્ટન ફીકુ હસતા બોલ્યો.

જ્હોન ઝડપથી ચાલ્યો. અને ઝડપથી ઝાડી બહાર નીકળી ગયો. ક્લિન્ટન જ્હોનના કસાયેલા મજબૂત શરીરને ઝાડી બહાર અદ્રશ્ય થતું જોઈ રહ્યો. જયારે જ્હોન ઝાડી બહાર નીકળી ગયો ત્યારે ક્લિન્ટને બેહોશ બનીને જમીન પર પડેલી મેરી તરફ ડગ ઉપાડ્યા.

જ્હોન ઝાડી બહાર નીકળીને જ્યાં ગર્ગને ઊંધો લટકાવેલો હતો એ ઝાડ નીચે આવ્યો. ઝાડની નીચે ઊંધો લટકી રહેલો ગર્ગ હમણાં પણ સંપૂર્ણ બેભાન અવસ્થામાં હતો. પવનના કારણે થોડીક વાર માટે ગર્ગની લટકી રહેલું શરીર આમ તેમ હલીને પાછુ સ્થિર થઈ જતું હતું.

જ્હોને ઝડપથી બે લાંબા અને મોટા વેલા લીધા. એ વેલાઓને પોતાની પીઠ પાછળ બાંધીને એ ઝાડ ઉપર ચડવા લાગ્યો.  ગર્ગના પગને બાંધલા વેલાને જે ડાળી સાથે બાંધેલો હતો એ ડાળીએ પહોંચ્યો. પછી જ્હોને પોતાની પીઠ પાછળ બાંધેલા બંને વેલાઓને ઉપર ખેંચી લીધા અને ગર્ગનું શરીર જે વેલા સાથે બાંધેલું હતું એ વેલા સાથે બાંધ્યા પછી એ વેલાઓને ડાળી પરથી છોડીને ધીમે ધીમે ગર્ગના શરીરને નીચે ઉતાર્યું.

ગર્ગને નીચે ઉતારીને જ્હોન ઝડપથી ઝાડની નીચે ઉતર્યો. અને ગર્ગના પગ સાથે બાંધેલા મજબૂત વેલાઓને છોડી નાખ્યા. પેલા જંગલીઓએ વેલાઓને ગર્ગના પગ સાથે એટલા મજબૂતાઈથી બાંધ્યા હતા કે ગર્ગના બન્ને પગ ઉપર લાલ નિશાન ઉપસી આવ્યા હતા. જ્હોને સૂકા ઝાડની થડ પાસે પડેલા ગર્ગના કપડાં ગર્ગના બેભાન બનેલા શરીરને પહેરાવી દીધા. પછી ગર્ગને પોતાના ખભા ઉપર ઉઠાવ્યો અને ઝાડી તરફ ચાલ્યો.

થોડીકવારમાં જ્હોન ગર્ગને લઈને ક્લિન્ટન પાસે આવી પહોંચ્યો. મેરી પણ હજુ બેભાન અવસ્થામાં હતી. જ્હોને ગર્ગને ધીમે રહીને નીચે સુવડાવ્યો. અને મેરી પાસે જઈને મેરીના મુખ ઉપર હાથ ફેરવ્યો.

“પાણી..’ જ્હોને જયારે મેરીના મુખ ઉપર હાથ ફેરવ્યો ત્યારે મેરીએ આંખો ખોલી અને વેદના ભર્યા અવાજે આટલું બોલીને ફરીથી બેભાન થઈ ગઈ.

જ્હોન ઝડપથી ઉભો થયો અને જ્યાં એનો થેલો પડ્યો હતો એ તરફ પાણી લેવા દોડ્યો.

(ક્રમશ)



Leave a Reply