ચહેરો (ભાગ-1)

આંચલ માટે શહેર નવું હતું, પણ વીડમંણાઓ જાણે વર્ષો જૂની હતી. ઘરે માં એકલી અને ઘર ચલાવવા ની જવાબદારી આંચલે કોલેજ પૂરી કરીને તરત જ ઉઠાવી લીધેલી. ગામડામાં છોકરાઓને વ્યવસાય મળવો અઘરો છે, જયારે આંચલ તો સ્ત્રી હતી. એટલે શહેર જઈ નોકરી કરવાનું વિચારેલું. તેના જ ગામથી શહેરમાં જઈ વસેલાં પાડોશી અને નાનપણની બહેનપણી ને ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા લાગી અને બે-ત્રણ છાપાઓ ફંફોળી ને નોકરી પણ શોધી લીધેલી.

આંચલે લેપટોપ બેગ તૈયાર કરીને નોકરી પર જવા નીકળી પડી. રીક્ષાના ફિજુલ ખર્ચને બચાવવા આંચલ ચાલીને જવાનું પસંદ વધુ કરતી. દરેક ક્ષણને માણવામાં માનતી આંચલની સફરમાં એક વરઘોડાએ અવરોધ પેદા કર્યો, વરઘોડામાં ઉડેલા સફેદ ફુવારાઓ એની આંખોમાં પડતા હતા. જાણે એની ગતિને રોકવા જ ન માંગતા હોય? “બડી મસ્તાની હૈ, મેરી મહેબુબા…” બેન્ડના એ અવાજને કાને હાથ દઈ રોકીને જાન ને ક્રોસ કરી ગઈ.

બેન્ડના એ ગીતે એને ફરી વિચારના વમળમાં સેરવી દીધી. એ હમેશા પોતાના ચહેરાને કોસતી રહેતી.એને વસવસો એ વાતનો રહી ગયેલો કે આજ સુધી કોઈ છોકરાએ એને પ્રપોજ ન કરેલું! આંચલ સહેજ ભીના વાને હતી અને ચહેરા પર ક્યાંક ક્યાંક કરમાયેલા ખીલના કાળા ડાઘાઓ હતા. એને એવું લાગ્યા કરતુ કે, એને કોઈ જ પસંદ નથી કરતું. અને એનાં લગ્ન પણ થવા અશક્ય છે. એટલેજ એને વરઘોડાથી ચીડ આવી ગયેલી. પણ તેણે ચાલવાનું શરુ રાખ્યું, એટલામાં પાછળ એક એકટીવાએ હોર્ન મારવાનું ચાલુ કર્યું. પાછળ જોયું તો નમ્રતા. આંચલે મોઢા પર બાંધેલો સ્કાફ દુર કરીને પૂછ્યું, “તું અહિયાં શું કરે છે?” નમ્રતાએ તાડુકીને કહ્યું, “તને કેટલીવાર કહ્યું કે ઓફિસે એકટીવા લઈને જાજે? આમ ચાલીને જવાની શી જરૂર છે? તું મારા ઘરે રહેવા આવવાની છો એની જાણ થતા જ આ એકટીવા તારા માટે રીપેર કરાવ્યું હતું.”

આંચલ કઈ બોલ્યા વગર પાછળ બેસી ગઈ. થોડે દુર જતાં જ આંચલને કઈ યાદ આવ્યું અને એકટીવા ઉભી રાખવા કહ્યું. નમ્રતાએ ઘણી બ્રેક મારવા છતાં બ્રેક લાગતી નહોતી. પણ નમ્રતાએ બ્રેક નથી લાગતી એવું બોલ્યા વગર પ્રયાસ જારી રાખ્યો. અંતે બ્રેક લાગી ગઈ અને ગાડી ઉભી રહી, નમ્રતાએ હાશકારો અનુભવ્યો. આંચલે નમ્રતા ને બે મિનીટ ઉભા રહેવા જણાવ્યું. આંચલે એક રેસ્ટોરન્ટમાં જઈને પોતાના માટે બન્ને ટાઈમ ટીફીનનું એરેન્જમેન્ટ કરી પાછી આવી. આંચલે કહ્યું, “નમ્રતા હવે મારી ઓફીસ પણ નજીક છે, તું ઘેર જા સાંજે પાછા મળીશું.” નમ્રતાએ ઓફીસ સુધી મૂકી જવાનું કહ્યું પણ પણ આંચલ ન માની.

નમ્રતાએ એને દોડધામ વાળી જીંદગીમાં એકલી મુકીને ઘેર તરફ રવાના થઇ આંચલે નક્કી કરેલ રેસ્ટોરન્ટમાંથી રોજ એક યુવક ટીફીન આપી જાય. દરવાજાનો નકુચો ખખડાવી ને ભરેલું ટીફીન આપી જાય અને ખાલી ટીફીન લઇ જાય. નમ્રતાને આ ખૂચ્યા કરતુ. આંચલને સગી બહેન કરતા પણ વિશેષ માનતી હોવા છતાં એની માટે કશું જ ન કરી શકવાનો વસવસો હતો. ટીફીન રોજે ટાઈમસર આવી જતું અને આંચલને ટીફીનના ભાવ કરતા વધારે સ્વાદિષ્ટ લાગતું. આંચલે દરેક મેરેજ બ્યુરોમાં પોતાનો બાયોડેટા મોકલી દીધેલો પણ હજુ સુધી એક પણ ફોન આવ્યો નહોતો.

ચહેરા પર જાત-જાતની ક્રીમ અને લોશન લગાવીને જાણે ચહેરાને સંવેદન રહિત કરી મુકેલો. પણ ખીલના કાળા ડાઘા તો ગયા જ નહિ. આંચલે નસીબ અને ચહેરા પાસેથી બધી જ અપેક્ષાઓ છોડી દીધેલી. ઘરની અને ભવિષ્યની ચિંતાઓમાં નોકરીમાં પણ રજાઓ પાડવા લાગી. બપોરનો સમય થવા આવ્યો હતો, આંચલ શરુ દિવસે પણ રજા પર હતી. આંચલ યુટ્યુબમાં ગીતો શરૂ કરીને સંભાળતી હતી, ત્યાં જ દરવાજો ખખડ્યો. આંચલે દરવાજો ખોલ્યો તો ટીફીન હતું. ટીફીનવાળા યુવકે પૂછ્યું, “કેમ મેડમ આજે રજા પર છો?” આંચલે સાંભળ્યું જ ન હોય એમ ટીફીન લઇ દરવાજો બંધ જ કરતી હતી ત્યાં પેલો યુવક ફરી બોલ્યો, “ મેડમ આજે કાઈ ચહેરા પર ન લગાડ્યું? હું રોજ ..” આંચલે ગુસ્સામાં એનાં અવાજને પોતાના સુધી પહોચવા જ ન દીધો, ધડામ દઈને દરવાજો બંધ કરી દીધો.

(ક્રમશ:)

Leave a Reply