સંજોગ (ભાગ-4)

સંજોગ

ક્રિષ્નાએ ગોપીથી ઘણી વાતો છુપાવી હતી. જે વાતો ગોપીએ જાણવી જરૂરી હતી. પણ, ગોપી બધી વાતોથી બેખબર હતી.

ભાગ-૪

ક્રિષ્ના જમીને પોતાનાં રૂમમાં જતી રહી. ઘણાં સવાલો ઘણાં પ્લાન બધું અટકી પડ્યું હતું. માત્ર રચના જ હવે આમાં કંઈક કરી શકે એમ હતી. એક રાત, એક ઘટનાં, એમાંનું દુઃખ, એક લડત, બધું જ એમનેમ હતું. ઘણું ખરું બની ગયું હતું. ઘણું બનવાનું બાકી હતું.

ક્રિષ્ના વિચારતી હતી. આગળ શું કરવું?? જે નક્કી કર્યું છે, એ મુજબ થાશે કે નહીં?? શું રચના આમાં તેનો સાથ આપશે?? સવાલો ઘણાં હતાં. પણ, જવાબ!! જવાબ કોણ આપશે?? એ વાતની મુંઝવણે રચનાને ઘેરી લીધી હતી.

અમદાવાદ આવી ત્યારે જે પ્રકારનું જીવન જીવવાનો હેતું હતો. એ હેતુ તો ક્યાંય પાછળ છૂટી ગયો હતો. જેની જગ્યાએ હવે એક રમત રમાઈ રહી હતી. બહું મોટી રમત!! જેનું પરિણામ કેવું આવશે, એનાંથી ક્રિષ્ના ખુદ જ અજાણ હતી.

મનમાં એક વિચાર આવતાં ક્રિષ્ના ફરી ગોપીને જાણ કર્યા વગર કાર લઈને નીકળી પડી. રસ્તા એ જ હતાં. મંઝિલ બદલી ગઈ હતી. ક્રિષ્ના એ જ હતી. બસ હવે એ ચંચળ નહોતી રહી. મિત્રતા નિભાવવાની જવાબદારી હેઠળ તે એક સંપૂર્ણ જવાબદાર વ્યક્તિ બની ગઈ હતી. જેનો ધ્યેય હવે નક્કી હતો.

અમદાવાદનાં રસ્તાઓ પર કાર દોડાવતી, રસ્તાની બંને તરફનાં વૃક્ષો ચીરતી એ કાંકરિયા તળાવ પર આવી પહોંચી. કારનો દરવાજો ખોલી, સીટ પરથી મોબાઈલ લઈ, એક મેસેજ ટાઈપ કરીને, એ તળાવની પાળ પર બેસી ગઈ.

તળાવનું પાણી, ઉંચા આકાશે ઊડતાં પંખીઓ, આજુબાજુ લોકોની અવરજવર બધું જોતી, મનમાં એક આશા ને આંખોમાં ચમક સાથે, એ બધું નિહાળતી બેઠી હતી. થોડી મિનિટોના સમયગાળા પછી એક વ્યક્તિ દૂરથી આવતી દેખાઈ. અમદાવાદ શહેરથી ઘણાં સમયથી જાણકાર હોય, એમ પોતાની જ ધૂનમાં આગળ વધી રહી હતી. અચાનક જ એ આવીને ક્રિષ્ના પાસે બેસી ગઈ.

“તો હવે તું તૈયાર છે?? એક વર્ષમાં તે પોતાની જાતને મનાવી લીધી હશે, એવી મને ખાતરી છે.” ક્રિષ્ના એ વ્યક્તિ તરફ જોયાં વગર જ તળાવ તરફ મીટ માંડીને બોલી.

“હાં, હું તૈયાર છું. ક્યાંથી શરૂઆત કરવી, એ પણ મેં નક્કી કરી લીધું છે.” એ વ્યક્તિ ક્રિષ્ના તરફ જોઈને બોલી.

ક્રિષ્નાએ તેની વાત સાંભળી એ વ્યક્તિ તરફ એક નજર કરી. એ રચના હતી. પણ, એ સવારે ક્રિષ્નાને મળી, એ રચના નહોતી. આ રચનાની અંદર એક અલગ જ જુસ્સો હતો. કંઈક કરી બતાવવાની ધગશ હતી. પોતાનાં માટે લડવાની હિંમત હતી. નામ, ચહેરો, બોલી, બધું એક જ હતું. બસ સ્વભાવ બદલી ગયો હતો.

“તો ક્યાંથી શરૂઆત કરવાની છે??” ક્રિષ્નાએ રચનાને પૂછ્યું.

“શરૂઆત આપણે નથી કરવાની. શરૂઆત એ ખુદ જ કરશે. આપણે બસ ન્યૂઝ પેપરમાં એક ન્યૂઝ આપવાનાં છે. એ ખુદ સામે ચાલીને આપણી પાસે આપણી મદદ કરવાં આવશે.” રચના એક અલગ જ આત્મવિશ્વાસ સાથે બોલી.

રચનાની વાત સાંભળી ક્રિષ્નાને વિશ્વાસ આવી ગયો હતો, કે હવે મંઝિલ નજીક છે. ભલે અવરોધ ગમે તેટલાં આવે. પણ, બસ હવે તો લડી લેવાનું છે.

ક્રિષ્નાએ પોતાનાં જીન્સના પોકેટમાંથી મોબાઈલ કાઢી, કોલ લોગમાંથી ધીરજ નામ કાઢીને, તેને કોલ જોડ્યો.

“તારું એક કામ છે. સાંજ સુધીમાં શું ન્યૂઝ છાપવાની છે. એ બધી ડિટેલ્સ્ તને મળી જાશે. બસ ન્યૂઝ સરસ રીતે છપાવી જોઈએ. એની પૂરી તકેદારી તારે રાખવાની છે.” ક્રિષ્નાએ ધીરજને કહ્યું.

“કામ થઈ જાશે. પણ, તું એટલું ધ્યાન રાખજે, કે અમદાવાદમાં કોઈ ભૂકંપ નાં આવવો જોઈએ.” ધીરજે હસીને કહ્યું.

“ક્રિષ્ના હોય, ત્યાં ભૂકંપ, સુનામી અને વાવાઝોડું શું આવે નક્કી નાં કહી શકાય. આ વખતે તો કદાચ બધું એકસાથે જ ત્રાટકશે.” ક્રિષ્ના એક વર્ષ જૂની અદા સાથે બોલી.

હવે બધું પહેલાં જેવું બનવાની પૂરી તૈયારી હતી. ક્રિષ્ના ફરી મિસ.વાવાઝોડું બનવાની પૂરી તૈયારીમાં હતી. હાં, મિસ.વાવાઝોડું!! આ ક્રિષ્નાનું કોલેજ સમયનું નામ હતું. કોલેજમાં કાંઈ પણ થાય. ક્રિષ્નાને જ શોધવામાં આવતી. કોલેજના ટ્રસ્ટી સામે કોઈ લડત કરવાની હોય, કે પ્રિન્સિપાલના ગુસ્સાથી બચવા પ્રિન્સિપાલને અવળા માર્ગે દોરવાના હોય. ક્રિષ્નાનું નામ મોખરે રહેતું. એકવાર ક્રિષ્ના પાસે કોઈ મદદ માંગે, પછી તો કોલેજ આખી ડોલવા જ લાગે.

રચના હવે પહેલાં કરતાં શાંત દેખાતી હતી. રચનાને એ રીતે જોઈને ક્રિષ્નાને ઘણી ખુશી થઈ. ક્રિષ્ના કાંકરિયા તળાવની પાળી પરથી ઉભી થઈને પોતાની કાર તરફ ચાલવા લાગી. આવતી વખતે જે મુંઝવણ હતી. એનો અંત આવી ગયો હતો. હવે એક નવી જ શરૂઆત થવાની હતી.

ક્રિષ્ના ફરી એ જ રસ્તેથી કાર દોડાવતી બાપુનગર પોતાનાં ફ્લેટ પર આવી ગઈ. રચના પોતાની ઘરે આવીને કાલનાં ન્યૂઝ પેપરમાં આપવા માટે ધીરજને જે ન્યૂઝ આપવાનાં હતાં. એ ન્યૂઝ લખવાની તૈયારી કરવા લાગી.

રચનાએ ન્યૂઝ છપાયાં પછી શું થાશે?? એ વિશે આખી સ્ટોરી મગજમાં વિચારીને ન્યૂઝ લખવાની શરૂઆત કરી દીધી. લાલ કલરનાં પૂંઠાવાળી ડાયરીમાં એક પેજનાં ન્યૂઝ લખીને, રચનાએ એ ન્યૂઝનો ફોટો ક્રિષ્નાને મોકલી દીધો.

રચનાનો ચહેરો ન્યૂઝ મોકલ્યાં પછી ખીલી ઉઠ્યો. હવે બધી પરેશાનીનો અંત આવવાનો હતો. એક વર્ષ સુધી જે વાતને ભૂલવા માટે રચનાએ સતત દિવસ-રાત સુધી જે સંઘર્ષ કર્યો હતો. એનું ફળ હવે મળવાનું હતું. રચના આવનારી ખુશીઓની રાહ જોતી, આંખો બંધ કરી, સોફા પર બેસી ગઈ.

ક્રિષ્નાએ રચનાએ મોકલેલ ફોટો ખોલી, એમાં લખેલું બધું વાંચ્યું. બધું જ વાંચ્યાં પછી ક્રિષ્નાનાં ચહેરા પર પણ એક તોફાની સ્મિત રમવા લાગ્યું. ક્રિષ્નાએ એ ફોટો તરત જ ધીરજને સેન્ડ કરી દીધો. ધીરજને ફોટો મળતાં જ ધીરજે ક્રિષ્નાને કોલ કર્યો.

“આ ન્યૂઝથી કેટલો મોટો ધમાકો થશે, એ વાતની તને જાણકારી છે??” ધીરજે થોડાં ગંભીર અવાજે કહ્યું.

“મને ધમાકાની ચિંતા નથી. આ ન્યૂઝ કાલે ન્યૂઝ પેપરમાં ફ્રન્ટ પેજ પર હોવાં જોઈએ.” ક્રિષ્નાએ મક્કમ નિર્ણય સાથે કહ્યું.

ધીરજે ક્રિષ્નાની વાત સાંભળી, કોલ કટ કરી, ન્યૂઝ પર કામ કરવાનું શરૂ કરી દીધું. આવાં ન્યૂઝ તો છેલ્લાં પાંચ વર્ષથી ન્યૂઝ ચેનલમા કામ કરતાં કોઈ પણ રિપોર્ટર લાવી નહોતાં શક્યાં. આ ન્યૂઝ છપાયાં પછી ખરેખર અમદાવાદમાં મોટો ભૂકંપ આવવાનો હતો. જેમાં કેટલી કંપની પડી ભાંગશે?? કેટલાં ઘર બરબાદ થશે?? ને કેટલાં લોકો જેલમાં જશે?? એનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ હતું.

ધીરજે આ ન્યૂઝ વિશે કોઈ પણને જાણકારી આપ્યા વગર એકલાં હાથે જ તેને કાલનાં ન્યૂઝ પેપરમાં છાપવા માટેનું કામ શરૂ કરી દીધું. જો આ વાતની ન્યૂઝ ચેનલના હેડને ખબર પડે, તો એ કોઈ કાળે આ ન્યૂઝને ન્યૂઝ પેપરમાં છપાવા નાં દે.

આખું અમદાવાદ શહેર આજે શાંત હતું. બધી કંપનીનાં માલિકો આરામથી પોતાની એસીવાળી ઓફિસમાં ઠંડી હવા માણતાં બેઠાં હતાં. કોઈને કાલ સવારનો સુરજ કેવાં સમાચાર લાવવાનો છે, એ વાતની જાણ નહોતી.

અમદાવાદનાં સૌથી મોટી કંપનીનાં માલિક શ્રી હંસરાજ મહેતા પોતાની દીકરીનાં લગ્નની તૈયારીઓ કરવામાં વ્યસ્ત હતાં. લગ્ન માટે કરોડોનો ખર્ચ કર્યો હતો. બધી વ્યવસ્થા થઈ ગઈ હતી. બસ કાલ જાન આવવાની જ રાહ હતી.

“બેટા, તું ખુશ તો છે ને??” હંસરાજ મહેતાએ પોતાની લાડકવાયી દીકરી શિવીકાને પૂછ્યું.

“હાં પપ્પા, મને મારાં સપનાંનો રાજકુમાર મળી ગયો છે. તો હું બહું જ ખુશ છું.

હંસરાજ મહેતા શિવીકાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થયાં. એક તરફ દિકરીની વિદાયની વેદનાં એમને દુઃખ તરફ હડસેલી રહી હતી. પણ, દિકરીને ખુશ જોઈને, તેમને આંસુ સારવાની ઈચ્છા નહોતી.

(ક્રમશઃ)

Leave a Reply