ઓનલાઇન પત્ર

હિરેન ઑફિસેથી થાકેલો ઘરે પહોંચીને ડોરબેલ વગાડે છે. અંદરથી કોઈ જવાબ ન મળતા રીના કશેક બહાર ગઈ હશે એમ માની પોતાની ચાવીથી ઘર ખોલે છે! રિલેક્સ થાય છે. આજે દરરોજ થી વિરુદ્ધ ઘરમાં બધું પોતાની જગ્યાએ વ્યવસ્થિત લાગ્યું. પાણીની બોટલ લેવા ફ્રીઝ ખોલે છે તો આશ્ચર્યની વચ્ચે એને ફ્રીજમાં કેક, એકાદ ડબ્બામાં કોઈ સબ્જી, એનો પ્રિય પ્રસાદનો શીરો, થોડા ચીઝક્યુબ, અમૂલ બટર, બ્રેડનું પેકેટ, દૂધનું રોજ કરતાં મોટું તપેલુ જોવે છે! ક્યારે બોટલ હાથમાં લઈને સોફા પર પહોંચી ગયો એને ખબર ના પડી!

હિરેન વિચારમાં પડી ગયો કે, ” ક્યાંક આજે મારો બર્થડે તો નથી ને! ના આ ક્યો મહિનો ચાલે છે બે? ” ગૂંચવાતો એ મોબાઇલ માં જોઇને કન્ફર્મ કરે છે!

“સાલું આ તો ફેબ્રઆરી છે ના તો મારો કે ના તો રીના નો! કોઈનો બર્થડે નથી? તો પછી કેક? મેરેજ એનીવર્સરી પણ નથી! કોનો બર્થડે છે? ”

કોઈ ફ્રેન્ડનો તો બર્થડે નથી ને એ ચેક કરવા ફરી મોબાઇલ માં મથે છે!

“બે યાર આ રીના ગઈ છે ક્યાં? લાવ કોલ કરીને પુછી પણ લઉં કે ક્યારે આવે છે?”

હિરેન રીનાને કોલ લગાવે છે પણ કોલ ક્ટ થાય છે અને બીજી જ સેકન્ડે એક મસમોટો વોટ્સેપ મેસેજ આવે છે, રીના નો.

” ડીયર હિરેન!

બકા હું મમ્મીને ત્યાં જવા માટે નીકળી ગઈ છું. અરે અરે બહુ આગળનું ના વિચારતો! ઘર છોડીને નથી જતી! પૂરા પંદર દિવસનો પ્રોગ્રામ છે! ફ્રિજમાં બની શકે એટલો ખાવાનો સમાન રાખ્યો છે. ડાયનિંગ ટેબલ પર 2ટાઈમ ચાલે એટલા થેપલા છે ને સબ્જી ફ્રીજમા ડબ્બામાં રાખી છે! ને ચા સાથે ખાવા હોય 3 લિટર ગળ્યું દૂધ બનાવીને રાખ્યું છે એટલે તારે ખાંડની ઝંઝટ નહિ! ને તારા ટિફિન નું મે પાયલભાભીને કહી દીધું છે ત્યાંથી લઈ લેજે ને બાકી ના દિવસો બાહર ખાવું હોય તો પણ ભલે ઘરે મેગી બનાવે તો પણ ભલે ને પાયાલભાભીને ત્યાં જમે તો પણ ભલે! એટલું તારા પર છોડુ છું. ને હા તને મારાથી ફરિયાદ હતી ને કે હું ઘર બરાબર નથી રાખતી તો જો આજે મસ્ત સાફસફાઈ કરીને જ નીકળી છું. તું તો ગંદુ કરશે નહિ ને ! એટલે 15દિવસ એવું ને એવું જ રહેશે! તારે કોઈને કંઈ કહેવું નહિ પડે! ને હા આ 15દિવસ હું તને કોઇજ કોલ કે મેસેજ કરીને હેરાન પણ નહિ કરું કે ક્યારે આવે છે! શું જમવું છે ને એવું બધું! તું તારે ફ્રી! ને હા તારા બધા કપડાં પ્રેસ કરીને, મોજા હાથરૂમાલ બધું જ કબાટમાં રાખ્યું છે એટલે પ્લીઝ મને કોલ કરી કરીને ડિસ્ટર્બ ના કરતો! ને તું તો તારી વસ્તુઓ જગ્યાએ જ મૂકશે એટલે શોધવામાં મારી જરૂર નહિ પડે! હું હોય તો વળી આડા અવળી મુકી દઉં! બસ આનાથી વધારે તારે કંઇ જરૂર નહિ પડે ને મારી!

ઓનલી યોર્સ,
રીના”

આટલું વાંચીને તો હિરેનને પરસેવો વળી ગયો! કે, “સાલું યુનિફોર્મ તો 2 જોડી જ છે! બંને 2-2 દિવસ પેહરીશ તો પણ 4 જ દિવસ નીકળશે! બાકીના 11નું શું? ને મારી તો શિફ્ટ ડયુટી છે! ભાભીને કંઇ રાત્રે 12 વાગ્યે કપડાં આપવા જવાના! ટાઈમ ના કોઈ ઠેકાણા નહિ! રીના એ છેને સાવ આમ અચાનક નીકળી જવાય!?” ઠીક છે 2-4 દિવસ બરાબર છે પણ 15દિવસ કોણ જાય યાર!

આવું વિચારતા પણ એણે રિનાને, ” હા સ્વીટહાર્ટ ઓકે તું તારે મજા કરજે અહીંનું હું જોઈ લઈશ ને મારી ચિંતા ના કરતી! ” એવો રિપ્લે કરી દિધો. બ્લ્યુ ટીક થવાની રાહ જોઈ પણ રીનાનું નેટ જ ઓફ આવ્યું!

આમ રીના દિલ પર પથ્થર મુકી ને મમ્મીને ત્યાં ગઈ હતી! શું કરે 6 મહિના થઈ ગયા હતા એને મમ્મીને ત્યાં ગયે! કોઈ ને કોઈ કારણસર જવાનું રદ થઈ જતું હતું! પત્નીની હાલત જ સૂડી વચ્ચે સોપારી જેવી હોય છે! પોતાના ( પિયર ) ઘરે જવા માટે પોતાના ( સાસરું) ઘરની ચિંતા સતત રહેતી હોય છે! ખાસ કરીને તો ત્યારે જ્યારે હસ્બન્ડને કંઇ ઘરકામ કે થોડીઘણી પણ રસોઈ ના આવડતી હોય!

2મિનિટ પહેલા સુઘડ લાગતા ઘરમાં હવે એકલતા લાગવા લાગી. થયું ફ્રેન્ડ્સ ને બોલાવી લે….આખી નાઇટ જલસા કરીશું.

વારાફરતી બધાને કોલ કરે છે પણ દરેક પાસે પોતાના કોઈને કોઈ કારણસર આવવાની ના પાડે છે!

“અબ તો Netflix તુ હી મેરા સહારા હૈ દોસ્ત!” મનમાં વિચારી હિરેન નાસ્તા નો ડબ્બો લઈને મૂવિ જોવા બેસી જાય છે! ને જોતા જોતા ક્યારે ઊંઘ આવી જાય છે ને એમજ સવાર પડી જાય છે!

સવાર પડતાં જ એને થોડું ટેન્શન થઈ જાય છે કે, ” બે યાર! નાસ્તો જાતે રેડી કરવાનો! કપડાં ધોવાના!? ના એક કામ કરું છું લોન્ડ્રી માં જ આપી દઉં છું ને પ્રેસ પણ નહિ કરવી પડે ને નાસ્તો બહાર જ કરી લઈશ દૂધ પી ને જ નીકળી જઉં!”

સવારના 8વાગ્યા હોય છે ને આવું વિચારતા વિચારતા હજુ તો માટે 9.30 એ ઓફિસે જવાનુ છેને એમ વિચારી મોબાઇલ લઈને નોટીફીકેશન્સ ચેક કરવા બેસી જાય છે. જોતજોતામાં 9.15 થઈ જાય છે ને ભાઈનું ધ્યાન જાય છે… સટાસટ નાહવા જતો રહે છે! જેમ તેમ રેડી થઈ ને ઓફિસ પહોંચે છે! નાસ્તો ને દૂધ લોન્ડ્રી! બધું ભુલાઈ ગયું!

હિરેન ના 4-5 દિવસ આવી જ દોડાદોડી અને અસ્તવ્યસ્ત જાય છે! અને છઠ્ઠા દિવસે તો ઘરની હાલત જોઈને રીના ફરી યાદ આવી જાય છે કે એ હોત તો આટલું કબાળખાના જેવું તો ઘર ના જ હોત! હવે તો બધો નાસ્તો પણ ખતમ રોજ રોજ બહાર કે કોઈને ત્યાં જમવા જવાની પણ એને આળસ આવતી હતી ને આ બધાની વચ્ચે રીના ની અનહદ યાદ પણ આવતી હતી.

થયું કે રીના અહીંયા જ હતી ત્યારે નાની નાની બાબતે એને ટોક્યા કરતો કે જેમાં કંઇ બોલવાની પણ જરૂર ના હોય ત્યાં અકારણ જ ગુસ્સે થઈ જતો! જોકે પછી પ્રેમ પણ એટલો જ કરતો ને દરેક નાના કામ રીના પાસે જ કરાવવાની મજા! સાંજના સમયે ચા ની સાથે આખા દિવસની વાતો કરવાની મજા! સોસાયટીમાં શું શું નવું બન્યું એના ન્યુઝ રીના રોજ હિરેનને કહે ને હિરેન એની ઑફિસની વાતો કરે, પોતાના ભવિષ્યની વાતો કરતા કરતા બ્લેકહોલ સુધી પહોંચી જતી એમની ચર્ચા! આ બધું વિચારી વિચારી ને આજે હિરેનની આંખમાં આંસુ આવી ગયા! હજુ એક અઠવાડિયું કાઢવાનું છે!

ત્યારે હિરેન ને વિચાર આવે છે કે, રીનાને મમ્મીનાં ઘરે ગયે ફકત અઠવાડિયું થયું છે ને પોતાની હાલત એવી થઈ છે! જેનું કોઈ પોતાનું આ દુનિયા છોડી કાયમના પ્રવાસે જતું રહેતું હશે એમની શી હાલત થતી હશે! કેમ કાઢતા હશે એ લોકો! આ વિચારની સાથે જ એ મોબાઇલ ઉઠાવે છે ને એક નંબર ડાયલ કરી ને જણાવે છે કે, ” હેલ્લો સર! મારે જરા અર્જન્ટ કામ આવી પડ્યું છે 1 અઠવાડિયું બહારગામ જવું પડશે! તો મને તાત્કાલિક લીવ લેવી પડે એમ છે! ને હા મારી શિફ્ટસ નું અરેંજમેન્ટ કરી ને હું હમણાં જ તમને મોકલું છું.”

ટૂંકમાં વાત પતાવી હિરેન પોતાની બેગ ભરવા લાગે છે…….

Leave a Reply