“પરંપરા…”

ઓ..વાસુ, ‘સાંભર દીકરા, તું સે ને ચૌઉંદ વર્ષેનો થઇ ગ્યો કાલથી તારા બાપુ જાય ઈ ભઠ્ઠે કામે હારેહારે જવા લાગજે.

કામે?? અરે…પણ હું તો ઓલી ગામના પાદરે ઇશકુલ છે ને ત્યાં આગળ ભણવા જવાનો છું. માસ્ટરજી કહેતા હતા મારો દાખલો થઈ જાશે.

‘ના બસ સાત ચોપડી કરી એ બોવ હાલે, હવે બાપુ સારે બે પયશા લાવતો થઈ જા. સારું મૂરત જોઈ રેવાના આણા કરી લઈ આવું જેથી મારે એ કામમાં મદદ રેય’.

પૂનમની સંધ્યાએ કુમળી 8 વર્ષેની રેવા સુંદર શણગાર સજી વાસુના ઘરમાં પ્રવેશી.

રેવા વાસુની પાછળ પાછળ ઓરડામાં પોહચીં.

સાવ નાનકડી અણસમજુ રેવા કૂદીને ખૂણે ખીટીએ ટીંગાડેલું દફતર હાથમાં લઈ, “આ તમારો બસ્તો કે? ‘હા’ કેમ?”

‘મને એ ઈ આવો લઈ આલશો ને? હું એ આવો જ બસ્તો લઈને ઇશકુલ જવા.’

થોડા દિવસો પછી વાસુ દોડતો ઘરે આવ્યો.

‘અલ્યા શું થયું? કેમ આટલો હાફે સે?’

માં કાલથી રેવા ઓલી પાદર વાળી ઇશકુલમાં જશે. માસ્ટરજી સારે અત્યારે જ દાખલાનું પૂછી આયો.

અરે ઈ વહુ કહેવાય એનાથી ઇશકુલ ના જવાય. છાનોમાનો ભઠ્ઠે જા, ને બાપુ સારે વહેલો સાંજે આવજે.

રેવાને ‘ઇશકુલ ન જવાય’ એ વાક્ય કાનમાં ગુંજતું જ રહ્યું. સાસુજી સામે તો કંઈ ન બોલી શકી પરંતુ તે આખી રાત રડતી રહી. વાસુ લાચાર બની સૂતો સૂતો એના આસું જોતો રહ્યો. આખી રાત ઉંઘ તો આવી ન હતી જેથી સવારમાં જ *વાસુની આંખો માં આંખ પરોવી રેવાએ હાથ પકડ્યો* અને બોલી, ‘વાસુ હું ઇશકુલ ના જઈ શકું??’

ત્યાં જ ઇશકુલની દિવાલે લાલ અક્ષરે લખેલા વાક્યો વાસુની ફરીથી યાદ આવતાં નજરે ફરવા લાગ્યાં..*“બેટી બચાવો, બેટી પઢાવો.. ઘરને સંસ્કારે સજાવો”*

પોતાની અધૂરી રહી ગયેલ ઈચ્છા અને પરંપરાના વહેણમાં કંઈક નવો જ માર્ગ વાસુને દેખાયો, અને રેવાનો હાથ ઝાંલીને પાદર તરફ ઝડપથી દોડયો..

🖋© પ્રીતિ ભટ્ટ.. “પ્રીત” (નવસારી)
9408190834 //7984304952
[email protected]

Leave a Reply