પૂજા

પૂજાની વ્યાખ્યા આપુ તો સમજો એ ” છોટા પેકેટ બડા ધમાકા ” જેવી છે.

તમને શું લાગ્યું? ભગવાનની પૂજા?

ના એ પૂજા એટલે મારી બેસ્ટી! જોકે અમારી ઉંમર માં 10એક વર્ષનો તફાવત છે પણ કદાચ પ્રેમની જેમ મિત્રતા પણ આંધળી જ હોય છે હા એમાં બંધન નથી હોતા ને તમે જેવા છો એવા સંપૂર્ણપણે સ્વીકારી લેવામાં આવો છો! એટલે જ કદાચ પ્રેમમાં ભાંગેલો માણસ સીધો મિત્ર તરફ દોડે છે!

પણ આજે આપણે અહીંયા મિત્રતાની ઓછી અને આસ્થા અને શ્રદ્ધાની વાત કરવાની છે….

હવે તમે લોકો પૂજા (એટલે ભગવાનની નહિ!), આસ્થા અને શ્રદ્ધા ( અહીંયા આ કોઈ છોકરીની વાત નહિ થાય…!! )બધા માં ગૂંચવાઈ જાઓ એના પહેલા મૂળ વાત શરૂ કરીએ?

પૂજા ને તો હવે તમે બધા ઓળખો જ છો! તો એની જ એક નાની પણ રસપ્રદ વાત કરવાની છે!

પૂજા એટલી મજબૂત મનોબળ વાળી સ્ત્રી છે કે એની આસ્થા પુરવાર કરવા એને ઘરમાં મંદિરની કે સમય સાચવવા દીવાબત્તી કરવાની કે પછી પોતાના કામો કરાવવા માટે નાની કે મોટી માનતા રાખવાની જરૂર નથી પડતી!

એટલે એ કંઈ નાસ્તિક નથી! પણ મોર્ડન આસ્તિક છે! એનું કહેવું છે કે, “જો તમે ભગવાનમાં ખરેખર માનો જ છો તો સમસ્યાઓથી ડરો છો કેમ? અને જો ડરો છો તો એનો મતલબ એમ કે તમને અવિશ્વાસ છે તમારા ઈશ્વર પર!”

કેટલું સચોટ છે ને! કાશ બધા લોકોમાં આટલી હિંમત હોત અથવા આટલી મજબૂત શ્રદ્ધા હોત અથવા તો આટલી સચોટ સમજણ હોત!

પછી કોઈની છે તાકાત કે તમને જીવનના કોઈ પણ તબક્કે હરાવી કે પછાડી શકે!

ને પછી એવો પણ વિચાર આવે કે બધાનું જ એવું બની જવું શક્ય નથી જ! પણ જો આવું કોઈ મોજિલું મળી જાય તો મોબાઈલની જેમ આપણે પણ સમયસર ચાર્જ થતા રહીએ!

તો ફરી મળીશું ફુલ બેટરી સાથે……..!

Leave a Reply