ભીખારી: હકનો વિવાદ

ભીખ માંગનાર અમૂક વ્યક્તિનો દેખાવ, પહેરવેશ કે આંખમાં રમતી લાચારી જોઈને ઘણાં યાત્રીઓનું હૃદય પીગળી જાય. સ્વાભાવિકપણે મનમાં દયાભાવ ને દાનવૃત્તિ સળવળી ઉઠે! ટ્રેનમાં ઘણાં યાત્રીઓને આવા અનુુુભવો થતાં હોય છે. જેનું કારણ હોય છે તેઓની લાચારી અને યાત્રીઓની સહાનુભૂતિ પણ!

અહીં પણ કંઇક એવું જ બને છે – પલાંઠી વાળી ધસડાઈને ચાલતાં એક ભિખારીની કરુણ અને દયનીય સ્થિતિ જોઈને! એ ભિખારી બે હાથનો ટેકો લઈને ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. દરેક કંપાર્ટમેન્ટમાં એક ગંદુ કપડું ફેરવીને સફાઈ કરી રહયો હતો. હાથનાં ટેકે ચાલવાથી એનાં હાથ, ખભ્ભો અને છાતીનો ભાગ એકદમ મજબૂત થયેલાં દેખાતાં હતાં. પરંતુ, પલાંઠી વાળેલ એક પગનાં ગોઠણ પર ગંદુ કપડું વિટાળેલું હતું. તે કપડાં પર જાણે વર્ષો જૂની ગંદકી ચીપકેલી હતી. બીજો પગ પણ આગળની બાજુએ પદ્માસનની સ્થતિમાં વળેલો હતો. તે પગનાં પંજાનાં ભાગે કાપડ વીંટાળેલ હતું. એનાં પગની સ્થતી જોઈ તેનાં પગ વિશે અનુમાન કરવું મુશ્કેલ નહોતું. એનાં બેઉં પગમાં કોઈ ખોડખાંપણ હશે એવું સ્પષ્ટ હતું. એવું પણ બને કે તેનો એક પગ કદાચ ગોઠણથી કપાયેલો હોઈ શકે.

આમ, તેનાં દેખાવથી તેની લાચારી ઝળકી રહી હતી.  સફાઈ માટે શ્રમ કરી રહેલા તેનાં હાથની ક્રિયા જોઈ કોઈને પણ દયા આવે. ‘મહેનત કરે એને જ મદદ કરાય’ એવું માનનારા યાત્રીઓ પણ આરામથી પાંચ-દશ રૂપિયા આપી રાજીપો અનુભવી રહ્યા હતા. સામન્ય રીતે, ભીખ ન આપવી એવું માનનારા ઘણાં યાત્રિકો કેટલાક ભિખારીને હડધૂત કરી દેતાં હોય છે. પણ, આજે આ અપંગ અને લાચાર એવાં અને ‘સફાઈ’નાં શ્રમની તરકીબ વાપરનારને ભીખ આપી તેઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા હતાં. દરેકની દયા ભરેલ નજર તેનાં તરફ હતી. 

Advertisement


ખાસ કરીને, અમૂક લોકો એની તરફ મીટ માંડીને જોઈ રહ્યા હતાં – કૌતુકથી, દયાથી કે એમ અનાયાસે જ! અમૂક લોકો વચ્ચે ભીખ, દાન, દયા, મજબૂરી, જરુંરિયાતમંદ જેવાં શબ્દોને લઈને ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી. તે સાથોસાથ, ભિખારી અને માંગનારાઓ વિશે ટીકા-ટિપ્પણીઓ અને વિશ્લેષણો પણ થવાં લાગ્યા! આમ જોઈએ તો, એ સ્વભાવિક પણ હતું. કારણકે સામે રહેલો અર્ધ શરીરે રૂષ્ઠ-પુષ્ઠ દેખાતો યુવક દરેક માંગનારાઓની સરખામણીએ જુદો ને વિશેષ હતો. એની કોઈ માંગ હતી જ નહીં. એ ઘસડાતો જતો. તે સફાઈનું કામ પતાવ્યા પછી પોતાનો મજબૂત હાથ ભીખ માટે લંબાવતો હતો.

તેને જોઈને, લોકોનાં મુખે તેનાં માટે દયાનાં વચનો સરી પડતાં. એ શબ્દો હતા : ‘બિચારો..! સ્વમાની તો ખરો, નહીં કે?” ” હા, જુઓને..! મહેનત કરીને મળેલ પૈસો જ હક નો ગણાય..!” આવી રીતે, તે લોકોમાં ‘હકનો પૈસો’, ‘ મહેનતનો પૈસો’, ‘દાન યોગ્ય વ્યક્તિ’ વગેરેની ચર્ચાઓ ચાલતી રહી. તે જ સમયે, અચાનક બનેલી ઘટનાએ લોકોને હચમચાવી દીધાં. તે ગરીબડો ભિખારી કંપાર્ટમેન્ટમાં હજું અડધે જ પહોંચ્યો હતો. તે સમયે ત્યાં પાછળનાં દરવાજેથી આવેલ અને ભિખારી જેવાં દેખાતાં એક યુવકે બૂમાબૂમ ચાલુ કરી દીધી! તેણે અપંગ ભિખારી માટે જેવા તેવાં શબ્દો બોલવા શરૂ કર્યા. તેનાં શબ્દોમાં કડવાહટ ટપકી રહી હતી. તેની ફરિયાદ કહો કે લડાઈ, જે પણ કહો, તે બબડાટ હતો તેનાં પોતાનાં હક માટેનો – પોતાનાં કંપાર્ટર્મેન્ટ માટેનો! 

તેણે કહ્યું,”આ મારો ડબ્બો છે. તું અહીં શા માટે આવ્યો. અહીં તારે નહીં આવવાનું..! ચાલ, અહીંથી નીકળી જા, અત્યારે જ.” અચાનક આવી ચડેલ ભિખારી તંદુરસ્ત દેખાતો હતો. એને વળતો જવાબ આપવામાં પેલાં અપંગ યુવાને પણ વાગયુદ્ધમાં કોઈ કસર ન રાખી. વ્યકતી સશક્ત હોય કે અશક્ત,  અપંગ હોય કે ન હોય; પણ હકનો વિવાદ સળગે તો ઉછેરનાં સંસ્કાર વાણી-વ્યવહારમાં છલકાયા વગર રહે જ શાના?

બેઉં ભિખારીની ચર્ચામાં ગરમાગરમી એવી વધી કે કોચનો માહોલ જાણે ડહોળાઈ ગયો હતો. કોઈનાથી સહન ન થાય એવો માહોલ અપંગ ભીખારીથી પણ સહન થાય તેમ નહોતો. એનાં પહાડી અવાજમાં નીકળતાં તીખા ને ગંદા શબ્દોથી પણ પેલો શાંત ન પડ્યો. અપંગ ભીખારીની સહનશક્તિ આખરે તૂટી ગઈ. હવે હક મેળવવા શબ્દો કામ નહીં કરે! હાથાપાઈ એ જ આખરી હથિયાર હોય તેમ તે પલાંઠી ઘસતો પેલા યુવક તરફ આગળ વધ્યો. બન્ને એકબીજાને ડબ્બામાંથી બહાર ધકેલવા માટે એકબીજાંને હાથ વડે ધકકા મારવા લાગયાં. પેલાં ઘૂસણખોર જેવાં યુવકે પણ પોતાનું જોર લગાવી સામે ધક્કો લગાવ્યો.

ઝઘડાનું વાતાવરણ ઉગ્ર બની રહ્યુ હતુ. યાત્રીઓની નજર આ હકનાં સંગ્રામ પર ચીપકી રહી હતી. વિવાદ પરથી એટલું તો સ્પષ્ટ હતું કે અપંગ ભિખારી કદાચ ભૂલમાં તે ડબ્બામાં પહોંચી ગયો હતો અથવા જાણી જોઈને! પણ એ પોતાનો હક સાબિત કરવા પૂરતો પ્રયાસ કરી રહ્યો હતો. ડબ્બાની વહેંચણી વાળી વાત સ્પષ્ટ હતી. અપંગ ભિખારી ભલે પોતાને નિયત કરાયેલ ડબ્બામાં નહોતો, પણ લોકોની કરુણા પર તેણે હક જમાવી દીધો હતો. અચાનક આવી ચડેલો બીજો ભિખારી સાવ દુબળો, પાતળો, અને અશક્ત દેખાતો હોય છતાંય દુર્બળ અને અપંગને દબાવવા પ્રયાસ કરતો હોય એવાં અનુમાનનું જ વાતાવરણ બની રહ્યું હતું. પરંતુ ઘટનામાં આવેલો વળાંક ખૂબ વિચિત્ર હતો. એ દ્રશ્ય જોઈ લોકો પણ હચમચી ગયા હતાં.

એ અપંગે આખરે પદ્માસન છોડ્યું. પલાંઠી છોડી. ઉભો થયો. એકદમ સરસ રીતે બે પગે ચાલ્યો, જાણે દોડ્યો…! પેલાંને ધકેલતો, ખદેડતો, ભગાડતો, ગુસ્સો કરતો – છેક દરવાજા સુધી ને પછી ધકેલી દીધો પ્લેટફોર્મ પર! સદનસીબે ટ્રેન સ્ટેશન પર થોડી ધીમી પડી હતી! એ પણ ઉતરી ગયો.

કંપાર્ટમેન્ટમાં હતી નીરવ શાંતી! ને લોકોની આંખોમાં હતો પ્રશ્નાર્થ! ત્યાં રહેલા યાત્રીઓની બધી ફિલોસોફી જાણે હકનાં વિવાદ પર અપંગ જેવી થઈ ગઈ હતી. ને, લોકોની હતપ્રભ થયેલી આંખો અને મન કોચના દરવાજે મુસાફરોનાં કોલાહલમાં વળગી રહ્યા હતાં.

Leave a Reply