મંજુ ડોસી


આજે લગ્નના 2 વર્ષ થઇ ગયા હતા. નીતા એના પતિ  જોડે શાંતિથી પ્રવાસના દિવસો પસાર કરતી હતી. જે રિસોર્ટમાં રોકાયા હતા ત્યાંના એક વરંડામાં કોઈ ડોસીને જોતા અચાનક જ નીતાની આંખો સામે એક ખૂબ જૂનો પરંતુ સાવ પરિચિત એવો ચહેરો આવી ગયો અને નીતા એ જૂની યાદોમાં  સરી પડી. સમરે  પત્નીને આમ વિચારોમાં ખોવાયેલી જોઈ અમસ્તા જ પૂછી દીધું કે કોને યાદ કરે છે…. એને ઘણી હિચકી આવવાની આજે તો…. અને નીતા એક નાની ‘સ્માઈલ’ સાથે મંજુ ડોસી સાથેના સ્મરણો વાગોળવા લાગી….

તાજગીભરી સવાર નીતાને ઘરમાં કૂદાકૂદ કરવા પ્રફુલ્લિત કરતી હતી. આ કોઈ જેવી-તેવી નઈ, રવિવારની સવાર હતી…..રવિવારની. 12 વર્ષની નીતા માટે તો એક રવિવાર એટલે જાણે કે 2 મહિનાનું ઉનાળુ વેકેશન. ‘નો હોમવર્ક… નો એનીવર્ક.’ બસ ખાવું-પીવું, નાચવું-કૂદવું, ટી. વી. જોવી અને નિંદ્રારાણીને ખુશ રાખવા. આમ આખો દિવસ રમત રમતા-રમતા તહેવાર હોઈ એવી રીતે ઉજવવો.

સ્નાન કરીને નીતા સુંદર એવું ફ્રોક પહેરી, બે નાની ચોટલીઓ ગૂંથી અને મોં પર પાવડરનો લપેટો લગાવીને ઘરના ઓટલે રમકડાંની પથારી પાથરી બેસી હતી. એ ઘડીક બ્લોક જોડી ટ્રેન બનાવે તો ક્યાંક ચાવી ભરોવી મોટરગાડી ચલાવે ને વળી પાછી જોત-જોતામાં તો ડમ-ડમ કરતી ડમરુ પણ વગાડે ને અચાનક જ તેની નજર આંગણામાં ઊભી વૃદ્ધા પર પડી.

સામાન્ય કદ ધરાવતી એ વૃદ્ધાના હાથમાં જૂની ધોયા વિનાની થેલી હતી અને આંખ એક આશ સાથે નીતાને જોતી હતી. નીતાની નજર તેમના હાથ પર પડી જે કંઈક આપવા આજીજી કરતા હતા. નીતાને આ ગણિત સમજાય ગયું એટલે એણે તો ઉભી થઇ ઘરમાં દોટ મૂકી…..
મમ્મી… મમ્મી… કોઈ આવ્યું છે પૈસા માંગવા! હું તેને 1 રૂપિયો આપી આવું? અને મમ્મીની રજા મળતા નીતાએ ફરી દોટ લગાવી રૂપિયો લઇ પેલી ડોસીને આપ્યો.

ધીમે-ધીમે ચાલતી એ ડોસી નીતાના મગજ પર લાંબો પ્રભાવ પાડી ગઈ. નીતાને તેના વિશે જાણવાની અત્યંત કૂતુહલતા જાગી એટલે એ તો સીધી દાદીમા પાસે પહોંચી ગઈ અને સવાલોની લાંબી લાઈન લગાવી દીધી. એ ડોસી કોણ છે? તે કેમ ભીખ માંગે છે? તેના કુટુંબમાં કોણ-કોણ છે? અને એવા તો કઈ કેટલા સવાલો…..

દાદીમા પાસે આવેલી નીતા આજે એક વાર્તા સાંભળતી હતી. કોઈ બાળ વાર્તા, ભૂત-ચુડેલ-ડાકણની વાર્તા કે પછી જાદુગરની વાર્તા નઈ પરંતુ ઘરે આવેલી ડોસીના જીવનની સાચી વાર્તા. “મંજુ નામ છે દીકરા એનું તો, એનો પતિ -બે છોકરા અને બે છોકરી બધા જ છે, પણ એની સાથે નહિ  રહે.” દાદીમા આટલું કહી સહેજ થોભ્યા, જાણે કે કંઈક વિચારતા હોઈ અને ઘડીકભર રહી પાછી વાત આગળ ધપાવી….. “એનો વર તો હીરા ઘસવાના કારખાનામાં નોકરી કરતો. છોકરા-છોકરી થયા પછી એ કારખાનામાં કામ કરતી રમા સાથે એણે બીજા લગન કરી લીધા, અરે… રમા તો મંજુ જેટલી સારી પણ ન દેખાતી. રમા સાથે પણ એના વરને તો ત્રણ સંતાન. રમાને ઘરે લાવ્યા પછી તો મંજુને એના વરે ઘરમાંથી કાઢી મૂકેલી. ત્યારથી તો એ એકલી જ વરી. મંજુના છોકરા મોટા પણ થય ગયા અને લગ્ન  પણ કરી લીધા પણ ડોસીને રાખવાની જગ્યાએ શહેરમાં રહેવા જતા રહ્યા .”

“કોઈ ની મળે મંજુનું આ દુનિયામાં… કામ થતું ત્યાં સુધી તો કામે જતી પણ હવે તો શરીર પણ કામ ન આપે એટલે કામ ન મળે ત્યારે ભીખ માંગવા નીકળી પડે . બાકી એ જુવાનીમાં તો બહુ  સ્વમાની હતી.” અને દાદીમા મંજુ ડોસીની એક છબી નીતા પાસે છોડી રોટલા બનાવવા રસોડામાં ચાલ્યા ગયા.

નીતા તો ઘરના ઓટલા પર જ્યાં બેસી હતી ત્યાંજ લાંબો સમય બેસી ઊંડો વિચાર કરવા લાગી….. 12 વર્ષની એ છોકરી કે જેને દુનિયાદારીની વધુ સમજ પણ નથી એણે મનોમન નક્કી કરી લીધું હતુ કે હું મારા મમ્મી-પપ્પાને આવું જીવન તો નઈ જ આપું. પણ આ મંજુ ડોસીનું શુ?

હું એમના મટે કાંઈ નહિ કરી શકું….. અરે, હું તો ઘણી નાની છું….. અને નીતાને  દાદીમાની વાત યાદ આવે છે કે, “જો આપણે સાચા દિલથી કોઈ ને કોઈ પણ રીતે મદદ કરીએ તો આપણને પુણ્ય મળે પરંતુ એ મદદ એટલી ગુપ્તનીય હોવી જોઈએ કે આપણે જમણા હાથથી દાન કરીએ તો એની જાણ ડાબા હાથ ને પણ ન થાય!!!” થોડુંક વિચારીને નીતા બોલી ઉઠે છે કે મને પણ પુણ્ય જોઈએ છે. હું તો આ મંજુ ડોસીની મદદ કરીશ અને એ પણ કોઈને કહ્યા વગર જ. એટલે હવે તો જયારે નીતા સ્કૂલે જાય કે સ્કૂલ થી આવે અને રસ્તે મંજુ ડોસી નજરે પડે તો ફટાક દઈને સાઇકલ ઉભી રાખી એક-બે કે પછી ત્રણ જેટલા રૂપિયા હોઈ એટલા ડોસીને આપી દેય. મમ્મી પાસે ચોકલેટ માટે 2 રૂપિયા માંગે તો 1ની ચોકલેટ લઇ 1 રૂપિયો ડોસી માટે બચાવી રાખે. વળી મંજુ ડોસી રોજે-રોજ થોડી રસ્તે દેખાય….. એ તો મહિનામાં 1 વાર તો ક્યારેક 4-5 વાર પણ દેખાય, પરંતુ નીતા તો ત્યારે જ ડોસી ને પૈસા આપે જયારે રસ્તે બીજા માણસો ઓછા હોય….. નહીતો જો કોઈ મંજુ ડોસીના પરિવારને આ વાતની જાણ કરે અને ધમાલ થાય તો!

ઘણા દિવસો થઇ ગયા હોય છતાં મંજુ ડોસીને મળવાનું ના થાય તો નીતા દુઃખી થઇ જતી. કેટલીક વાર તો એવું પણ બનતું કે ડોસી દેખાય પરંતુ નીતા પાસે પૈસા ન હોય કે પછી નીતા બહેનપણીઓ સાથે હોય ત્યારે નીતા પોતાના પર જ ગુસ્સો કરી દેતી.

એક વાર જયારે મંજુ ડોસી ઘરે આવ્યા ત્યારે દાદીમાએ એમને પૂછ્યું કે, ‘તને આટલા રૂપિયામાં થઈ રહે .’ અને ખૂબ ઓછું બોલતા આપણા મંજુ ડોસી બોલ્યા કે….. ‘ચાલે ત્યાં સુધી ચલાવું બેન અને પુરા થઈ જાય ત્યારે ગામમાં ચાલી મૂકુ. આ તો આ છોકરી અને એક બીજી છોકરી બેવ થોડાક-થોડાક દિવસે પૈસા આપ્યા કરે એટલે સારુ પડે ….. ભગવાન બન્નેનું ભલુ કરે.’ અને આ સાંભળી નીતા દુઃખી થઇ ગઈ કે કોઈ બીજી પણ છોકરી છે…. મારુ તો કઈ મહત્વ જ નહિ રહ્યું ને! પરંતુ થોડા સમય પછી એને થયું કે મારા 2-5 રૂપિયાએ મંજુ ડોસીનું શું થાય, સારુ છે કે કોઈ બીજુ પણ એની મદદે આવ્યું અને આવા વિચાર સાથે નીતા ફરી ખુશ થઇ ગઈ.

આ સિલસિલો તો 2-3 વર્ષ ચાલતો રહ્યો અને નીતા 7 માં ધોરણમાંથી 9 માં ધોરણમાં આવી ગઈ. ઘણા દિવસો થઇ ગયા હતા પણ મંજુ ડોસી નીતાને નજરે ના પડતા નીતા ચિંતિત હતી. કોને પૂછું એવું વિચારી એણે દાદીમાને પૂછ્યું પરંતુ એમણે પણ ડોસીને છેલ્લા 3 મહિના થી જોયા ન હતા. ડોસી જ્યાં રહેતા એ જગ્યા પર નીતા 1-2 મહિના નજર રાખતી રહી પરંતુ ડોસીની કોઈ ખબર ન પડી અને એ જગ્યાએ કોઈનું છેલ્લા 4-5 મહિનામાં મૃત્યુ થયું હશે એની માહિતી પણ બહાર નહિ આવી. શુ ડોસી મૃત્યુ પામ્યા હશે? કઈ રીતે? ક્યાંક ચાલ્યા તો નહિ ગયા હોય ને? આવા અનેક સવાલો નીતાના મગજમાં આવતા…. પરંતુ કોઈ જવાબ ન મળતા નીતા પણ હવે તો ધીમે-ધીમે ભણવામાં વ્યસ્ત થઈ ગઈ અને મંજુ ડોસીની યાદ ધૂંધળી પડતી ગઈ….. અને સમીરે નીતાના હાથમાં ગરમ કોફીનો મગ પકડાવી દેતા ફરી એકવાર નીતા મંજુ ડોસીની યાદોના જાળામાંથી બહાર આવી ગઈ અને એક સ્મિત સાથે સમીર જોડે કોફીની મજા માણતી ગઈ.

Leave a Reply