મનનું કોરનટાઈન : “એમાં શું ?”

મનનું કોરનટાઈન : એમાં શું ?

કોરનટાઇન શબ્દ ભલે કોરોનામાં સાંભળ્યો હોય,પણ માનવીનું  મન “એમાં શું ?” શબ્દ દ્વારા  ક્યારનું  કોરનટાઇન થઇ ગયેલ છે.

    ધરતી પરનો પ્રત્યેક માણસ પોતાની જાત સાથે કોઈ ને કોઈ વાર તો કોરનટાઈન અવશ્ય થયો હશે.માનવ પોતાની કમજોરી ,શિથિલતા ,વિલંબ,આળસ,અનીતિ ,વ્યસન કે અન્ય દુર્ગુણોનો  બચાવ કરવા માટે જે શબ્દોનો સહારો શોધે છે,તે શબ્દો છે.-“ એમાં શું ?” પોતાની નબળાઈઓનું સમર્થન શોધી કાઢવું એ માનવની સૌથી મોટી નબળાઈ છે.! દુર્ગુણો કે દુર્વૃત્તીને ગંભીરતાથી વિચારીને એનાથી નિવૃત્ત થવાને બદલે એને હળવાશથી જોવાની ટેવ પાડીને એમાં જ પ્રવૃત્ત રહેવું એ માનવમનની  અવળચંડાઇ છે.પાપને પંપાળવાની આ મનોવૃત્તિ માણસને પતનની ઊંડી ગર્તામાં ધકેલી દે છે.માત્ર ત્રણ ઈંચની કેળાની છાલ જેમ છ ફૂટના માણસને પાડી નાખવા માટે પર્યાપ્ત છે તેમ માત્ર ત્રણ અક્ષરનો આ પ્રશ્ન ,એમાં શું ?’ માનવના જીવનને નષ્ટ કરી નાખવા માટે પૂરતો છે.

Advertisement

‘રાત્રે વહેલા સૂએ ,વહેલા ઉઠે વીર’ –એ ન્યાયે રાતના વહેલાં સુવું જોઈએ.પણ રાત્રે એક-બે વાગ્યા સુધી ગપ્પાં મારતા બેસી રહ્યા – ‘એમાં શું ?’સવારે વહેલા ઉઠીને ધ્યાન ,ધારણા ,વ્યાયામ ,અભ્યાસ ,ઈત્યાદી કાર્યો કરવાં જોઈએ.પરંતુ આઠ-નવ વાગ્યા સુધી આળોટતા રહ્યાં – ‘એમાં શું?’ ગીતા કહે છે કે માણસનો આહાર-વિહાર યુક્ત હોવો જોઈએ .ચાર રોટલીથી પેટ ભરાઈ ગયું.પણ મિત્રના આગ્રહથી આઠ રોટલી ખાઈ નાખી ‘એમાં શું ? ‘વ્યસનો ખરાબ છે ,એમનાથી બચવું જોઈએ .પણ મિત્રોની મહેફિલમાં થોડી મદિરા ચાખી લીધી ‘એમાં શું ?’એકાદ દિવસ જુગાર રમ્યા ‘એમાં શું ?’કોરોનાની મહામારી છે.માસ્ક પહેરવો ફરજીયાત છે.પણ બાંધતા નથી કારણ  “એમાં શું “ બાંધવો ? અલ્યા,પેલો અરવિંદભાઈ કાયમ કોરનટાઇનની જેમ રહેતો છતાં એને કોરોના આવ્યો “એમાં શું ?”આમ,પ્રત્યેક વાતમાં “એમાં શું “?એમાં શું ?’એમ કહેનાર માણસને કહેવાનું મન થાય કે ‘તો પછી તારામાય શું ?’

    કોઈપણ પ્રકારના વ્રત કે કરાર વગર જીવનને આકાર આવતો નથી.સંસ્કૃતનો સુભાષિત પણ કહે છે કે ‘ક્ષણ-ક્ષણ અને કણ કણ કરીને વિદ્યા તેમજ વિત્ત ઉપર ધ્યાન આપવું જોઈએ .ક્ષણ વેડફે તેને વિદ્યા ક્યાંથી મળે અને કણ વેડફે તેને ધન ક્યાંથી મળે ?

 ક્ષણને સાચવે તે વિદ્વાન બને કણને સાચવે તે ધનવાન બને .સમયને વેડફવામાં તો આપણે ભારતીયજનો પંકાયેલા છીએ .પરિણામે ‘ઇન્ડિયન ટાઇમ ‘એ શબ્દો વ્યંગમાં બોલતા થઇ ગયા છે.

ગયેલો સમય પાછો આવતો નથી તેથી તેને બગાડવો ન જોઈએ.જે સમયને વેડફે છે તેનું જીવન વેડફાઈ જાય છે.અને જે સમયને સાચવે છે તેને સમય પણ  સાચવે છે .આપણે કોઈને સમય આપીએ છીએ તેમાં ચ પણ ચોક્કસ નથી હોતા ‘હું તમારે ત્યાં રાત્રે ૭-૮ વાગે આવીશ એમ કહીએ છીએ.કેમ જાણે ૭ અને ૮ વચ્ચે કોઈ ફરક જ ન હોય ! એક કલાક શું એ માણસ અદબ વાળીને આપણી રાહ જોતો બેસે ?ઘણીવાર કોઈ કારણ વગર કે ખાસ કામ વગર આપણે કોઈને ત્યાં કલાકો સુધી બેસી રહીએ છીએ.આપણને લાગે છે કે ‘એમાં શું ?’આપણો સંબંધ છે,મૈત્રી છે.પરંતુ સામેના માણસને થતા ત્રાસની આપણે કલ્પના કરતાં જ નથી.કોઈના પૈસા ચોરી લઈએ એ જો ગુનો ગણાય તો પછી પૈસાથી પણ વધારે કીમતી એવો કોઈનો સમય ચોરી લઈએ તો એ વધારે મોટો ગુનો ન ગણાય ?આજે ગામ અને શહેરોમાં લોકો રીતસર જમાવટ કરીને કૂથલી –નિદાનો ધોધ વહાવે છે અને પછી કહે છે કે જે છે તે છે” એમાં શું ?”

    સંપતિ વાપરવી જુદી અને વેડફવી જુદી.ઉદારતા અને ઉડાઉપણું આ બે વચ્ચેના ભેદને માણસે પારખવો જોઈએ.તે જ રીતે કરકસર અને કંજુસાઈ વચ્ચેની ભેદરેખા પણ માણસે ઓળખવી જોઈએ.જે શક્તિ ભોગોમાં વેડફાઈ જાય તે પછી વિકાસમાં ઉપયોગી થતી નથી.ભોગો ક્ષણિક છે.તેમજ આપણને ક્ષીણ બનાવનાર છે.અને ત્યાગ જીવનને નીરસ બનાવે છે.જીવનમાં સંગીત તો પ્રગટે છે સંયમની સાધનાથી ! સંયમી યુવાનનું જીવન સૌરભથી મહેકતું હોય છે.નિયમિતતાથી સમય બચે અને સંયમથી શક્તિ બચે અને આ બચેલા સમય અને શક્તિ જીવન વિકાસની સાધનામાં ઉપયુક્ત થાય.

‘એમાં શું ?’ એ શબ્દોમાં રહેલી લાપરવાહી જીવનને બહુ મોટું નુકશાન કરે છે.નાની વાતમાંથી જ ઘણીવાર મોટું કામ બગડતું હોય છે. એક કવિ એ ખૂબ સરસ રીતે કહ્યું છે ,

                           “ભર્યું પાત્ર દૂધપાકનું હો છલોછલ ,

               બગાડી મૂકે છાશનું એક ટીપું ;

                            બેસૂરું કરે પલમાં દાંપત્યજીવન ,

               ભળે જો અવિશ્વાસનું એક ટીપું !”

    ઘણીવાર આપણે વાણીને પણ આમ જ વેડફતા હોઈએ છીએ.બે-ચાર આડી –અવળી વાતો કરી નાખી એમાં શું ? છાશનું એક ટીપું દૂધ પાકને વિકૃત કરી નાખે છે તેમ સંશયના ઝેરનું એક ટીપું કોઈના પવિત્ર સંસારને કલુષિત કરી નાખે છે.

   ઓથોલોના મનમાં વવાયેલું સંશયનું ઝેર , એને એની પ્રિય પત્ની ડેસ્ડીમોનાનું ખૂન કરવા પ્રેરે છે એ વાત શેક્સપિયર ખુબ જ સુંદર રીતે વર્ણવી છે.

                  “ભલાઈની મોઘી જીવનની કમાણી ,

                                     લુટાવી દે એક જ બુરાઈનું ટીપું ;

                    સહ્યું સત્ય કાજે કરે વ્યર્થ પલમાં ,

                                     ‘નરો –કુંજરો વા ‘ તણું એક ટીપું !’

ગાંડીતૂર બનેલી નદી જેમ હજારો ગામોને ઉર્દ્વસ્ત કરી નાખે છે તેમ ઉચ્છખલ યુવાની પણ સમગ્ર સમાજને અસ્વસ્થ કરી નાખે છે.તોફાની નદી પર જો બંધ બાંધવામાં આવે તો એ જ નદી હજારો ગામોને સુજલા-સુફલાં બનાવી દે છે.

Leave a Reply