બીજા દિવસ થી અંજલિ એ પ્રકાશક કેન્દ્ર માં નોકરી શરુ કરી. આ પ્રથમ નોકરી હોવાથી શરુ શરુ માં તકલીફ પડતી હતી. પરંતુ ખુબ જ કામ હોવાને લીધે કામ માં એનું મન પરોવાયેલું રહેતું હતું. સવારે વહેલા ઉઠવું ઘર નું કામ પતાવી એ તરત જ ઓફીસ નીકળી જતી હતી. ક્યારેક ભાવનાબેન અને વિજયભાઈ એને પૂછતાં કે ત્યાં ગમે છે કે નહિ ? કામ કેવું ચાલે છે ? ત્યારે એ ફક્ત માથું ધુણાવી જવાબ આપતી.
મિસ્ટર અનિરુદ્ધ અંજલિ ને બધી રીતે સપોર્ટ કરતા હતા. એમણે થોડા જ દિવસો માં અંજલિ ને બધું કામ શીખવી દીધું હતું. અંજલિ ના કામ માં ચોકસાઈ હતી. વળી એ ખુબ જ ખંત અને મહેનત થી કામ કરતી હતી એ અનિરુદ્ધ ને ગમતું હતું. ત્યાર પછી તો બધા ઈમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ એ અંજલિ ને જ સોંપતા. કામ ને લીધે અંજલિ ના આંસુઓ તો સુકાય ગયા હતા પરંતુ એના ચહેરા પર ખુશી કે જીવંતતા દેખાતી નહોતી. એ સવારે ઉઠતી અને માત્ર કામ પતાવવા કે જીવવા માટે ઓફીસ જતી હોય એવું લાગતું. ઘણી વાર ભાવનાબેન ને ચિંતા થઇ આવતી. ને પૂછતાં, “બેટા તને ત્યાં ગમે તો છે ને ?”અંજલિ ફક્ત હા માં જવાબ આપતી.
રજા ના દિવસો એ અંજલિ જલ્દી થી કામ પતાવી ને પોતાના રૂમ માં શૂન્યમનસ્ક બેસી રહેતી અથવા તો સુઈ રહેતી. ભાવનાબેન અને વિજયભાઈ ની ચિંતા હજુ મટી નહોતી. ઓફીસ માં પણ અંજલિ ના એટલા મિત્રો નહોતા. એ કામ પૂરતી વાત બધા સાથે કરતી. કોઈએ પાર્ટી માટે કે બહાર જવાનું આમંત્રણ આપ્યું હોય તો એ નકારી દેતી. અને કામ પતાવી સીધા ઘરે જ આવવાનો આગ્રહ રાખતી.
ઘરે વિજયભાઈ અને ભાવનાબેન ખુબ ધ્યાન રાખતા કે કોઈ વાત કે વસ્તુઓ અંજલિ ને રાગ ની યાદ ના અપાવે. તેઓ માનતા હતા કે અંજલિ રાગ ની યાદો ને પાછળ મૂકી ને જ જીવન માં આગળ વધી શકશે. ધીમે ધીમે તેઓ એ અંજલિ ખાતર રાગ નું અસ્તિત્વ ઘર અને એમના જીવન માંથી ઓછું કરવા માંડ્યું હતું. રાગ ની યાદો એમને પણ એટલી જ તકલીફો આપતી હતી. પરંતુ અંજલિ નો ચહેરો જોઈને તેઓ બંને હિમ્મત રાખતા હતા. પોતાનું એક સંતાન ને ગુમાવ્યા બાદ તેઓ બીજા સંતાન ને ગુમાવવા માંગતા નહોતા.
બધું કરવા છતાં અંજલિ નું આ વર્તન એમને ચિંતા આપતું હતું. અંજલિ માનસિક રીતે ભાંગી પડી હોય એવું લાગતું હતું. એમને ચિંતા થઇ આવતી હતી કે આ આઘાત માં થી અંજલિ ને કઈ રીતે બહાર કાઢવી. એમને પોતાના થી બનતા બધા જ પ્રયત્નો કરી જોયા પરંતુ એમને એમ કરવા છતાં પણ પોતાની જૂની અંજલિ ક્યાંય દેખાતી નહોતી. વળી એમને થતું કે રાગ એ જે પણ કઈ કર્યું અથવા તો એની સાથે જે પણ કઈ થયું એમાં અંજલિ નો શું વાંક ? તેઓ ઘણી વાર અંજલિ ને સમજાવવા કે વાત કરવા પ્રયત્નો કરતા પરંતુ તેઓ ના બધા જ પ્રયત્નો નિષ્ફળ જતા હોય એવું લાગ્યું. એમણે નક્કી કર્યું કે તેઓ કાલે અંજલિ સાથે વાત કરશે અને એને કાઉન્સલર અથવા તો સાઈકોલોજીસ્ટ ને મળવા કહેશે. કદાચ એમની મદદ થી અંજલિ ને થોડી હિમ્મત મળે.
બીજા દિવસે સવારે નાસ્તા દરમિયાન ટેબલ પર વિજયભાઈ એ ભાવનાબેન ને ઈશારો કર્યો. નક્કી કર્યા પ્રમાણે ભાવનાબેન અંજલિ ને સાઈકોલોજીસ્ટ ને મળવા સમજાવવાના હતા.
“બેટા” ભાવનાબેન એ વાત શરુ કરવા પ્રયત્ન કર્યો.
અંજલિ એ એમની બાજુ જોયું પરંતુ કોઈ પ્રત્યુત્તર ના આપ્યો.
દિવસે દિવસે અંજલિ નો વાચાળ સ્વભાવ પણ ક્યાંય ચાલ્યો ગયો હતો. એ ફક્ત કામ પૂરતો અથવા તો હા કે ના માં જ જવાબ આપતી.
“મને તારી ચિંતા થાય છે. સાચું કહું તો તારી આ હાલત મારા થી જોવાતી નથી.”
અંજલિ એ માત્ર આંખ નીચી કરી.
“બેટા મારી વાત માને તો કે વાર આપણે કોઈ સાઈકોલોજીસ્ટ ને મળી જોઈએ.”
“મમ્મી ! “ અંજલિ એ વેધક નજરે એમની બાજુ જોયું.
“મને ખબર છે કે તારી અંદર ઘણા તોફાન, પ્રશ્નો અને ફરિયાદો હશે ! તું મારી સાથે ભલે વાત કે ફરિયાદ ના કરી શકે પણ એ તોફાન ને બહાર આવવા દેવું પડશે. સાઈકોલોજીસ્ટ ને મળ્યા પછી કદાચ તારા એ પ્રશ્નો નો જવાબ મળે, નિરાકરણ આવે. કદાચ તને જીવન તરફ નો નવો દ્રષ્ષ્ટીકોણ મળે.
અમને તારી ખુબ જ ચિંતા થાય છે.અને ક્યાંય ને ક્યાંય અમને એમ લાગે છે કે તારી આ હાલત ના જવાબદાર અમે છીએ.” બોલતા બોલતા ભાવનાબેન ની આંખ માં આંસુ આવી ગયા.
“ના મમ્મી એવું કશું નથી. તમે કહો તો હું ચોક્કસ મળીશ.” અંજલિ એ કહ્યું.
અંજલિ કમને તૈયાર તો થઇ પરંતુ ફક્ત ભાવનાબેન નું મન રાખવા. પછી તુરંત ઓફીસએ નીકળી ગઈ. કેમ કરી ને આજે ત્યાં પણ એનું મન નહોતું લાગતું. ખુબ જ બેચેની લગતી હતી કામ માં જરા પણ એનું ધ્યાન નહોતું.
મિસ્ટર કશ્યપ એ એક વાર એને પૂછ્યું પણ ખરું કે, “અંજલિ તમારી તબિયત તો બરાબર છે ને ? એવું હોય તો આજે ઘરે જય આરામ કરી લો”
અંજલિ એ કામ માં મન લગાવવા પ્રયત્ન કર્યો ત્યારે અચાનક એને ક્યાંક અવાજ સંભળાયો હોય એવું લાગ્યું.
“રાગ…”
(ક્રમશ:)