લહેરાતો મોલ

“સૂરજનારાયણે પહેલું કિરણ સંકટપરાની સીમ પર પાથર્યું.
ધીરે ધીરે આખા ગામ પર પગપેસારોય કર્યો. આમ તો પ્રકાશના આગમનથી માનવજાત તાજગીસભર બને પણ માતાજીના મંદિરવાળી ગલીમાં ડાબે હાથે ખોરડું હતું એ બાલુની ઘરવાળી જમનીને હાયકારો થયો.
“ઓય મા હજી તો આડો વાંહોય હરખો નહીં કર્યો ને તડકો લઈને આઈ જ્યા.”

પણ છૂટકો જ નહોતો એટલે બે હથેળીથી આંખ ચોળીને જમની ઉભી થઈ ગઈ. મોં ધોઈને ચાનું પાણી ચડાવ્યું અને બીજી બાજુ તાંસમાં રોટલાનો લોટ કાઢ્યો.

લોટને જોર જોરથી મસળતાં મસળતાં જાણે બધી અકળામણ કાઢતી ગઈ.
“મુઈ પઈણ્યા પસે તો જોણે ઉંઘવાનું જ ભૂલી જઈ મું તો.”

એટલામાં બાલુ પણ જાગી ગયો.
“અલી ચા તો આલ.”

“હોવે આલુ.”

બેય માણસ પિત્તળની તપેલી અને બે રકાબી લઈને સાહ્યબીથી બેડ ટી પીવા બેઠાં જાણે. કારણકે આ દસ મિનિટ જ તાજગીસભર રહેતી પછી તો સીમમાં ખેતરે જવા જમની ભાથું બનાવવામાં લાગી અને બાલુએ ખેતરે લઈ જવાની સામગ્રી ભેગી કરી. બે લોટા આમતેમ શરીર પર ઢોળીને રસોડામાં એક છાજલીએ પધરાવેલા ગણપતિ મહારાજની સામે બે હાથ જોડીને કહ્યું,
“ભઈસા’બ મહારાજ દયા કરજો.”
અને પછી લૂંટી લેવાય એવું કશુંય નહોતું એવા ખોરડાને તાળું મારીને બેય રવાના થયાં.

“લે હેંડ પગ ઉપાડ.”

“પણ મારથી ઝટ દઈને હેંડાતું નહીં.”

“હાવ સોતરાં જેવી સો તે ચ્યોંથી હેંડાય!”

“આ તારા રાજમોં જ એવી થઈ
જઈ સું. મારા બાપુને ઘેર તો રાતી રાણ જેવી હતી.”

“મેલ પંચાત અવ.”

જમની અને બાલુનો સંસાર આવી ચકમકમાં વહેતો રહેતો.

બાલુને સીમમાં જમીન અને જે ગણો તે માલિકથી માંડીને દાડિયા સુધી પોતે બે જ એટલે કામ પણ એટલું જ પહોંચે.
જમનીએ પરણીને મોભ વધાવ્યો ત્યારથી બાલુની હારોહાર કામે લાગી ગઈ હતી.

થાક લાગતો ત્યારે એકબીજાને વડચકાં ભરાઈ જાતાં પણ રાત્રે જમનીના હાથના ગરમાગરમ રોટલાનું વાળુ કરીને બાલુ જમનીનો આભાર વ્યક્ત કરતો. પડખામાં ખેંચીને વ્હાલથી કહેતો,

“આ તારા હાથમોં માતાજીનો પરચો પાક્કો મારી ઝેણકી.”

“લે અવ જરી શરમ ભર. એમ તો ઝયડકી નાખ સે. ચ્યોંયની નહીં મેલતો.”

“અલી એ તો એવું જ હોય.”
અને બંને રળિયામણી રાતે ફરી એકબીજાને સાથે જીવવા-મરવાની કસમ આપી દેતાં.
પણ છેલ્લા કેટલાક સમયથી જમનીને બાજુના ખોરડે રમતા ભોલુ જેવું કોઈ પોતાના આંગણેય ભાંખોડિયાં ભરે એવા કોડ જાગ્યા હતા. મનોમન વાતો કરતી.
“બર્યું મારી હારેની સોડિયોને તો બે બે તઈણ તઈણ સોકરોં થઈ જ્યોં ને આ મું હજુ હાવ નછોરવી જ રહી જઈ. આ બાલિયો ચ્યમ હમજતો નહીં હોય!”

Amazon Advertisement

ટી શર્ટ માત્ર 199₹ .. ખરીદવા અહીંયા ક્લિક કરો..

બાલુને સ્પષ્ટ કહી શકતી નહોતી એનો મનોમન અફસોસેય થતો. પડખાં ફેરવતાં ફેરવતાં આક્રોશ આવી જતો,
“આખું ગોમ વાતો કરે સે કે આ બેવમાંથી કોકમાં કોંઈ વોંધોવચકો જ અસે નહીં તો પોંચ પોંચ વરહ કોરા શે જાય! તે ચ્યમના હમજાવવા કે આ બાલિયો જ હમજતો નહીં. એં પેલા ઝમકુબા તો મારા વાંહા પાસર વોંઝિયણ હો કહે તે મેં હોંભર્યુંય ‘તું.”

બે આંખ સહેજ ભીની થઈ ન થઈ અને જમનીએ વિચારને હડસેલો મારીને ઓશિકું માથા પર દબાવી દીધું.

આમ જ ફરી બીજો દિવસ ઉગ્યો.
રોજની જેમ જ જમનીએ વહેલા જાગી બંનેનું ભાથું બનાવીને ભેગું લીધું અને બાલુની સાયકલ પર ખેતર જવા નીકળ્યાં.
સવારમાં ઠંડા પવનની લહેરખી બંનેને તાજગી બક્ષી જતી હતી.
સીમમાં હજી અવરજવર ઓછી હતી.
“તે ઝેણકી આજ હું ખવડાઈસ?”

“બર્યું રોજ હાના પકવાન મલે? જવારનો રોટલો અને ડુંગરીબટાકાનું સાક. છાશ્ય હોવે સે.”

“અલી એકનું એક ખઈને મું તો કંટાર્યો.”

જમનીએ ગરમ લોઢા પર બરાબરનો ઘા કર્યો,
“તે મું તો પોંચ વરહથી એકનું એક જ દાડિયુ ખેંસું સું તે ઈનું હું?”

“અલી ઘરના કોમને દાડિયું કેવાય?”

“તે બાલિયા બીજો કશો તન વચાર નહીં આવતો? મન તો હવાર હવારમોં આપણા ઓંગણે કાનુડો જ એં હડિયાપટ્ટી કરતો
દેખાયો બોલ.”

અને.. ફરી એક વાર બાલુએ જવાબ ટાળ્યો.
છેલ્લા એકાદ વર્ષથી બાલુ જમનીની પત્નીમાંથી મા બનવાની ઈચ્છા સમજતો હતો પણ થોડો સ્વાર્થી બની જતો કે જમની નાના બાળમાં પરોવાય તો પોતાને કામમાં મદદ માટે દાડિયો રાખવો પડે અને પૈસાય ચુકવવા પડે એટલે જમનીની મભમ વાત પર આંખ આડા કાન કરી લેતો.

“હું વચારે સડી ગ્યો લ્યા?”

બાલુનો જીવ સહેજ કચવાયોય ખરો.
“હેં.. ના એ તો.. લે હવ સીમ આઈ જઈ.”
જમની હંમેશની જેમ બાલુની અનિચ્છા સમજી ગઈ.

એ સાંજે ગજા બહારના કામના બોજને લીધે થાકીને તુતુ મેમે કરતાં જમની અને બાલુ સીમમાંથી ઘેર આવતાં હતાં.

“બાલિયા અવ એક દાડિયાની જરુર નહીં?”

“આ સાલ ખેંસી નોખીએ ઝેણકી.માતાજીની ક્રપા તે આ સાલ મોલ મન ભરીને લહેર્યેો સે.”

જમનીના મનમાં સજ્જડ બેસી ગયેલી કિલકારીઓએ વળી સપનું જોયું,
“હંમમમ. તે આવતી સાલ કશું નવું થવાનું સ?”

“ના બાપલા ના. એમ જ કઉં સું.
તારાથી જાત હચવાતી નહીં ને પાસા અભરખા મોટા ને મોટા.”

જમનીને સહેજ નિરાશા થઈ.
“એવુ નહીં હોં કે! એમ તો ખાસ્સી બળકટ સું.”

બાલુએ ઉપાલંભભરી નજર નાખી. જમનીને લાગી આવ્યું.
“ના તે હું હમજે સે હેં!
હેંડ સરત લગાડવી સે?”

“ના ના કોઈ સરત બરત નહીં લગાડવી મારે.”

“જો કોઈ કોમ તારાથી ના થતું હોય એ કે. ને હું ફરી વરું તો
મને લેરિયું લઈ આલજે હોં!”

“આઈ ગઈ માગણ. ધરવ જ નહીં ને!”

હજી વધુ ચકમક ઝરે એ પહેલાં રસ્તાની બે બાજુની ગીચ ઝાડીમાંથી ત્રણ બુકાનીધારી પ્રગટ થયા. બંને કંઈ સમજે એ પહેલાં એકે બાલુ તરફ છરો ઉગામીને કહ્યું,
“લે હેંડ, તારા મોલ પાંહે હેંડ. એ હંધોય મોલ મારા ગાડામાં ભરી આલ નહીંતર જીવતો નહીં મેલું.”

“અલ્યા પણ..”

“કોંઈ હોંભળવું નહીં. કીધું ન એક વાર!

લાચાર બાલુ આ વરસ સારી કમાણીનાં સપનાં પર પાણી ફરી વળતું જોઈ રહ્યો હતો ત્યાં તો..

“એ…ય મારા રોયા.. ઓમ આય.
મારા ધણીની કારી મજૂરી પર મેલી નજર નોખે એ મું ના કરવા દઉં. માતાજીના હમ જો તારો આ મેલો હાથ મોલને અડાડ્યો તો ચ્યાંયનો નહીં રેવા દઉં. હમજ્યો!”

અને પળવારમાં તો રણચંડી બનેલી નાજૂક નમણી જમનીએ કેડે ખોસેલો આમ તો મા એ પોતાની સલામતી માટે આપેલો એ ધારદાર જમૈયો કાઢ્યો અને બાલુને ઘેરીને ઉભેલા બુકાનીધારીના હાથ પર ખચ્ચાક કરતો કાપો પાડી દીધો.
હજી કોઈ કાંઈ સમજે એ પહેલાં તો જમની બીજા બે પર તૂટી પડી. એકને ગળે અને બીજાને પીઠ પર ખચાખચ વાર કરીને બાલુને આંતરીને ઉભી રહી ગઈ.

લાલ લાલ આંખો અને આક્રોશથી ધ્રૂજતું શરીર જોઈને બુકાનીધારી આ અણધાર્યા પ્રહારનો અને અણધારી પળનો સામનો કરી શક્યા નહીં અને ભાગી ગયા.

બાલુ જમનીનો વાંસો થાબડતો એને ટાઢી પાડી રહ્યો.
“ખમ્મા ખમ્મા માવડી.”

એ ઘટના બાદ રાતે બાલુએ બે નિર્ણય કર્યા. જમનીને સપનામાં દેખાતો કાનુડો આંગણે રમે અને ખેતરમાં હવે દાડિયો રાખી જ લેવો.
બીજે અઠવાડિયે બાલુ શહેરમાં મોલ લઈને ગયો. સારામાં સારા ભાવે બધો મોલ વેચાયો અને વળતાં સુંદર લહેરિયું લઈને આવ્યો.

બે મહિના બાદ ખુશખુશાલ જમનીએ વધામણી આપી,
“એ બાલિયા કહુ સુ, ઓંગણે કાનુડો રમવા આવવાનો હોં કે!

બાલુએ એને બાથમાં લઈને કહ્યું,
“અલી ઝેણકી તું તો મોટી થઈ જઈ હેં!”

-લીના વછરાજાની

Leave a Reply