લોકડાઉન – ન ભૂતો ન ભવિષ્યતિ

2020 દરમિયાન ખૂબ જ ચર્ચાયેલો શબ્દ એટલે કોરોના, લૉકડાઉન, કવોરાંતાઈન અને સૌથી નેગેટિવ શબ્દ પોઝિટિવ. પણ હવે આ એકેય શબ્દ નવા રહ્યા નથી. હવે ખરેખર એમ થાય છે કે કોરોના જાય તો સારું.

છ મહિનાથી વધારે સમય થઈ ગયો હશે રેસ્ટોરાંમાં જમવા ગયે કે કોઈ થીયેટરમાં પિક્ચર જોવા ગયે. 24 માર્ચ, 2020 નાં રોજ 21 દિવસ માટે દેશવ્યાપી લૉકડાઉન કરવામાં આવ્યું. ઓફિસિયલી, દરેક દિવસ રવિવાર થઈ ગયો. જે માણસ રોજિંદા કામકાજ માંથી માથું ઊંચકી નહતો શકતો એને એક મીની વેકેશન મળ્યું. તમામ મોજ શોખ પૂરા કરવાનો અવસર મળ્યો. આખી જિંદગીની નહિ મળેલી મોજ આપણે 3 મહિનામાં પૂરી કરી. જીવન માણવાની અને જીવવાની સાચી રીત લૉકડાઉને શીખવાડી. બહારનું જમવાનું બંધ થયું અને ઘરે ઘરે માસ્ટર શેફ બનવા લાગ્યા. દુનિયા બંધ થઈ તો આપણે જિંદગી માણવાની નવી રીતો શોધી કાઢી. ડાલગોના કોફી થી લઈને કેક સુધીની દરેક આઇટમ ઘરનાં રસોડામાં બનતી કરી. દરેક વસ્તુનો અવેજી વિકલ્પ શોધીને આપણે જીભને સ્વાદ અને મનને સંતોષ પૂરો પડ્યો. દરેક માણસની ક્રીએટિવિટી બહાર આવી.

લૉકડાઉને એ પણ પુરવાર કર્યું કે કોઈના વગર ક્યાંય કામ અટકતું નથી. દર સન્ડે ફરવા જતો પરિવાર ઘરમાં જ લટાર મારતો થઈ ગયો. કોરોનનાં વધતા કેસની વચ્ચે પણ આપણે પત્તા, લુડો અને વિડીયો કોલિંગ થી જોડાયેલા રહ્યા અને સાબિત કર્યું કે જીવવાનું બંધ નથી કર્યું માત્ર રીત બદલી છે. પરિવાર સાથે માણવા મળેલો અમૂલ્ય સમય જે હવે ક્યારેય પાછો નહીં મળે.

પરંતુ, આવું પણ કેટલા દિવસ ગમે, એવું લાગ્યું કે હવે આપણે કંટાળ્યા એટલે આપણા પ્રધાનમંત્રીએ નવા નવા ટાસ્ક આપવાના ચાલુ કર્યા! થાળી વગાડીને અને દિવા પ્રગટાવીને આપણે કોરોના વોરિયર્સ ને બિરદાવ્યા અને દેશ પ્રત્યેનો પ્રેમ દરેક ભારતીયના દિલમાં ફરી જાગૃત કર્યો. 138 કરોડ દેશવાસીઓની એકતા એ સતત પ્રતીતિ કરાવી કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, આ દેશ ક્યારેય હાર નહિ માને.

ધીરજ ખૂટવા આવીને માણસ અધીરો થયો ત્યારે સાક્ષાત ભગવાન રામે ટેલિવિઝન માં એન્ટ્રી લીધી. મહાભારત પણ શરૂ થઈ અને દરેકને પોતાનું બચપણ યાદ કરાવ્યું. એમ કહી શકાય કે લૉકડાઉનમાં જીવન અટક્યું નહોતું પણ ખીલી ઊઠ્યું. લૉકડાઉન દ્વારા આખા દેશને મળેલું આ એક એવું વેકેશન હતું જેમાં મામાં નાં ઘરે ગયા વગર બધાને જલસો પડી ગયો હતો.

ઘણાં લોકોને લૉકડાઉન નાં લીધે ભારે હાલાકીનો પણ સામનો કરવો પડ્યો. તેમ છતાં એમાં પણ દરેક વર્ગે જરૂર પડ્યે એકબીજાને હાથ આપ્યો. શક્ય એટલી મદદ એકબીજા સુધી પોહચાડી. મુકેશ અંબાણી, રતન ટાટા થી લઈને નાનામાં નાના માણસે યથાશકિત થી સહાય કરી અને દેશને અડીખમ રાખ્યો.

આ લૉકડાઉન અને 2020માંથી એટલો જ સાર લેવાનો કે પ્રત્યેક ક્ષણને જીવતા શીખવાની જરૂર છે. અનિશ્ચિતતા ઘણી છે. લૉકડાઉનનાં લીધે હવે મંદી આવી, બેકારી વધી, જી. ડી. પી. નેગેટિવ થયું, પણ એની સામે આપણે હથિયાર હેઠા નથી મૂક્યા. આત્મનિર્ભર ભારત નાં રસ્તે આપણે ધીમી પણ મક્કમ શરૂઆત કરી છે.

_જય જોષી

Leave a Reply