સંજોગ (ભાગ-3)

સંજોગ

ક્રિષ્ના રચનાને મળવાં બાપુનગર આવી હતી. બંને વચ્ચે વાતોનો દોર વધી રહ્યો હતો.

ભાગ-૩

રચનાનાં મનમાં ઘણું ચાલી રહ્યું હતું. પણ પોતાનાં મનની વાતો એ બધાંથી છુપાવવા માંગતી હતી. એક જ કોલ પર દોડી આવેલી ક્રિષ્ના કદાચ આ વાતથી વાકેફ હતી.

“તું મને સ્પેશિયલ કહી શકે. પણ જે હું તારાં માટે કરું છું. એનાં લીધે તું મને સ્પેશિયલ કહે એ મને પસંદ નથી.” ક્રિષ્ના પોતાનાં ગાલ ફુલાવીને બોલી.

“ઓકે, મારી માઁ…હવે એવું નહીં કરું. પણ તું ખરેખર મારાં માટે ખાસ છે. તને સારું લગાડવા કે તું મારાં માટે જે કરે છે, એનો આભાર માનવા હું તને ખાસ નથી કહેતી.” રચના ક્રિષ્ના ની પાસે બેસીને બોલી.

“તને મારી સાથે આવું કરતાં બિલકુલ શરમ નાં આવી?? છ મહિના અમદાવાદ માં હોવાં છતાં કોઈ વાતચીત, કોલ કે મેસેજ નહીં. પછી અચાનક બીજાં છ મહિના અમદાવાદ છોડીને જતી રહી. તે છેક આજ પાછી આવી.” ક્રિષ્ના ની વાતોમાં રચના પ્રત્યેની નારાજગી સાફ સાફ નજર આવતી હતી.

“જે થયું એને ભૂલવા માટે અહીંથી દૂર જવું જરૂરી હતું.” રચના એક ઉંડો નિસાસો નાંખતા બોલી.

“તો ભૂલાઈ ગયું??” ક્રિષ્ના સોફા પરથી ઉભી થઈને રચના સામે ઉભી રહીને બોલી.

“નહીં…” રચના પોતાનાં ઘરની બાલ્કની માં જઈને, ઉંચા આકાશમાં નજર કરીને બોલી.

“ઘટનાં સ્થળે થી દૂર જવાથી ઘટનાં નથી ભૂલી શકાતી. આવાં વ્હેમ પાળીને બેસવા કરતાં જે બની ગયું તેમાંથી કંઈક શીખતાં શીખો. મારાથી બે વર્ષ મોટી છો. પણ વર્તન તો નાનાં બાળક જેવું કરે છે.” ક્રિષ્ના બાલ્કની માં જઈને રચના નાં ખંભે હાથ મૂકીને બોલી.

રચના સીધી ક્રિષ્ના ને વળગી પડી. એક વર્ષ થી પોતાનુ જાતને નીડર અને તાકતવર બનાવતી રચનાની આંખોનો બંધ તૂટી ગયો. એમાંથી વહી રહેલાં ખારાં પાણીનો દરિયો ક્રિષ્ના નાં ટોપને ભીંજવવા લાગ્યો.

“મેં બહું કોશિશ કરી, કે હું તને મળતાં પહેલાં બધું જ ભૂલી જાવ. પણ‌ હું એવું નાં કરી શકી. ઘણી મહેનત કરી, યોગા કરવાં ગઈ, મંદિરમાં સમય વિતાવી મન શાંત કરવાની કોશિશ કરી, બધાંથી દૂર રહી એકલાં સમય પસાર કર્યો, જે મનમાં આવે એ ડાયરીમાં ઉતારી કેટલીયે ડાયરીઓ ભરી દીધી…પણ તોય છેવટે હું હારી ગઈ.

રોજ સવારે નવી કોશિશ કરતી, કે આજ તો ભૂલી જ જઈશ. પણ, સાંજ પડતાં જ ફરી હતી ત્યાં જ આવી જતી. નાં થયું… મારાથી કાંઈ નાં થયું.” રચના રડતાં રડતાં એક વર્ષમાં તેણે જે-જે કર્યું. એ બધું ક્રિષ્ના ને ગણાવતી હતી.

“બસ, હવે શાંત થઈ જા…તારે કાંઈ ભૂલવાની જરૂર નથી. ખુદને ન્યાય અપાવવા તારે બધું યાદ રાખવાનું છે.” ક્રિષ્ના રચના નાં ગાલ પર સરકી રહેલાં આંસુ લૂછીને બોલી.

રચના શાંત થઈને બધો સામાન ગોઠવવાં લાગી. ક્રિષ્ના તેની મદદ કરવાં લાગી. બધો સામાન ગોઠવી રચનાએ બે કપ કોફી બનાવી. પછી બંનેએ સાથે મળીને કોફી પીધી. ક્રિષ્ના કોફી પીને પોતાની ઘરે જવા નીકળી.

રચના રડતી બંધ થઈ ગઈ. પણ તેનું દિલ તો હજુયે રડી રહ્યું હતું. નાં સમજાય એવી ઉલજન એનાં દિલમાં હતી. તે તેને જે દિવસે ક્રિષ્ના મળી હતી. એ દિવસ યાદ કરવાં લાગી.

અમદાવાદનાં કાંકરિયા તળાવે બંનેની પહેલી મુલાકાત થઈ હતી. રચના બેધ્યાન પણે રોડ પર ચાલી જતી હતી.

“સોરી, આઈ એમ રિયલી વેરી સોરી….મને નહોતી ખબર, કે તમે સામેથી આવો છો.” ક્રિષ્ના બાઈક ને બ્રેક મારીને બોલી.

“નાં..નાં… એમાં તમારો કાંઈ વાંક નથી. મારું જ ધ્યાન રોડ પર નહોતું.” રચના એકદમ ધીમાં અવાજે બોલી.

“ઓકે…આઈ એમ ક્રિષ્ના… હું અમદાવાદમાં નવી આવી છું.” ક્રિષ્ના પોતાનાં સ્વભાવ મુજબ પોતાનો પરિચય આપતાં બોલી.

ભાગ-૧ અહિયા ક્લિક કરીને વાંચો

રચનાનું ધ્યાન ક્રિષ્ના ની વાતો પર નહોતું. એ બીજી દિશા તરફ મોં રાખીને ઉભી હતી. ક્રિષ્ના ને થોડું અજીબ લાગ્યું. પોતે મોજીલી છોકરી હતી. તેને ક્યારેય કોઈ સાથે અજાણ્યું નાં લાગતું. પહેલી મુલાકાતમાં જ બધાંને પોતાનાં કરી લેતી. પણ આ કેસમાં એવું નહોતું થઈ રહ્યું.

“તમે અમદાવાદનાં જ છો?? તમારું નામ શું છે??” રચના ચૂપચાપ ઉભી હતી. એ વાત ક્રિષ્ના ને નાં ગમી, એટલે પોતે જ તેને બધું પૂછવા લાગી.

“મારું નામ રચના છે. હું પાંચ વર્ષ થી અમદાવાદ રહું છું. અહીં સેટેલાઈટ વિસ્તારમાં મારું પોતાનું ઘર છે. હું એક ગૃહઉદ્યોગ ચલાવું છું.” રચનાએ પોતાનો પરિચય આપતાં કહ્યું.

“ઓહો…. પાંચ વર્ષ!! તો તો તમારી સાથે બહું ફાવશે. તમે મને અમદાવાદ ફેરવશો ને??” ક્રિષ્ના રચનાને વર્ષોથી ઓળખતી હોય, એવી રીતે વાતો કરવા લાગી.

રચનાને ક્રિષ્ના થોડી અજીબ લાગી. અલગ-અલગ કિરદાર ભેગાં થાય, ત્યારે બંનેને એકબીજાનાં પાત્રો અજીબ જ લાગે. આ બેને નાં કેસમાં પણ એવું જ હતું.

રચનાને આજે પણ ક્રિષ્ના ને મળ્યાનો દિવસ યાદ કરીને હસવું આવી ગયું. રચના હસતાં હસતાં પોતાનું કામ કરવાં લાગી. ક્રિષ્ના બાપુનગર પોતાનાં ફ્લેટ પર પહોંચી ગઈ હતી.

“આમ અચાનક કહ્યાં વગર ફરી ક્યાં જતી રહી હતી??” દરવાજે ઉભી ગોપીએ પૂછ્યું.

“તને કહેવાની જરૂર છે??” ક્રિષ્ના એ ગોપીને ચીડવવા માટે મોઢું બગાડીને પૂછ્યું.

“તો મારે શું?? જાવ જ્યાં જવું હોય ત્યાં…આમ પણ તું હવે મારી કોઈ વાત નથી માનતી.” ગોપી પણ મોઢું બગાડીને પોતાનાં રૂમમાં જતી રહી.

ક્રિષ્ના કિચનમાં જઈને રસોઈ બનાવવા લાગી. બધું બરાબર ચાલતું હતું. એવામાં ક્રિષ્ના સામે એક ચુનોતી આવીને ઉભી રહી ગઈ હતી. જે ધાર્યું પણ નહોતું. એવો બનાવ ક્રિષ્ના નાં જીવનમાં બન્યો હતો. આજે એ બનાવને એક વર્ષ અને અમદાવાદ આવ્યાં ને બે વર્ષ થયાં હતાં.

ક્રિષ્ના આ મુસીબતમાંથી નીકળવા રોજ મથામણ કરતી હતી. પણ કંઈક તો એવું હતું.‌ જે તેને આગળ વધ્યાં પછી પણ પાછળ ધકેલી રહ્યું હતું. એ હતી રચના!! રચના માટે જ ક્રિષ્ના રોજ એક નવી લડાઈ લડતી હતી. પણ રચનાના સાથ વગર ક્રિષ્ના માટે એ લડાઈ જીતવી થોડું અઘરું હતું

“ગોપી…હવે જમવા આવીશ કે હું એકલાં જ જમી લઉ?” રસોઈ બનાવીને ક્રિષ્નાએ ગોપીને બુમ પાડી.

ગોપી સીડી ઉતરતી ફટાફટ નીચે આવી. નારાજગી પોતાની જગ્યાએ….જમવાનું પોતાની જગ્યાએ…ગોપીનો આ વણલખ્યો નિયમ હતો.

ગોપી આવીને જમવા બેસી ગઈ. ક્રિષ્ના તેને પરોસવા લાગી. પછી ક્રિષ્ના પણ ગોપીની સામેની ખુરશી પર જમવા બેઠી.

ભાગ-૨ અહિયા ક્લિક કરીને વાંચો

“પપ્પાનો કોલ આવ્યો હતો. તેમને એક ફાઈલ રાજકોટ મોકલવાની હતી. તો એ જ કુરિયર કરવાં ગઈ હતી.” ક્રિષ્નાએ ગોપીને તેનાં સવાલનો જવાબ આપ્યો. પણ, એ જવાબ ખોટો હતો. ક્રિષ્ના રચનાને મળવાં ગઈ હતી. એ વાત ક્રિષ્નાએ ગોપી થી છુપાવીને રાખી.

“તો આ પહેલાં પણ કહી શકાતું હતું. તને તો મને પરેશાન કરવાની આદત પડી ગઈ છે.” ગોપી દાળની વાટકીમાં ચમચી હલાવતાં હલાવતાં બોલી.

ક્રિષ્ના એ માત્ર મીઠું મલકીને જમવાનું ચાલું રાખ્યું. ઘણી વાતોથી ગોપી અજાણ હતી. પણ શાં માટે….? એ વાત તો માત્ર ક્રિષ્ના જ જાણતી હતી. બધાં સાથે મળતાવડા સ્વભાવને કારણે ક્રિષ્ના એક મુસીબત ને આમંત્રણ આપી ચુકી હતી. જેમાંથી રચનાનો સાથ જ ક્રિષ્ના ને એ મુસીબતમાંથી બહાર લાવી શકે એમ હતો.



(ક્રમશઃ)

Leave a Reply