સંજોગ (ભાગ-5)

સંજોગ

એક તરફ રચના અને ક્રિષ્નાએ મળીને એક જોરદાર ન્યૂઝ તૈયાર કર્યા હતાં. જે અમદાવાદમાં ભૂકંપ લાવવાનાં હતાં. બીજી તરફ અમદાવાદની સૌથી મોટી કંપનીનાં માલિક હંસરાજ મહેતા તેની દિકરીનાં લગ્નની તૈયારીઓ કરી રહ્યાં હતાં.

ભાગ-૫

વહેલી સવારે શિવીકા ઉઠીને તૈયાર થતી હતી. લગ્નની ચટાકેદાર લાલ ચોલી, હાથમાં લાલ રંગનો ચૂડલો, ગળામાં નવલખો હાર પહેરીને શિવીકા તેનાં મનનાં માનેલા રાજકુમાર સાથે લગ્ન કરવાં સજ્જ થતી હતી.

ધીરજ ક્રિષ્નાએ આપેલાં ન્યૂઝને પેપરમા છાપી રહ્યો હતો.‌ જોતજોતામાં પેપરનો ઢગલો થઈ ગયો. બધાં પેપર આખાં અમદાવાદમાં ફરી વળ્યા. પવનવેગે એમાંનું એક પેપર હંસરાજ મહેતાની ઘરે પણ આવી પહોંચ્યું. બધાં લગ્નમાં વ્યસ્ત હતાં. કોઈનું ધ્યાન પેપર પર નહોતું. કોઈ પાસે એ પેપર વાંચવા જેટલો સમય પણ નહોતો.

આલિશાન બંગલામાં કાચની ટિપોય પર પડેલું એ પેપર, લગ્નમાં થતી ચહલપહલ માણી રહ્યું હતું. મનમાં એક આશ તો હતી, કે કોઈ તેને વાંચે…એ આશા પણ પૂરી થઈ. શિવીકાનો ભાઈ ટીપોય પાસે આવ્યો. રોજ સવારે પેપર વાંચવાની આદતથી ટેવાયેલો શિવમ પોતાની જાતને પેપર વાંચતા રોકી નાં શક્યો.

શિવમે જેવું પેપર હાથમાં લીધું, ને ફ્રન્ટ પેજ પર છાપેલાં ન્યૂઝ પર તેની નજર પડી. એ સાથે જ પહેલો ધમાકો મહેતા ભવનમાં થયો.

“પપ્પા… પપ્પા….જલ્દી નીચે આવો. આ જુઓ તમારી લાડલી દીકરીનાં મન માનીતાં રાજકુમારના પરાક્રમો!!” શિવમ આખું મહેતા ભવન ગુંજી ઉઠ્યું. એટલાં ઉંચા અવાજે બોલ્યો.

શિવમના અવાજથી વાતાવરણ એકદમ તંગ બની ગયું. બધાં કામ કરતાં અટકી ગયાં. મહેમાનો દરવાજે જ રોકાઈ ગયાં. કોઈની કાંઈ બોલવાની કે કરવાની હિંમત નાં રહી.

“આ શું માંડ્યું છે આજે!? એવું તો શું થઈ ગયું, કે લગ્નનાં દિવસે શરણાઈની જગ્યાએ તારે રાડો પાડવી પડે છે??” હંસરાજ મહેતા સીડી ઉતરીને નીચે આવ્યાં.

શિવમે તેનાં પપ્પાના હાથમાં ન્યૂઝ પેપર પકડાવી દીધું. એમાં છાપેલાં ન્યૂઝ અને ફોટો જોઈને, હંસરાજ મહેતાની આંખો લાલ થઈ ગઈ. થોડીવાર થતાં જ શિવીકા પણ ત્યાં આવી પહોંચી. કોઈ કાંઈ બોલશે, તો જ્વાળામુખી જેવો હંસરાજ મહેતાનો ગુસ્સો બધાંને પોતાનાં લાવામાં બાળીને ભસ્મીભૂત કરી દેશે. એ વાતથી બધાં જાણકાર હતાં.

હંસરાજ મહેતાએ તરત જ પોતાનાં બ્લેક સુટના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને, કોઈકને કોલ કર્યો. તે કોલ પર વાત કરતાં જ હતાં. ત્યાં જ ન્યૂઝ રિપોર્ટરો તેમનાં બંગલે આવી પહોંચ્યા. આ સમયે બધાંને હેંડલ કરવાં અઘરું કામ હતું.

હંસરાજ મહેતાએ જે વ્યક્તિને કોલ કર્યો હતો, તેની સાથે વાત કરીને, પોલીસ કમિશનરને કોલ કર્યો. શિવમ બંગલાનો દરવાજો બહારથી બંધ કરીને બહાર નીકળી ગયો.

“સર, તમારું અમદાવાદમાં બહું મોટું નામ છે. તો તમે તમારી લાડલી બહેનનાં લગ્ન કોઈ એવાં છોકરાં સાથે કેવી રીતે કરાવી શકો, કે જે છોકરો કેટલી છોકરીઓને પોતાની જાળમાં ફસાવી ચૂક્યો છે, એનું નક્કી જ નાં હોય!!”

“શિવમ સર, શું તમને ખબર છે, કે આવાં ન્યૂઝ આ રીતે કોણ છપાવી શકે?? શું તમે આ ફોટોમાં રહેલ છોકરીને ઓળખો છો??”

“સર, તમે હકીકત જાણ્યા પછી પણ તમારી બહેનનાં લગ્ન આ છોકરાં સાથે કરાવશો?? શું તમારાં માટે તમારી બહેન કરતાં બિઝનેસ જ મહત્વનો છે??”

“મિ.શિવમ મહેતા, આ ખબર જોતાં તો એવું જ લાગે છે, કે તમે માત્ર તમારાં ભવિષ્યનાં જીજાજી પાસેથી તેમનો બિઝનેસ હડપવા માટે જ આ લગ્ન નક્કી કર્યા હતાં. શું સાચે જ આ હકીકત છે, કે તેમણે લગ્ન પહેલાં પોતાની કંપનીનો અડધો હિસ્સો તમારાં નામે કરી દીધો હતો??”

સવાલો અનેક હતાં. પણ, શિવમ પાસે એનો એક પણ જવાબ નહોતો. રિપોર્ટરોએ બંગલે આવીને તબાહી મચાવી દીધી હતી. જે જગ્યાએ થોડીવાર પહેલાં ખુશીઓની રોનક હતી.‌ એ જગ્યા હવે જંગનું મેદાન બની ગઈ હતી.

મહેતા ભવનમાં રિપોર્ટરોના સવાલો વચ્ચે દશેક જેટલી કારનો કાફલો મહેતા ભવનમાં પ્રવેશ્યો. આગળની કારમાંથી સાત ફૂટની ઊંચાઈ અને મસલ્સવાળા બે બોડીગાર્ડ ઉતર્યા. એ બંનેએ જઈનએ પાછળ રહેલી કારના બંને તરફનાં દરવાજા ખોલ્યા. એમાંથી એક લગ્નની શેરવાનીમાં સજ્જ પચ્ચીસેક વર્ષનો ગોરો વાન ધરાવતો હેન્ડસમ છોકરો અને એક બ્લેક સુટમા સજ્જ પચાસેક વર્ષનાં જેન્ટલમેન ઉતર્યા.

શિવમ તે બંનેને જોઈને તેમની પાસે ગયો. તેનાં ચહેરા પર ડર, ગુસ્સો અને લાચારી મિશ્રિત ભાવો હતાં.

“તમે ચિંતા નાં કરો. બધું જ ઠીક થઈ જશે.” ગાડીમાં આવેલાં જેન્ટલમેને શિવમના ખંભે હાથ મૂકીને કહ્યું‌.

“જો બધું ઠીક જ કરવું હોત, તો તમે આ વાત આટલે સુધી પહોંચવા જ નાં દીધી હોત. આજે મહેતા ભવનમાં જે તમાશો થઈ રહ્યો છે, એમાં જે આરોપ તમારાં દીકરા પર લાગ્યાં છે. એ તો કદાચ સાચાં જ હશે.

પરંતુ, તમે તમારી કંપનીનો અડધો હિસ્સો અમારાં નામે કર્યો છે. એ વાત તદ્દન ખોટી છે. તમે આજે જે મુકામ પર પહોંચ્યા છો. એ બધું તમને હંસરાજ મહેતા થકી જ મળ્યું છે. એ વાત સપનામાં પણ ભૂલતાં નહીં.” શિવમ ગુસ્સે થઈને બોલવાં લાગ્યો.

“શાંત શિવમ શાંત…આ તમાશો જલ્દી જ બંધ થઈ જશે. આ જે છોકરીએ કર્યું છે, તેને અમદાવાદની પોલીસ શોધી રહી છે. તેનાં મળતાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાશે.” જેન્ટલમેને શિવમને શાંત પાડતાં કહ્યું.

શિવમ અને એ જેન્ટલમેન વચ્ચે થતી વાતો સાંભળી, તેની સાથે આવેલ શેરવાનીમાં ઉભેલા હેન્ડસમ છોકરાનાં ચહેરાનાં હાવભાવ બદલાઈ ગયાં. તેનાં ચહેરા પર કંઈક ખોટું કર્યાનો ડર સાફ નજર આવતો હતો. જે ડર પોતાનાં રૂમની બારીએ ઉભેલી શિવીકાથી છૂપો નાં રહી શક્યો. શિવીકાએ તરત જ એ છોકરાંને કોલ કર્યો. પોતાનાં મોબાઇલની સ્ક્રીન પર શિવીકા નામ જોતાં જ એ છોકરાએ કોલ કટ કરી નાંખ્યો. કોલ કટ થતાં જ શિવીકાએ તેને મેસેજ કર્યો.

“તું અત્યારે જ મહેતા ભવનની પાછળ આવ.” શિવીકાનો મેસેજ વાંચીને એ છોકરાનો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ગયો. તે પોતાનાં હાથમાં રહેલો મોબાઈલ પણ સંભાળી નાં શક્યો. તેનાં ધ્રુજતાં હાથમાંથી મોબાઈલ સરકીને નીચે પડી ગયો.

શિવમ અને શેરવાનીમાં સજ્જ છોકરાં સાથે આવેલ જેન્ટલમેન રિપોર્ટરોને સાથે વાતચીત કરી રહ્યાં હતાં. એ દરમિયાન એ છોકરો પોતાનો મોબાઈલ લઈને, મહેતા ભવનની પાછળ ગયો. જ્યાં શિવીકા તેની રાહ જોઈ રહી હતી.

“બહાર આ બધું શું થઈ રહ્યું છે?? રિપોર્ટરો જે કાંઈ બોલી રહ્યાં છે, એ બધું સાચું છે??” શિવીકા એ છોકરાંની ગુસ્સાથી લાલચોળ થઈને બોલી.

એ છોકરાં પાસે શિવીકાની વાતનો કોઈ જવાબ નહોતો. બધાં જે કાંઈ કહી રહ્યાં હતાં. એ બધી વાતોમાં થોડી હકીકત તો હતી. જે વાતની નોંધ શિવીકાએ લીધી હતી. પેલાં છોકરાંને કોઈનો કોલ આવ્યો. સ્ક્રીન પર ‘ડેડી’ લખેલ વાંચતા એ સીધો મહેતા ભવનની આગળ, જ્યાં રિપોર્ટરો, શિવમ અને પેલાં જેન્ટલમેન હતાં, એ તરફ ગયો.

સમય જતાં વાતાવરણ વધું ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. હજું સુધી પોલીસ કમિશનર પણ મહેતા ભવનમાં આવ્યાં નહોતાં. બધાનાં ચહેરા મુરઝાઈ ગયાં હતાં. ગમે ત્યારે બધું ખતમ થવાનું હતું. વર્ષોની કમાયેલી ઈજ્જત કહો, કે બળજબરી પૂર્વક જમાવેલી ધાક!! બધું જ ગણતરીની સેકન્ડમાં માટીમાં મળીને રાખ થવાની તૈયારીમાં હતું.

રિપોર્ટરોએ પેપરમાં છાપેલી ખબરને એક નવું જ રૂપ આપી દીધું હતું. જે રૂપ બધાંને બરબાદ કરવા પૂરતું હતું.

(ક્રમશઃ)

Leave a Reply