સંજોગ (ભાગ-7)

સંજોગ

ક્રિષ્નાએ તેની રમત રમી લીધી હતી. ક્રિષ્ના મહેતા ભવનમાં આવી પહોંચી હતી.

ભાગ-૭

દેવેન્દ્ર પ્રસાદ ખૂબ જ ગુસ્સે હતાં. તેમને આ પરિસ્થિતિમાંથી જલ્દી બહાર નીકળવું હતું. દેવેન્દ્ર પ્રસાદે રોશનને હંમેશા બધી વાતની છૂટ આપી હતી. પણ,ક્યારેક રોશન જ તેમનાં રસ્તાનો કાંટો બનશે. એવું તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું.

“તો દેવેન્દ્ર પ્રસાદ મને બધી હકીકત જણાવી, રોશનને મારી સાથે મોકલવા તૈયાર છે??” ક્રિષ્નાએ હંસરાજ મહેતાની સામે જોઈને પૂછયું.

“કેવી હકીકત?? ને રોશનને હું તારી સાથે શાં માટે મોકલું??” દેવેન્દ્ર પ્રસાદે ગુસ્સે થઈને, ક્રિષ્નાને પૂછ્યું.

“અરેરે, કેવી હકીકત, ને કોની હકીકત!? એ તમે મને તો નાં જ પૂછો. તમારી ચાની લારી પરથી બિઝનેસમેન સુધીની સફર તો બધાં જાણવાં માંગે છે. હવે એ તમારે મને એકને જણાવીને, ખુદનો ફાયદો કરવો, કે રિપોર્ટરો સામે જણાવીને દુનિયા સામે પોતાની જ ફજેતી કરાવીને, નુકશાન વેઠવું. એ તો તમારાં હાથની વાત છે.

રોશન વિશે કહું, તો રોશન તો અત્યારે મારી સાથે જ આવશે. તમે તમારો નિર્ણય કહી દો, એટલે બિઝનેસમેન બનવાની સફર વિશે કેવી રીતે જાણવું, એ હું નક્કી કરી લઈશ.” ક્રિષ્નાએ એક આત્મવિશ્વાસ સાથે કહ્યું.

ક્રિષ્ના જાણતી હતી, કે દેવેન્દ્ર પ્રસાદ વર્ષોથી કમાવેલી ઈજ્જત પર એટલી જલ્દી પાણી નહીં ફરવા દે.‌ એટલે જ તેણે દેવેન્દ્ર પ્રસાદ સામે બે એવાં ઓપ્શન મૂક્યાં હતાં, કે જેમાં દેવેન્દ્ર પ્રસાદ પાસે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવા સિવાય કોઈ રસ્તો નહોતો.

હવે આ વાતોને સંજોગ ગણો, કે ક્રિષ્નાની રમત!! અચાનક જ એક દિવસમાં તૈયાર કરેલાં ખેલના તમામ મોહરા અત્યારે ક્રિષ્નાના હાથમાં જ હતાં.

“તારે રોશનને ક્યાં લઈ જવો છે?? પહેલાં એ જણાવ.” દેવેન્દ્ર પ્રસાદે લાલ આંખો કરીને ક્રિષ્નાને પૂછ્યું.

“એ તમારાં મતલબની વાત નથી. તમે માત્ર એટલું કહો, કે તમારું રાઝ તમે મને જણાવશો, કે રિપોર્ટરોને જણાવશો??” ક્રિષ્નાએ અદબ વાળીને દેવેન્દ્ર પ્રસાદની આંખમાં આંખ પરોવીને પૂછ્યું.

“તને જણાવીશ. પણ,સમય અને સ્થળ હું નક્કી કરીશ.” દેવેન્દ્ર પ્રસાદે થોડાં ઢીલાં પડીને કહ્યું.

દેવેન્દ્ર પ્રસાદનો જવાબ મળતાં જ ક્રિષ્ના રોશનને પોતાની કારમાં બેસાડીને જતી રહી. જતાં જતાં તેણે રિપોર્ટરો સામે નજર કરીને, આંખો વડે જ ઈશારો કર્યો. રિપોર્ટરો તરત જ મહેતા ભવનમાંથી જતાં રહ્યાં.

દેવેન્દ્ર પ્રસાદ ક્રિષ્ના જતી રહી પછી હસવા લાગ્યાં. તેમનાં મગજમાં કોઈ બીજી જ રમત ચાલી રહી હતી. તેમણે ક્રિષ્નાને હકીકત જણાવવાનું હાં તો પાડી હતી. પણ, તેમનાં ઈરાદા સારાં નહોતાં જણાતાં.

દેવેન્દ્ર પ્રસાદે એક નજર શિવમ તરફ કરી. શિવમ ખૂબ જ ગુસ્સામાં હોય, એવું જણાતું હતું. દેવેન્દ્ર પ્રસાદ તરત જ પોતાની કાર લઈને નીકળી ગયાં.

ક્રિષ્નાએ કારને રચનાનાં ઘર પાસે રોકી. ક્રિષ્ના દરવાજો ખોલીને બહાર નીકળી. રોશન હજી પણ અંદર જ બેઠો હતો.

“અંદર ચાલ…હવે જે કરવાનું છે એ કરીએ.” ક્રિષ્નાએ રોશન તરફનો દરવાજો ખોલીને કહ્યું.

રોશન કારમાંથી ઉતરીને, ક્રિષ્નાની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ક્રિષ્નાએ રચનાનાં ઘરનાં દરવાજે પહોંચીને બેલ વગાડી. બેલ વગાડતાં જ દરવાજો ખુલ્યો. સામે રચના ઉભી હતી. ક્રિષ્ના દરવાજો ખુલતાં જ ઘરની અંદર પ્રવેશી ગઈ. રોશન ઘરનાં દરવાજે જ ઉભો રહ્યો.

રોશનના ચહેરાનાં હાવભાવ બદલાઈ રહ્યાં હતાં. રચનાને એક વર્ષ પછી પોતાની નજર સમક્ષ જોઈને, રોશનને દુઃખ થયું હોય, એવું લાગ્યું.

“હવે આવી જ ગયો છે, તો અંદર પણ આવી જા.” રચનાએ થોડું કટાક્ષ કરતાં કહ્યું.

રોશન અંદર જઈને સોફા પાસે ઉભો રહી ગયો. રચનાએ ઘરનો દરવાજો બંધ કર્યો. ક્રિષ્નાએ રોશન સામે જોઈને, તેને બેસવા ઈશારો કર્યો. રોશન સોફા પાસેની ખુરશી પર બેસી ગયો.

“આ બધો પ્લાન તારો હતો??” રોશને રચનાં સામે જોઈને પૂછયું.

“પેપરમાં તારો અને ક્રિષ્નાનો ફોટો અપાવવાનો, ને એ ન્યૂઝનો પ્લાન મારો હતો. બાકી બધું ક્રિષ્નાએ તેની રીતે કર્યું છે. એ બાબતો પાછળ મારો કોઈ હાથ નહોતો.” રચનાએ એકદમ શાંત અવાજે કહ્યું.

“તારાં લીધે મારાં લગ્ન તૂટી ગયાં. જેનું નુકશાન હવે મારાં પપ્પાને વેઠવું પડશે.” રોશને ઉદાસ થઈને કહ્યું.

“નુકશાન!? નુકશાનની વાત તારાં મોંઢે સારી નથી લાગતી. તારાં પપ્પાને લીધે મારાં પપ્પાને કેટલું નુકશાન વેઠવું પડયું, એનો તને કોઈ અંદાજો છે ખરો!?” રચનાએ ગુસ્સો કરતાં કહ્યું.

“શું બકવાસ કરે છે તું!? તારાં પપ્પાને કોઈ નુકશાન નાં થાય, તને કોઈ નુકશાન નાં થાય, એટલે જ તો એક વર્ષ પહેલાં મેં તને-” રોશન અચાનક જ બોલતાં બોલતાં અટકી ગયો.

“વાત પૂરી કર. કહી દે એમ, કે તે મને એક વર્ષ પહેલાં એકલી છોડી દીધી. હવે એ વાતને સંજોગ કહું, કે મારી ફૂટેલી કિસ્મત, તને પ્રેમ કરીને મેં જાતે જ મારાં પગ પર કુહાડી મારી હતી. એ કુહાડીના વારથી માત્ર હું જ નહીં, પણ મારો પરિવાર પણ ઘવાયો હતો.

આજે એ વાતને એક વર્ષ વિતી ગયું. પણ,એ ઘાવ હજીયે તાજાં જ છે. બિઝનેસમાં થયેલું નુકશાન તો ધીરે-ધીરે ભરાઈ રહ્યું છે. પણ,મારાં દિલને લાગેલાં ઘા નથી ભરાતાં. એ તો રોજેરોજ ઉંડા થતાં જાય છે.” રચના રડતાં રડતાં બોલી રહી હતી. રોશનની આંખ પણ ભીની થઈ ગઈ હતી.

ક્રિષ્ના બેઠી બેઠી બધું સાંભળતી હતી. રોશન અચાનક જ દરવાજા તરફ ગયો. ક્રિષ્ના તરત જ ઉભી થઈ ગઈ.

“રોશન, તું ક્યાંય નહીં જાય. હું બધી હકીકતથી વાકેફ છું. માણસ એક વર્ષમાં તેની આદતો નાં બદલી શકે, એટલીવાર મેં તારાં જીવનમાં છોકરીઓ બદલતાં જોઈ છે. છતાંય આજે કંઈક તો એવું છે, જે તને અંદરથી કોરી ખાય છે.

તને તારાં કરેલ કામનો ક્યારેય ડર કે પસ્તાવો નથી થયો. જ્યારે આજે મેં તારી આંખોમાં ડર અને પસ્તાવો બંને જોયાં છે. તને અહીં લાવવાનું કારણ પણ એ જ છે. એક વર્ષ પહેલાં જે થયું, એની હકીકત મારે જાણવી છે.” ક્રિષ્ના એકીશ્વાસે બધું બોલી ગઈ.

ક્રિષ્નાની વાતો સાંભળી રોશનના પગ રોકાઈ ગયાં. તે ફરીને ક્રિષ્ના તરફ આવ્યો, ને ખુરશી પર બેસી ગયો. ક્રિષ્નાએ એક નજર રચના તરફ કરી.

“એક મોકો આપું છું. તું મને હકીકત જણાવી દે. હું તને માફ કરી દઈશ.” રચનાએ પોતાનાં આંસુ લૂછીને કહ્યું.

રોશન વાત ક્યાંથી શરૂ કરવી, એની અવઢવમાં હતો. તેણે ટેબલ પરથી પાણીનો ગ્લાસ લીધો, ને એક જ ઘૂંટમાં ખાલી કરી ગયો.

મહેતા ભવનમાં ચારેકોર દુઃખનો માહોલ છવાયો હતો. શિવીકા રડતી હતી, ને હંસરાજ મહેતા દીકરીને રડતી જોવાં સિવાય બીજું કાંઈ કરી શકે એમ નહોતાં.

શિવમ ગુસ્સામાં તમતમી રહ્યો હતો. તેણે પોતાનાં રૂમની બધી વસ્તુઓ તોડી નાખી હતી. આખાં રૂમમાં ક્યાંક કાચનાં ટુકડાઓ, તો ક્યાંક લાકડાની તૂટેલી ખુરશીના ટુકડાઓ વેરવિખેર પડ્યાં હતાં.

“બેટા,શાંત થઈ જા. આ સમય ગુસ્સો કરવાનો નથી.” હંસરાજ મહેતાએ શિવમના ખંભે હાથ મૂકીને કહ્યું.

“સાચું કહ્યું પપ્પા…આ સમય ગુસ્સો કરવાનો નથી. આ સમય તો એક્શન લેવાનો છે.” શિવમે પાગલની જેમ હસીને કહ્યું.

“તારો કહેવાનો મતલબ શું છે?? કેવાં એક્શનની વાત કરે છે તું!?” હંસરાજ મહેતાએ ચિંતિત સ્વરે પૂછ્યું.

“એ તમને બહું જલ્દી જ ખબર પડી જાશે.” શિવમે પોતાનો મોબાઈલ ખિસ્સામાં નાંખીને કહ્યું.

શિવમ રૂમનાં દરવાજા પર એક મુક્કો મારીને, પવનવેગે સીડીઓ ઉતરતો મહેતા ભવનની બહાર નીકળી ગયો. હંસરાજ મહેતા માત્ર તેને જતો જોઈ રહ્યાં.

(ક્રમશઃ)

Leave a Reply