સંજોગ (ભાગ-9)

0 81

 

સંજોગ

શિવમ ક્રિષ્નાની મદદ કરવાં માંગતો હતો. તે ગોપીને પ્રેમ કરતો હતો. એ વાત ક્રિષ્ના જાણી ગઈ હતી.

ભાગ-૯

ક્રિષ્ના શિવમની નજીક ગઈ. શિવીકાના લગ્ન તૂટયાં પછી શિવમની અંદર જે બદલાની આગ હતી. એ ક્રિષ્ના જોઈ શકતી હતી.

“તું મને દેવેન્દ્ર પ્રસાદ વિશે બધી માહિતી આપી દે. પણ, બદલામાં મારે તારી કંપની નથી જોતી. મારે બસ રચનાને ન્યાય અપાવવો છે.” ક્રિષ્નાએ શિવમને કહ્યું.

“દેવેન્દ્ર પ્રસાદ તો જાતે તને બધી હકીકત જણાવવાના હતાં ને!?” શિવમે ક્રિષ્ના સામે આગ ઝરતી નજર કરીને કહ્યું.

“તું માત્ર જાણકારી આપ. વધું સ્માર્ટ બનવાની જરૂર નથી.” શિવમનો ગુસ્સો જોઈને, રોશને તેની પાસે આવીને કહ્યું.

રોશન ક્રિષ્નાનો સાથ આપતો હતો. એ જોઈને રચનાને નાં ગમ્યું. છતાંય રચના ચુપચાપ બધું જોતી હતી. ક્રિષ્નાએ રચનાની મદદ કરી હતી. એટલે રચનાથી ક્રિષ્નાને કાંઈ કહી શકાય એમ‌ નહોતું.

“દેવેન્દ્ર પ્રસાદ તેની મહેનતથી બિઝનેસ ટાયકૂન નથી બન્યો. તેણે રચનાનાં પપ્પાની, ક્રિષ્નાના પપ્પાની અને એવાં કેટલાંય મોટાં મોટાં બિઝનેસમેનની કંપની દગાથી પોતાનાં નામે કરી લીધી. પછી મારાં પપ્પા પાસેથી તેમણે બિઝનેસ ચલાવવાની રીત શીખી.

મારાં પપ્પાએ તેમને બધું શીખવ્યું. પછી દેવેન્દ્ર પ્રસાદે એમાં ખોટો રસ્તાને જોડ્યો. જેનાં લીધે એ મારાં પપ્પાથી પણ આગળ નીકળી ગયો. તે હંમેશા દગાથી જ બધાં કોન્ટ્રાક્ટ સાઇન કરે છે. પણ,તેને તેનાં જ ખેલમાં માત આપતાં મને આવડે છે.” શિવમે બધી હકીકત જણાવી દીધી.

દેવેન્દ્ર પ્રસાદે ક્રિષ્નાના પપ્પાની કંપની પણ છીનવી લીધી હતી. એ વાત સાંભળી રોશન અને રચના બંનેને ઝટકો લાગ્યો.

“ક્રિષ્ના, તારાં પપ્પાની કંપની દેવેન્દ્ર પ્રસાદે છીનવી લીધી. એ વાત તને ખબર હતી??” રચનાએ ક્રિષ્નાને પૂછ્યું.

“અત્યાર સુધી ખબર નહોતી. પણ,જ્યારે પપ્પાએ મને મહેતા ભવનમાં જોઈ, ને મારો ફોટો રોશન સાથે ન્યૂઝ પેપરમાં જોયો. ત્યારે પપ્પાએ મને કોલ કર્યો હતો. હું તેમને કોલમાં કાંઈ જણાવી નાં શકી. તો તેમણે મને એક મેસેજ કર્યો હતો.

એ મેસેજમા જ બધું લખેલ હતું, કે કેવી રીતે દેવેન્દ્ર પ્રસાદે અમારી કંપની પોતાનાં નામે કરી લીધી. એ હકીકત જાણ્યા પછી જ મેં દેવેન્દ્ર પ્રસાદ સામે બે ઓપ્શન મૂક્યાં હતાં. એમાંથી તેણે મિડીયાવાળાને હકીકત નાં જણાવી. મને હકીકત જણાવવાનો ઓપ્શન પસંદ કર્યો હતો.” ક્રિષ્નાએ મહેતા ભવનમાં જે બન્યું. એ રચનાને જણાવી દીધું.

“તો હવે દેવેન્દ્ર પ્રસાદને ફરી ચાની લારી સુધી પહોંચાડવા શું કરવાનું છે??” ક્રિષ્નાએ શિવમને પૂછ્યું.

શિવમ ક્રિષ્નાની વાત સાંભળી રોશન સામે જોવાં લાગ્યો. રોશન એકદમ ચૂપ હતો. તે થોડો દુઃખી પણ જણાતો હતો. રચના રોશન પાસે જઈને બેઠી. તેણે રોશનના હાથ પર પોતાનો હાથ મૂક્યો. ત્યારે રોશનને થોડી હિંમત મળી.

દેવેન્દ્ર પ્રસાદ પોતાની ઓફિસમાં બેસીને ક્રિષ્નાને સબક શીખવાડવા માટે યોજના ઘડતો હતો. કેટલાંય લોકોની કંપની છીનવી લીધાં પછી દેવેન્દ્ર પ્રસાદને અમદાવાદમાં મોટું નામ મળ્યું હતું. એ નામ દેવેન્દ્ર પ્રસાદ પાસેથી એમનેમ જ કોઈ છીનવી લે. એ વાત દેવેન્દ્ર પ્રસાદથી સહન કરવી મુશ્કેલ હતી.

દેવેન્દ્ર પ્રસાદે પોતાની ઓફિસના ટેબલની નીચેનાં ખાનામાંથી એક ફાઈલ કાઢી. તેમણે એ ફાઈલનું બરાબર નિરીક્ષણ કર્યું. પછી મોબાઈલમાં મનિષ ભારદ્વાજ નામ પર કોલ કર્યો.

“એક છોકરી કાલ મારી ઓફિસમાં આવશે. તેને અહીંથી સીધી એક એવી જગ્યાએ લઈ જવાની છે. જ્યાં તેનાં સુધી કોઈ પણ વ્યક્તિનું પહોંચવું શક્ય નાં હોય.” કોલ રિસીવ થતાં જ દેવેન્દ્ર પ્રસાદે મનિષ ભારદ્વાજને કહ્યું.

“કામ થઈ જાશે.” સામે છેડેથી મનિષ ભારદ્વાજે કહ્યું.

દેવેન્દ્ર પ્રસાદ કોલ કટ કરીને મલકાતો મલકાતો આરામથી ખુરશી પર બેઠો. તેનાં ચહેરા પર હવે એક પણ ડરની રેખા નજર નહોતી આવી રહી.

શિવમ રચનાની ઘરેથી મહેતા ભવનમાં આવી ગયો હતો. મહેતા ભવન એકદમ શાંત હતું. જ્યાં રોજ શિવીકાની વાતો અને ખુશીઓની કિલકારીઓ ગુંજતી, તે મહેતા ભવન અત્યારે સાવ નિર્જન લાગતું હતું.

“તું શું કરી આવ્યો??” હંસરાજ મહેતાએ શિવમને પૂછ્યું.

“હવે દેવેન્દ્ર પ્રસાદની બરબાદીના દિવસો નજીક છે.” શિવમે પોતાનાં મોબાઈલમાં એક નંબર ડાયલ કરીને કહ્યું.

હંસરાજ મહેતા શિવીકાના લગ્ન રોશન સાથે નાં થયાં. એ વાતથી પરેશાન હતાં. પણ,એ માટે તે પોતાને જવાબદાર માનતાં હતાં. તેમને રોશન અને દેવેન્દ્ર પ્રસાદ વિશે બધી જાણકારી હોવાં છતાં શિવીકાના લગ્ન રોશન સાથે કરવાનો નિર્ણય કર્યો હતો. આજે એ જ નિર્ણયનાં લીધે શિવીકા દુઃખી હતી.

હંસરાજ મહેતા ચુપચાપ પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. શિવમ કોઈ સાથે કોલ પર વાત કરીને ખુબ ખુશ જણાતો હતો. હવે શિવમને દેવેન્દ્ર પ્રસાદની બરબાદી સિવાય કોઈ દ્રશ્ય નજર નહોતું આવતું.

“હું અમેરિકા જાવ છું.” શિવીકાએ શિવમને કહ્યું.

શિવીકાના એક હાથમાં બેગ અને બીજા હાથમાં પાસપોર્ટ જોઈને, શિવમ ડઘાઈ ગયો. શિવીકા અત્યારે કોઈ પણ પરિસ્થિતિને હેન્ડલ કરી શકે. એવી હાલતમાં નહોતી. છતાંય તેણે એકલાં જ અમેરિકા જવાનો નિર્ણય કર્યો હતો. એ શિવમને યોગ્ય નાં લાગ્યો.

“તે અમેરિકા જવા માટે મન બનાવી જ લીધું છે. તો હું તને રોકીશ નહીં. પણ,તું ત્યાં જઈને કાંઈ આડાં અવળું નહીં કરે. એ બાબતે મારે ખાતરી જોઈએ.” શિવમે કંઈક વિચારીને કહ્યું.

“તમે રોશન વિશે બધું જાણતાં હતાં. છતાંય એ લગ્ન સમયે ફરશે નહીં. તેની ખાતરી તમે મને આપી હતી??” શિવીકાએ પૂછ્યું.

શિવીકાની વાત સાંભળી શિવમ નિઃશબ્દ બની ગયો. શિવીકા બેગ લઈને જતી રહી. શિવમ તેને રોકી નાં શક્યો. હવે તો શિવમે દેવેન્દ્ર પ્રસાદને બરબાદ કરવાની સાથે તેમને સજા આપવાનુ મન પણ બનાવી લીધું હતું.

રોશન પોતાનાં રૂમમાં બેઠો બેઠો કંઈક વિચારી રહ્યો હતો. દેવેન્દ્ર પ્રસાદે જે કાંઈ કર્યું એ ખોટું હતું. છતાંય દેવેન્દ્ર પ્રસાદ રોશનના પપ્પા હતાં. જેમને બરબાદ કરવા માટે બધાં મહેનત કરી રહ્યાં હતાં. જેમાં રોશને પણ એ લોકોનો સાથ આપવો પડે એમ હતો.

દેવેન્દ્ર પ્રસાદ ઓફિસેથી ઘરે આવ્યાં. તેમણે એક નજર સ્ટડી રૂમ તરફ કરી. રોશન તેમને ત્યાં નાં દેખાયો. દેવેન્દ્ર પ્રસાદ સીધાં સીડીઓ ચડીને રોશનના રૂમમાં પહોંચી ગયાં.

“એ ક્રિષ્ના તને ક્યાં લઈ ગઈ હતી??” દેવેન્દ્ર પ્રસાદે રોશનને પૂછ્યું.

“મારી સામે તેનું નામ નાં લેતાં. આજે તેનાં લીધે જ શિવીકા અમેરિકા જતી રહી. હવે મારી પાસે તેને મનાવવાનો મોકો પણ નથી રહ્યો.” રોશને થોડું ગુસ્સે થઈને કહ્યું.

રોશનનુ એવું વર્તન જોઈને દેવેન્દ્ર પ્રસાદને એમ થયું, કે રોશન ક્રિષ્નાથી ખૂબ જ નારાજ છે. હવે દેવેન્દ્ર પ્રસાદ ક્રિષ્નાને દૂર મોકલીને બધું સરખું કરવાનાં વિચારો કરી રહ્યાં હતાં. પણ,રોશનના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. રોશન દેવેન્દ્ર પ્રસાદની નજરમાં સારો રહીને, તેમને જ બરબાદ કરવાનો પ્લાન બનાવવામાં શિવમનો સાથ આપી રહ્યો હતો. એ વાતથી દેવેન્દ્ર પ્રસાદ અજાણ હતાં.

રોશનને દેવેન્દ્ર પ્રસાદ પોતાનાં રૂમમાં આવ્યાં. એ પહેલાં શિવમનો મેસેજ મળી ગયો હતો. જેનાં લીધે તેણે શિવીકા અમેરિકા જતી રહી. એ વાત કરીને, દેવેન્દ્ર પ્રસાદના સવાલનો જવાબ નાં આપ્યો.

દેવેન્દ્ર પ્રસાદે જે રીતે રોશનની પીઠ પાછળ તેને રચનાથી અલગ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. એમ હવે રોશને પોતાનાં જ પપ્પાને બરબાદ કરવાનું નક્કી કરી લીધું હતું.

દેવેન્દ્ર પ્રસાદ રોશનનો જવાબ સાંભળી, પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. તેમણે પોતાનાં પ્લાન તરફ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું.

ક્રિષ્ના પોતાની ઘરે પહોંચી ગઈ હતી. ગોપી ક્રિષ્ના આવી ત્યારથી જ તેની સામે જોતી હતી. ક્રિષ્ના ગોપીને શું પૂછવું ને શું કહેવું, એ બાબતે અસમંજસમાં હતી. એ સમયે જ ક્રિષ્નાને કોઈનો મેસેજ આવ્યો. એ મેસેજ વાંચીને ક્રિષ્નાના ચહેરાની રેખાઓ બદલાઈ.

 

 

(ક્રમશઃ)

 

Leave A Reply

Your email address will not be published.