સંબંધો: માતા – પુત્ર

રાગિણી અને એની મિત્ર કાવ્યા ચાની ચૂસકીઓ લેતા લેતા ગપ્પા મારી રહ્યા હતા ત્યાંજ રાગિણી નો પુત્ર રાહુલ જે 7 માં ધોરણમાં ભણે છે એ મોબાઇલ લઈને એની મમ્મી પાસે આવે છે….

રાહુલ: મમ્મી પ્લીઝ મોબાઇલનો લોક ખોલી આપોને મારે કામ છે.

રાગિણી: શું કામ છે તારે પહેલા મને એ કહે.

રાહુલ: મારે કામ છે મને ખોલી આપો!

રાગિણી: રાહુલ! મેં પૂછ્યું કે તારે અત્યારે મોબાઇલનું શું કામ છે? તારા બધા ફ્રેન્ડસ બહાર રમે છે ને! તું પણ રમ જા.

રાહુલ એની મમ્મીની વાતથી ખુબ ચિડાઈ જાય છે અને પગ પછાડવા લાગે છે….

રાહુલ: કેમ દરેક વખતે મારે તમને જણાવવું પડે કે મારે મોબાઇલ માં શું કામ છે? નહિ કોઈની જોડે ચેટ કરું! મારા ફ્રેંડે મને ગેમ માં ગિફ્ટ મોકલી છે એ મારે ખોલવી છે નહિતર એ એક્સપાયર થઈ જશે! મમ્મી યાર જલ્દી ખોલી આપો ને લોક!

રાગિણી ગુસ્સાને કંટ્રોલ કરીને લોક ખોલી આપે છે અને રાહુલ મોબાઇલ લઈને ત્યાંથી જતો રહે છે.

કાવ્યા: કેમ કંઈ નવા કાંડ કર્યા છે ભાઈ એ?

રાગિણી: શું કહું હવે ? એ ખોટા રવાડે ચડી ગયો છે! મેં એનું સર્ચ લીસ્ટ જોયું, હિસ્ટ્રી ચેક કરી! એ એડલ્ટ સાઈટ વિઝિટ કરે છે! હમણાં હમણાં ભાઈ ની ફિમેલ ફ્રેન્ડ પણ બની છે એટલે ચેટિંગ પણ ચાલુ હોય! જોકે મેં એને કહ્યું છે કે હું એને કંઇજ નહિ કહું ગમે તેની સાથે વાતો કરે પણ એક શરતે કે કોઈ ચેટ ડિલીટ નહિ કરે!

કાવ્યા: શું વાત કરે છે! હજુ તો એ 7માં ધોરણમાં છે!

રાગિણી: આજકાલ છોકરાઓ બહુ જલ્દી મોટા થઈ જાય છે આ ઇન્ટરનેટ, સ્માર્ટફોન ટેકનોલોજી એ તો ડાટ વાળ્યો છે!
જો મોબાઇલ કે લેપટોપ વાપરવાની જ ના પાડીએ તો છોકરું પાછળ રહી જશે એવો ડર લાગે! ને જો વાપરવા આપીએ તો ના જોવાનું જોવે ને ના શીખવાનું શીખે!

જો હું એને પકડી પાડું ને ધમકાવું તો એ ચોરીછૂપીથી કરશે એના કરતાં એ કરે એ હમણાં કરવા દઉં છું ને બસ વોચ રાખું છું કે એટલિસ્ટ એ જે કઈ કરે એની મને જાણ રહે!

કાવ્યા: સાચી વાત છે! ડરાવી ધમકાવીને તો કામ નહિ જ ચાલે! જો રાગિણી સાચું કહું? અત્યારે ગર્લ્સ બોયસ વાત કરે એમાં કંઈ નવું નથી! ને હોવું પણ ના જોઈએ! અત્યારે વાત કરતા નહિ શીખે તો એ આગળ જતાં ગર્લ્સ સાથે કઈ રીતે વાત કરવી, કઈ રીતે વર્તવું અને કઈ રીતે રિસ્પેકટ‌ કરવી એ બધું નહિ આવડે! એટલે લેટ ઇટ બી! તું બહુ માથું ના મારીશ! અને રહી વાત સાઈટ વિઝીટ ની તો બકા એ બહુ જ સહેલું છે! તું safe search માં explicit content ને hide કરી દેજે! તારું કામ થઈ જશે. અને રાહુલને કોઈ ખોટી આદત પડે એ પહેલા જ છુટી જશે. જોકે તારી એક વાત મને ગમી કે તું તારા છોકરા પર હાવી ના થઈ ગઈ ને શાંતિ થી કામ લેવાનું વિચાર્યું!

રાગિણી: બચ્ચુ! માં બનવું એટલું સહેલું હોત તો માતૃત્વનું આટલું મહત્વ ના હોત! પણ આટલા વર્ષોના અનુભવથી એટલી તો ખબર પડી જ છે કે તાત્કાલિક મગજ ગુમાવી ને છોકરાઓને સાચા રસ્તા પર ના જ લાવી શકાય! માં બનવાની સાથે તમારે એ પણ સતત વિચારતું રહેવું પડે હવે તમારું બાળક શું વિચારશે અથવા એ જે બોલી કે વર્તન કરી રહ્યું છે એના પરથી તારણ કાઢવું પડે કે કયા માર્ગે જઈ રહ્યું છે! માં બનીને ફકત માં જ નથી બની રહેવાનું! જેમ પોલીસ કેસને સોલ્વ કરવા ગુનેગારની જેમ વિચારે એમ આપણે પણ બાળકની જેમ વિચારી એના મનને કળવાનું છે ને એનાથી 2સ્ટેપ આગળ રહી એના રસ્તામાં આવતા દુષણો દૂર કરવાના છે તો ક્યારેક જાતે જ એનો સામનો કરવા દેવા પડે!

Leave a Reply