સંભારણા

સાંજ પડે ને સખી સાંભરે રે લોલ!
મારા મનડાના મોર થનગને રે લોલ!
મીઠી યાદો ને મીઠા વાયદા રે લોલ!
કે સાથે વરીશુ પ્રિયે સાસરે રે લોલ!
પછી છૂટ્યાં ઘડીભર ના સાથ રે લોલ!
હવે નયનો જીવે છે તારી વાટ રે લોલ!
આવે શ્રાવણ તો મળીએ આપણે ઓટલે રે લોલ!

નાનપણથી એક જ ઓટલે રમીને ઉછરેલી સખીઓ લગ્ન થતા અલગ થઈ જાય છે ને એવી તો સંસારમાં પડી જાય છે કે અદમ્ય ઈચ્છા હોવા છતાં મળવા જઈ નથી શક્તિ! ત્યારે સાંજના સમયે પસાર કરેલો ગલીઓમાં કરેલી દોડાદોડ, ઢીંગલીઓ ના ઘરસંસાર, ટીચર ટીચર ની રમતો,ચોર પોલીસની રમતો, એકબીજાના કાનમાં કહેલી ગપશપ બધું યાદ આવે છે! અને ફકત એકજ ઈલાજ કે હવે તો શ્રાવણ માસ આવે ને બધી બહેનપણીઓ પોતપોતાના પિયર આવે ત્યારે મળવાનું શક્ય બને. કેવી નિર્દોષ રમતો હતી! કેવો સોનેરી સમય!

આ બધું યાદ આવે ત્યારે આજનો મોર્ડન બંગલો પણ જાણે નીરસ લાગે! એ ધમાલ આજની સાઉન્ડ સિસ્ટમ કરતા પણ મધુર હતી! એ ધૂળિયા રસ્તા, માટી વાળા કપડાં આજના સુઘડ ને સુવાસિત સૂટ કરતા પણ વધારે વ્હાલા હતા! ને આજના જરૂરિયાતો ના મિત્રો કરતા તો ત્યાર ના કાલાઘેલા, ભોળા, થોડા દેખાવે લઘરા મિત્રો મનની વધારે નિકટ હતા.

એ નાની અમથી વાત કહેવા એકબીજાના ઘરે દોડી જવું, ત્યારે કોઈ ડિસ્ટર્બ નહોતું થતું! અને કંટાળો શબ્દ ક્યારેય કોઈના મોઢે સાંભળ્યો નહોતો! ને આજે નાના ટેણીયાઓ કલાકે ને કલાકે કંટાળી જાય! આધુનિકતા શરીરની સગવડો જરૂર આપે છે પણ મનની અગવડો ના ભોગે! એ સમજતા હોવા છતાં આંખ આડા કાન કરી આગળ ચાલીએ છીએ.

આ બધામાં એટલા આગળ નીકળી ગયા છીએ કે જો થોડી વાર ઉભા પણ રહીએ ને તો પણ લોકોના ઠેબે ચડી જઈએ! ગમે કે ના ગમે, પોસાય કે ના પોસાય તમે આગળ વધતા રહો! જીવનમાં સુખ આવ્યું પણ હાશકારા વગર નું! સગવડો આવી પણ જિંદગી એટલી જ ઊલજતી ગઈ! સમય બચાવે એવા વાહનો, ફોન, માધ્યમ, મશીનો બધું આવ્યું પણ એ બધાનો જ સમય ઓહિયા કરી ગયું. આજે કોઈ પાસે સમય જ નથી! રૂપિયા લઇને પણ માં બાપને વૃધ્ધાશ્રમ માં મૂકશે કેમ? સમય જ નથી! બાળકોને હોસ્ટેલમાં મૂકશે કેમ. ઘરે સચવાતા નથી. મને એમ થાય કે તમારા માબાપ કે તમારા જ છોકરાઓ ને તમે ના સાચવી શકો તો બીજા કંઇ રીતે સાચવે????

છોકરા કંઇક આડા કામ માં ફસાય તો જમીન આસમાન એક કરીને મુસીબતમાંથી બહાર કાઢશે! ત્યારે સમય મળી જશે પણ હૂફ આપવાનો કે જાતે જ કેળવણી આપવાનો સમય નથી! વોટ્સએપ માં મેસેજ ફોરવર્ડ કરીને જ્ઞાન બાટવાનો સમય જરૂર છે પણ બાળક ને જાતે ભણાવવાનો એના કાલાઘેલા પ્રશ્નો ના સમજણ પૂર્વક ઉત્તરો આપવનો સમય નથી….

સુખી છે એ માણસ કે જેની પાસે સુંદર સંભારણા છે કે બે ઘડી યાદ કરીને મન પ્રફુલ્લિત કરી લે!

Leave a Reply