સવાલ

પુરુષોએ ઘરનું કામ કરવું જોઈએ કે નહીં?

જો આ પ્રશ્ન કોઈ ગ્રુપમાં પુછી લો ને તો તમારા સવાલ ઉપર બબાલ થઈ શકે છે!…

આજકાલ સ્ત્રીઓની આઝાદીનો કંઇક અલગ જ અર્થ કાઢવામાં આવે છે! કોઈ લોજીક વિચાર્યા વગર જ બસ ફલાણા ( પ્રખ્યાત ) માણસે કહ્યું કે પુરુષો એ પણ ઘરનું કામ કરવું જ જોઈએ! સ્ત્રીઓ કંઇ તમારી કામવાળી છે?! શું છોકરાઓને સાચવવાની જવાબદારી ફકત એમની જ છે! સ્ત્રીઓની જિંદગી ઘરકામ ને છોકરા સાચવવામાં જ પૂરી થઈ જશે! ને એય ને લાં…….. બુ લેક્ચર જે હાથ જોડી ( મનમાં જ હો નહિતર બીજા વિષય નો લેક્ચર ભરવો પડે! ) સ્વીકાર્યા સિવાય કોઈ છૂટકો જ નહિ!

મેં એવી પણ પત્નીઓ જોઈ છે કે જે ફકત ઘરકામ જ કરે છે બહારનું કોઈ જ કામ નથી કરતા. ને તેમ છતાં ઘરમાં વોશિંગ મશીન, પોતું કરવા માટે મોપ હોય! તો પણ ઘરવાળા એ ઘરકામ કરવામાં મદદ કરવાની જ! બિચારો ઘરવાળો થાક્યો પાક્યો ઑફિસેથી ઘરે આવે કે તરત જ, ” ચલો ફ્ટફટ ચા પી લો પછી મારે રસોઈ બનાવવી છે! ને હા આજે પ્લીઝ વાસણ ગોઠવી આપજો તમે 2 દિવસથી આળસ કરો છો!”

અરે અરે પણ બેન જરા એમને શ્વાસ તો લેવા દો!

ત્યારે મને એવું પૂછવાનું મન થાય કે એવી પત્નીઓને સહેજેય એવું નહિ થતું હોય કે એ માણસ ઘરની બહાર કામ કરવા જાય છે નહિ કે ફરવા! ને હા તમે આખો દિવસ ઘરમાં કામ કર્યું પણ સતત તો ના જ કર્યું હોય! વચ્ચે ટીવી જોયું હોય, બાજુવાળા સાથે ગપ્પા માર્યા હોય! શાક લેવા ગયા હોય! વળી કોઈ વાર એમજ બહેનપણી સાથે મોલમાં પણ આંટો મારી આવ્યા હોય! તો તમે આને ફ્રેશ થયા એવું ના ગણી શકો???

આપણા પૂર્વજો થી જ એવી વ્યવસ્થા હતી કે સ્ત્રી ઘર સરસ રીતે સંભાળે ને પુરુષ બહાર જઈ કમાય! બંનેના કામ અલગ એટલે કોઈ માથાકૂટ નહિ! પણ ના !

હા આજનો સમય જ એવો છે કે બંનેએ કમાવું પડે. તો એ વસ્તુ વ્યાજબી છે કે પુરુષ પણ ઘરમાં મદદ કરે અને જો ઘરની સ્ત્રી ઘર સાંભળવાની સાથે જોબ કરતી હોય કે બીજું કંઈ પણ કામ કરી કમાતી હોય તો ઘરનો બધો જ ભાર એકલી સ્ત્રી પર ના આવે એ ધ્યાન રાખવાની પુરુષની જવાબદારી ખરી જ!

પણ તમે ઘરકામ પતાવીને ઓટલા તોડતા હોય ને આશા રાખો કે ઘરકામ માં તો મદદ કરવી જ જોઈએ ને, ” કેમ એમનું પણ ઘર નથી? ”

તો ત્યારે મને એવું પૂછવાની ઈચ્છા થઈ આવે કે, ” એમનું ઘર છે ને હા માની લઈએ કે પુરુષે ઘરમાં મદદ કરવી. પણ તો બહેનો તમને એવું નથી થતું કે આ તમારું પણ ઘર છે તો ઘરમાં 2 પૈસા ( જોકે 200 રૂપિયા એ માંડ કંઇક આવે છે! ) ઘરમાં આવે એવું કંઇક કરીએ!”

તો તો જવાબ તૈયાર જ હોય! “અમારે તો કરવું જ છે પણ એના પપ્પા ના પાડે!” ( અમુક ને જ સાચે આ સમસ્યા હશે પણ આ આપણું યુનિવર્સલ બહાનું છે! બિચારા પેલા ને તો ખબર એ ના હોય કે એની છાપ બહુ કડક મિજાજની છે! )

ત્યારે વળી મને એવું પૂછવાનું મન થાય કે, ” જ્યારે ઘરમાં ખરેખર ભાગ્યે જ કામ આવે ( ખાસ કરીને દિવાળી કામ માં ઘર સફાઈ વખતે ) એવી તદ્દન નકામી વસ્તુઓ લાવો છો ( એ પણ એવું કહીને કે આતો ઘરમાં હોવું જ જોઈએ! લોકો ને શું લાગે? ) એના પપ્પા કઈ નથી કહેતા!? ”
(બિચારાને ખબર હોય તો બોલે ને!)

સાર: દરેક માણસની જેમ દરેક ઘર અલગ હોય છે. તો કોઈની નકલ ના કરતા આપણા ઘરને અને ઘરના માણસને અનુકૂળ થઈ ને રહીએ તો સંસાર માં વાસણો થોડાક ઓછા ખખડે! ( ખખડે તો ખરી જ )

Leave a Reply