ડુંગરનું શેરી ક્રિકેટ: દીલને ફીર યાદ કિયા

‘મારુ બાળપણનું વન’- સુરેશ જોશીનો આ પાઠ ભણવામાં આવતો. ખૂબ મજા પડી જતી. પછી તો એ પાઠ ભણાવ્યો પણ ખરો. આજની તારીખે પણ જૂની, સાચવી રાખેલી ગુજરાતીની ચોપડી ઉઘાડી એ પાઠ વાંચું છું અને દિલ બાગ-બાગ થઈ જાય છે. ને અળવીતરું મન પહોંચી જાય છે મારા ગામ ડુંગરની, મારી ડાયા-કાળા શેરીમાં.

સવાર પડે અને અમારી શેરી ડી.કે.સ્ટેડિયમમા ફેરવાઇ જતી. સીધી સટ નાનકડી શેરીમાં 8-10 ખેલાડીઓની બે ટીમ પડી જતી અને રીંગના બૉલ અને પાટીયાના બેટથી સ્ટાર ક્રિકેટરો બઘડાટી બોલાવી દેતા. (એ વખતે અમે બંને ભાઈઓ ભાવનગર ગધેડીયા ફીલ્ડમાંથી બે બેટ ખરીદી લાવેલા. એક પર સુનિલ ગાવસ્કર અને બીજા પર કપિલદેવનો ફોટો છાપામાંથી કાપીને કાળજીપૂર્વક ચોટાડેલો.) અમારી શેરી ખેલાડીઓથી ઉભરાઇ જતી. પિયુષ, નિકૂ, મિલન, હું, પુલિન, ક્યારેક અમારા ઘુઘામામા, મેહુલ કે હિનો, દિપેશ, ક્યારેક અમારી સ્કૂલના હસમુખા ક્લાર્ક- અજાતશત્રુ એવા કમલેશભાઈનો નીલેશ, સામેની શેરીનો અમારો એમ્બ્રોસ-ભાવેશ ને તેની સાથે આરિફ અને ટીણો , જીજ્ઞેશ વ્યાસ, ક્યારેક મંગળ શેરીના સ્ટાર ક્રિકેટરો- સયલો કે જલો (આ જલો ગરિયાની રમતમાં રીતસરની બધાને રાડય પડાવી દેતો!), ક્યારેક શોભકાકાનો સુનિલ કે મિલન, અમારો મનોજ, આશિષ કે મુકેશ શ્રીવાસ્તવ, ભદો અને પિયુષ ( ભદો રાહુલ દ્રવિડ જેવી સોલીડ ટેક્નિક ધરાવતો સાઉન્ડ બેટ્સમેન હતો, પણ દ્રવિડની જેમ જ ડુંગરના ક્રિકેટમાં બહુ મોડી સ્વીકૃતિ પામ્યો..), ક્યારેક બરફની લારી લઈને આવતો હનીફ ઉર્ફે હન્યો પણ લારી એક બાજુ મૂકીને રમવા આવી જાય, એ ઉપરાંત મિલન રાજપુરા અને મારા ફઇબાના રાજૂ અને નિકુ..બીજા કેટલાય નામી-અનામી મિત્રો પણ આવતા.

અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ સ્ટાર ફાસ્ટ બોલર કેતન રાજપુરા !

એ જમાનામાં કેતન પેટરીક પેટરસન ગણાતો. અમારી ટૂંકી શેરીમાં એ શાંતિભાઈની ડેલી પાસેથી રનિંગ લઈ ને અમારી જાળી પાસે પોગે ત્યાં તો મિલ્ખાસિંઘ જેવી સ્પીડ પકડતો..અને એ દાઝ્ય ભરેલા મોં સાથે રૌદ્રરૂપ ધરી એવા અગનગોળા ફેંકતો કે નાના છોકરા તો રમતા પહેલા બોલી કરતાં કે ‘કેતનની બોલિંગ નો આવે તો જ હું રમુ !!’. આવા ફૂલટોસ કે બાઉન્સરનો સામનો વગર હેલ્મેટે, વીમો ઉતરાવ્યા વગર અમે કઈ રીતે કરતાં એ આજેય અમને સમજાતું નથી..! કેતનની અનેક ખૂબી હતી. એ સમયમાં કેતન sports technology નો જન્મદાતા હતો. કાયમી તંગીના એ દિવસોમાં જ્યારે અમારો સૌનો જી.ડી.પી. માયનસમાં ચાલતો ત્યારે કેતન રાજુભાઇ ધોબી પાસેથી સાયકલની વપરાયેલી ટ્યુબ લઈ આવતો અને તેમાથી રીંગ કાપી, મોટો ટેનિસના બૉલ જેવો દડો બનાવતો. ‘ને પછી ‘અન ઇવન બાઉન્સ ધરાવતી એ કોટલા સ્ટેડિયમ જેવી પીચ પર ઢેખાળા જેવા મોટા દડા વડે એ બેટ્સમેનોને આઉટ ન કરતો, પણ રીતસરના દડા મારીને પાર્સલ કરી દેતો !

આમ છતાં, સવારથી સાંજ સુધીમાં શેરીમાં અમે ક્રિકેટ ટીચતા. શેરીમાં સતત વડીલો-માતાઓનું આવન જાવન, ગાય-કુતરાના અવરોધો, ઘરેથી જમવા બોલાવતો સાદ, મેડી ઉપરથી અમારા સવિતાભાભુની ‘મારા રોયા..’ વાળી કોમેંટરી ને ક્યારેક ઉપરથી રેડાતા પાણી વચ્ચે પણ અમારું ક્રિકેટ અવિરત ચાલુ રહેતું. અમે ખરા અર્થમાં EAT CRICKET, SLEEP CRICKET ના મોડમાં રહેતા. ક્યારેક મોંટુનો કઝીન કાળુ મુંબઈથી આવ્યો હોય કે પછી મંગળ શેરીના હિરેનભાઇ સોની, નલિનભાઈ મહેતા કે કનુકાકાના જીગુભાઈ જેવા અમારા વડીલ મિત્રો પસાર થતાં હોય ને જામેલું વાતાવરણ જોઈ શેરીમાં આવી ચડે ને તેઓ – એક ઘા ને બે કટકા વાળા મિજાજથી- અમને કહે કે ‘તમારે જે ટીમ જોતી હોય તે લઈ લ્યો અને એ સિવાયની ટીંગર મને આપી દ્યો..’ પછી પહેલી બેટિંગ લઈ ને આ વડીલો બે-ચાર ઓવર ફટકાબાજી કરી લે એટલે ધરાય જાય અને દુકાને જતાં રહે. ને ઓલી ટીંગર ખરેખર ટિંગાઈ જાય…! પણ તોય મોજુના ફોરાં છૂટતા એ શેરી ક્રિકેટમાં.

આ ક્રિકેટ મેચોનું બીજું સ્થળ હતું- શેરીની સામે જ આવેલું ‘રાજપુરા સ્ટેડિયમ’. પૂ.ભાઈના એ મકાનમાં ડો.રાજપુરાસાહેબ રહેતા. મોટું, સરસ મજાનું ફળિયું એટલે રમવાની મજા પડી જાય. વળી, રાજપુરાસાહેબ અમારા કેતનના દાદા એટલે ત્યાં પણ રમવા મળતું. અશોકકુમાર જેવા દેખાતા માયાળું રાજપુરાસાહેબને ક્રિકેટમાં ઘણો રસ હતો. જો કે ત્યાં રમવાની સાચી જલ્સાપાર્ટી તો ઉનાળાના વેકેશન દરમિયાન થતી. આ રજાઓ દરમિયાન ઘણીવાર સાહેબ અને બા ભાવનગર જતાં. અને ત્યારે ઘરનો હવાલો તેમના ડોક્ટરપુત્ર નવીનભાઈ પાસે રહેતો. તે સાજણાવાવથી ડુંગર આવતા અને અમારા માટે ધરતી પર સ્વર્ગ ઉતરી આવતું. કારણકે નવીનકાકા જેટલા કેતનના કાકા એટલા જ અમારા સૌના કાકા. ક્રિકેટના હાર્ડકોર રસિયા. નસેનસમાં લોહી સાથે ક્રિકેટ વહે. ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન આપે. અમારા ભાવેશ વિઠ્ઠલભાઈને એમબ્રોસનું ઉપનામ આપી ફાસ્ટ બોલર બનાવનાર જ નવીનકાકા. એ હીંચકે બેઠા હોય, મોં માં અમૃત સમાન માવાનો રસ ઝરતો હોય, એમ્બ્રોસ કે વોલ્શ (મિલન રાજપુરા) બોલિંગ કરતાં હોય અને નવીનકાકા ‘શાબ્બાશ, વાહ-વાહ’ બોલીને અમને તાન ચડાવતા હોય. એ માહોલ, એ શમા આજે પણ દિલો દિમાગમાં તરો-તાઝા છે. (બાળકોને આટલું પ્રોત્સાહન આપી, રમાડીને આટલી ખુશ થનાર બીજી કોઈ વ્યક્તિ મેં જોઈ નથી.) વળી, નવીનકાકાની ટ્રેડમાર્ક સમી મજાક એ હતી કે આપણે એમને પૂછીએ કે ‘કાકા, શું છે નવીનમાં?’ એટલે તે હસતાં હસતાં કહે, ‘ભાઈ, મારે તો એવું નહીં કહેવાય કે “નવીનમાં” કાઇ નથી..!’ આ શ્લેષ અલંકાર અમે બાળપણમાં એમની પાસેથી શીખ્યા.

રાજપુરા સ્ટેડિયમમાં મકાન બહાર સામે જ તનસુખકાકાની મેડી હતી. એ મેડીની ઉપર દડો અથડાય એટલે સિક્સર. અને કેતનના ફૂલટોસ બૉલ પર મે આંખો મીંચીને બેટ ઘુમાવ્યું અને રાજપુરા સ્ટેડિયમની એ પહેલી સિક્સ મારે નામે નોંધાઈ ગઈ! આજે પણ એ ક્ષણનું ગૌરવ હું અનુભવું છું.

હવે તો કાળચક્રના પહીયા ઘણા ફરી ગયા. મિત્રો પોતપોતાની લાઈફમાં આગળ વધી ગયા. નીલેશ કમલેશભાઈ પંડ્યા, મિલન શોભાભાઈ દોશી કે રાજન મહેશભાઇ ત્રિવેદી જેવા મીઠડાં છોકરાઓને ભગવાને વહેલા પોતાના શરણમાં લઈ લીધા. બધા જ યાદ છે ને બધું જ યાદ છે. કોઈ અરીસા પર કપડું ફેરવીએ અને ડાઘ દૂર થઈ જાય એવી રીતે કઈ બાળપણની યાદોને મિટાવી શકાતી નથી. અને હવે તો આદિલ મન્સૂરીની જેમ દિલ પોકારી ઊઠે છે કે-

‘વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,

પછી એ ધૂળ ઉમ્રભર મળે ન મળે.’

નીલેશ પી. વ્યાસ (ભાવનગર) 9427268964

Leave a Reply