કેપ્ટન હેરીની શોધમાં -ભાગ-2

  (આગળના ભાગમાં આપણે જોયું કે આદિવાસી ગર્ગ , ક્લિન્ટન અને જ્હોનની પાછળ પડ્યા હતા. ત્રણેય ઝડપભેર જંગલ તરફ આગળ ભાગી રહ્યા હતા ત્યાં અચાનક ક્લિન્ટન ચીસ પાડીને નીચે ઢળી પડે છે. ક્લિન્ટનની  ચીસ સાંભળીને ગર્ગ અને જ્હોન એકદમ થંભી જાય છે અને તેઓ પાછળ ફરીને નીચે પડેલા ક્લિન્ટન સામે જુએ છે ત્યારે એમના મોંઢામાંથી પણ ચીસ નીકળી પડે છે વાંચો ભાગ એક અહિયા ક્લિક કરો > https://bit.ly/2Y1hVeC)

  ગર્ગ અને જ્હોન પાછળ ફરીને જુએ છે તો એક ભયકંર વિખેરાયેલા મોટા વાળવાળો આદિવાસી નીચે પડેલા ક્લિન્ટનની પીઠ ઉપર એના મજબૂત હાથો વડે મુઠ્ઠીઓનો પ્રહાર કરી રહ્યો હતો. આવો ભયકંર મુઠ્ઠી પ્રહારોનો માર સહન ના થતાં ક્લિન્ટન વેદના ભરી ચીસો પાડ્યે જતો હતો.

“ગર્ગ હવે જલ્દી કંઈકકરનહીંતરક્લિન્ટન મરી જશે..’ જ્હોને ગર્ગ સામે જોઈને કહ્યું પછી એનો થેલો નીચે મૂકીને એમાંથી કંઈક શોધવા લાગ્યા.

  એટલામાં તો સામેની ઝાડીઓમાંથી ખૂંખાર આદિવાસીઓ ઘસી આવ્યા.  બધાની આંખો બદલાની આગમાં લાલઘૂમ થઈ ગઈ હતી. ગર્ગે એ આદિવાસીઓને જોયા એટલે એ નખશીશ સુધી ધ્રુજી ઉઠ્યો.

“જ્હોન પેલા આવી ગયા તું શું શોધી રહ્યો છે હજુ..?  ગર્ગ ડરેલા અવાજે બોલી ઉઠ્યો. પણ જ્હોન હજુ એના થેલામાં કંઈક શોધી રહ્યો હતો.

“મળી ગયું..’ જ્હોન ઝડપથી થેલામાંથી હાથ બહાર કાઢતા બોલ્યો.

        જ્હોનને શું મળ્યું એ ગર્ગને કંઈ સમજાયું નહી પેલા આદિવાસીઓ હવે ઝડપથી આવી રહ્યા હતા. ત્યાં ગર્ગની નજર જ્હોનની હાથમાં રહેલી રિવોલ્વર ઉપર પડી. રિવોલ્વર જોઈને ગર્ગની આંખો ચમકી ઉઠી.એને થોડીક નિરાંત થઈ.

પેલો આદિવાસી હવે ક્લિન્ટન ઉપરથી ઉભો થઈને ક્લિન્ટનના ખભે ભરાવેલી રાઇફલ ખેંચી રહ્યો હતો. પણ ક્લિન્ટને સમય સૂચકતા વાપરીને રાઇફલને મજબૂત રીતે પકડી રાખી. રાઇફલનો આગળનો ભાગ પેલા આદિવાસી તરફ હતો. અને આવી ખેંચ તાણમાં ક્લિન્ટનનો હાથ અનાયાસે રાઇફલના ઘોડા ઉપર દબાઈ ગયો. અને રાઇફલમાંથી નીકળેલી ગોળી પેલા આદિવાસીના ખભાની આરપાર નીકળી ગઈ. પેલો આદિવાસી ત્યાં જ ચીસ પાડીને ઢળી પડ્યો.

   રાઇફલમાંથી ગોળી છૂટી એવો જ મોટો ધડાકો થયો.જેવી

ગોળી પેલા આદિવાસીના ખભામાંથી આરપાર નીકળી કે તરત એ આદિવાસી ભયંકર ચીસ પાડીને ત્યાં જ ઢળી પડ્યો.

બીજા આદિવાસીઓ ક્લીન્ટનની નજીક પહોંચવા આવ્યા હતા પણ રાઇફલનો ધડાકો અને પેલા આદિવાસીની ચીસ સાંભળીને એ બધાના પગ ત્યાં જ જમીન સાથે જડાઈ ગયા.

“ક્લિન્ટનભાગ જલ્દી..’ ગર્ગે ક્લિન્ટનને જોરથી બુમ પાડી.

 ક્લિન્ટન ગર્ગની બુમ સાંભળીને ઝડપથી ગર્ગ અને જ્હોન જે બાજુ હતા એ તરફ ભાગ્યો. આદિવાસીઓ ગોળીથી ઘાયલ થયેલા એમના સાથીની આજુબાજુ વીંટળાઈ વળ્યાં. પણ ક્લિન્ટન ભાગતો જોયો એટલે અડધા ક્લિન્ટની પાછળ ક્લિન્ટનને પકડવા દોડવા લાગ્યા.

“જ્હોનકંઈકકર… નહીંતર આ લોકો ફરીથી ક્લિન્ટનને પકડી પાડશે..’ ગર્ગ ચીસ જેવા અવાજે બોલી ઉઠ્યો.

“હા.. એમને રોકવા પડશે..નહિતર એ લોકો આપણને નહીં છોડે હવે..’ જ્હોન ક્લિન્ટનની પાછળ દોડી આવી રહેલા ખૂંખાર આદિવાસીઓ તરફ જોતાં બોલ્યો.

“તો કંઈકકર હવે..જો પેલો હમણાં પકડી લેશે ક્લિન્ટનને.’ ગર્ગ ચીસ જેવા અવાજે બોલ્યો.

      એક આદિવાસી ક્લિન્ટનની સાવ નજીક પહોંચી ગયો હતો. ત્યાં તો જ્હોને એની પાસે રહેલી રિવોલ્વરની મદદથી ક્લિન્ટનની પાસે પહોંચવા આવેલા આદિવાસીના જમણા પગનું નિશાન લીધું અને ગોળી છોડી. પેલા આદિવાસીના હાથનો પંજો જેવો ક્લિન્ટનને પકડવા લાંબો થયો ત્યાં જ્હોને  છોડેલી ગોળી એના પગમાં વાગી અને એનો પંજો હવામાં જ રહી ગયો એ મરણચીસ પાડી ઢગલો થઈ નીચે પડી ગયો. પેલા આદિવાસીઓ હેતબાઈ ગયા. એ બધા એમના ઘાયલ સાથીની આજુબાજુ વીંટળાઈ વળ્યાં.

  જ્હોન , ક્લિન્ટન અને ગર્ગ કંઈ પણ જોયા વગર આ ગાઢ જંગલમાં આગળની તરફ ભાગી રહ્યા હતા. એમને પેલા આદિવાસીઓનો ભય સતત સતાવી રહ્યો હતો. જ્હોનનું શરીર ભારે હોવાથી એ માંડ માંડ દોડતો હતો. એના ખભા પાછળ લટકાવેલો થેલો એની દોડવાની ગતિને અવરોધી રહ્યો હતો. લગભગ એક કલાક આ ત્રણેય દોડતા રહ્યા. ત્યારે જ્હોન થાક્યો.

“અરે યાર ઉભા રહો નહિતર હું મરી જઈશ..’ જ્હોન બોલ્યો. એનું શરીર થાકથી સાવ લોથપોથ થઈ ગયું હતું.

“હમણાં નહીં થોડાકદૂર જતાં રહીએનહિતર પેલા આદિવાસીઓ આપણને પકડી લેશે..’ ગર્ગ ડરભર્યા અવાજે બોલ્યો. 

“અરે એ ચિંતા છોડો.. એ લોકોથી આપણે ઘણા દૂર આવી ગયા છીએ એટલે થોડોકઆરામ કરો. નહિતર હું આમ દોડતો દોડતો જ મરી જઈશ…મારાથી નથી દોડાતું હવે..’ જ્હોન ક્લિન્ટન અને ગર્ગ સામે જોઈને આજીજી ભર્યા આવજે બોલ્યો.

“હા હવે એ લાકોનો ભય નથી..’ ક્લિન્ટને પણ જ્હોનની વાતને સમર્થન આપતા કહ્યું.

“તો.. પણ..’

“તો… પણ શું..?  હમણાં આરામકર પછી જ આગળ વધાશે..’ ગર્ગ કંઈક બોલવા જતો હતો ત્યાં વચ્ચેથી અટકાવી જ્હોન ચિડાઈ જતાં બોલ્યો.

ઠીક છે.. પણથોડોકઆરામ કરીને આપણે નીકળી પડીશું..’ ગર્ગ ત્યાં જ નીચે  બેસી જતાં બોલ્યો.

“હા.. પણ હમણાં આરામ તો કરી લે..’ ક્લિન્ટને પોતાના ખભાથી રાઇફલ  નીચે ઉતારીને હસતા હસતા કહ્યું.

“બહુ ડરપોક છે હો ગર્ગ..’ જ્હોને ગર્ગ સામે તીરછી નજરે જોતાં કહ્યું.

  જ્હોનની વાત સાંભળીને ક્લિન્ટન હસી પડ્યો. ગર્ગ નીચે બેસી જમીન લાકડાના સળિયા વડે જમીને ખોદવા લાગ્યો. જ્હોન અને ક્લિન્ટન ગર્ગની પાસે આવ્યા અને પ્રેમથી એને ઉભો કર્યો.

ગર્ગ વ્હાલા દોસ્ત.. ખોટું ના લગાડતો અમે મજાકકરીશછીએ..’ જ્હોને ગર્ગની આંખોમાં જોઈને કહ્યું.

“અને હા તું ચિંતા ના કર..ગમે તે આફતને તારી સુધી પહોંચવા માટે અમારી ઉપર થઈને ગુજરવું પડશે..’ ક્લિન્ટને ગર્ગના ખભા ઉપર પ્રેમથી હાથ મૂકતા કહ્યું.

“કેપ્ટ્નને શોધી રહ્યા છીએ એટલે આવી અનેક આફતો તો  આવતી જ રહેશે.. આપણે સામનો તો કરવો પડશે દોસ્ત..ક્યાં સુધી આવી મુશ્કેલીઓથી ભાગતા રહીશુ..’ જ્હોન બોલ્યો. એના અવાજમાં કેપ્ટ્ન હેરીને શોધી કાઢવાની મક્કમતા ઝળકતી હતી.

“તમારા જેવા દોસ્તો હોય ત્યાં મુશ્કેલી કેવી.. અને કેપ્ટ્ન  મારા પણ મિત્ર તો છે જ.. એટલે એમની શોધમાં મારું પણ યોગદાન તમારા બન્ને જેટલું હોવું જોઈએ..’ આમ કહી ગર્ગ ભીની આંખે જ્હોન અને ક્લિન્ટનને ભેંટી પડ્યો.

    આ અજાણ્યા જંગલમાં આ ત્રણેય એકબીજાનો આશરો હતા. એક એક ડગલું સંભાળી મુકવાનું હતું કારણ કે ઘડીના છઠ્ઠા ભાગમાં અહીં મુશ્કેલીઓ ફૂટી નીકળતી હતી. આદિવાસીઓની ઝપાઝપી અને ભાગદોડમાં સાંજ થઈ ગઈ. એટલે જલ્દી આ જંગલ પસાર કરીને પહાડી પ્રદેશમાં પ્રવેશવું જરૂરી હતું. કારણ કે જ્યાં સુધી તેઓ આ જંગલમાં હતા ત્યાં  સુધી એમને જાનનું જોખમ હતું. થોડોક આરામ કરીને ત્રણેય ઉભા થયા અને આગળ વધવા લાગ્યા. આ વખતે બધાની ચાલમાં નવો જોશ હતો.

     સૂર્ય પશ્ચિમમાં ડૂબી રહ્યો હતો. એકાદ કલાકમાં સમગ્ર જંગલ ઉપર અંધારાનું આધિપત્ય છવાઈ જવાનું હતું એટલે ત્રણેય ઝડપથી આગળ વધી રહ્યા હતા.

  ક્લિન્ટને કેરો શહેરથી નીકળતી વખતે જ મેસો જંગલની સંપૂર્ણ માહિતી એકઠી કરી લીધી હતી.  એના અનુમાન મુજબ હવે તેઓ પહાડી પ્રદેશની નજીક જ હતા. ધીમે ધીમે મોટા વૃક્ષો ઓછા થતાં જતાં હતા. કલાક ચાલ્યા ત્યારે ગર્ગ બોલી ઉઠ્યો.

“જુઓ.. ત્યાં નાની ટેકરીઓ..’ ગર્ગના અવાજ હર્ષથી છલકાયેલો હતો.

      હવે ધરતી ઉપર અંધારું ઉતરી ચૂક્યું હતું. દૂર દેખાતી ટેકરીઓ ઝાંખા અજવાળામાં ભયકંર ભાસી રહી હતી. સામે જ નાના ઝાડી ઝાંખરા અને ઘાસનું મેદાન હતું.

“જ્હોન.. ત્યાં કોઈક રહેતું હોય એવું લાગે છે..’ ક્લિન્ટન ઘાસના મેદાનના છેડા તરફ આંગળી ચીંધતા બોલ્યો.

જ્હોન અને ગર્ગે ક્લિન્ટને બતાવેલી દિશામાં જોયું. તો ઘાસના મેદાનના સામેના છેડે કોઈક ઝૂંપડીમાં દીવડો સળગી રહ્યો હોય એવું એમને લાગ્યું. 

  બધાને તરસ લાગી હતી એટલે બધાના પગ એ નવી આશા અને નવા ભય સાથે એ ઝૂંપડી તરફ આગળ વધ્યા.

(ક્રમશ)

Leave a Reply