કેપ્ટન હેરીની શોધમાં (ભાગ-9)

કેપ્ટન હેરીની શોધમાં (ભાગ-9)

જ્હોન ઝડપથી ઉભો થયો અને જ્યાં એનો થેલો પડ્યો હતો એ તરફ પાણી લેવા દોડ્યો.

મેરી ભાનમાં આવીને બેભાન થઈ ગઈ એટલે ક્લિન્ટન ચિંતાનો માર્યો બેબાકળો બની ગયો.

જ્હોન જલ્દી લાવ પાણી..’ બેબાકળા બનેલા ક્લિન્ટને બુમ પાડી.

જ્હોન ઝડપથી થેલો ઉઠાવીને લઈ આવ્યો અને એમાં રહેલી મજબૂત ચામડાની નાનકડી બોટલ જેવી વસ્તુ બહાર કાઢી. જ્હોન આ ચામડાની વસ્તુમાં મુશ્કેલીના સમયે કામ આવે એટલા માટે એમાં પાણી રાખતો.જલ્દી જ્હોને એ ચામડાની થેલીની ઉપર મારેલી ગાંઠ છોડી. ક્લિન્ટને મેરીનું મોઢું પહોળું કર્યું અને જ્હોને થોડુંક પાણી મેરીના મોંઢામાં રેડ્યું.

મેરીના મોંઢામાં પાણી રેડ્યું છતાં એને ભાન આવ્યું નહી.આ જોઈને ક્લિન્ટનના ચહેરા ઉપર આવેલી ચિંતાની રેખાઓ વધુ ગાઢ બની. જ્હોને બાજુમાં બેહોશ પડેલા ગર્ગની છાતી ઉપર પોતાનો કાન ધર્યો. સાવ ધીમી ગતિએ ગર્ગના હૃદયના ધબકારા ચાલી રહ્યા હતા.

“ક્લિન્ટન મેરીને કંઈ નહીં થાય તું આ બાજુ આવ ગર્ગની હાલત તદ્દન નાજુક છે..’ ચિંતાથી ઘેરાયેલા અવાજે જ્હોન બોલ્યો.

ક્લિન્ટન મેરી પાસેથી ઉભો થયો અને ગર્ગ પાસે આવ્યો.અને ચિંતિત ચહેરે બેહોશ પડેલા ગર્ગને ફાટી આંખે જોઈ રહ્યો.   જ્હોને પાણીવાળી ચામડાની થેલી હાથમાં લીધી.

“હવે આમ જોઈ શું રહ્યો છે ગર્ગનું મોઢું પહોળું કર..જલ્દી..’ જ્હોન ક્લિન્ટન સામે જોઈને ઉતાવળા અવાજે બોલ્યો.

“હાં..લે રેડ પાણી..’ ક્લિન્ટન વિચારોમાંથી બહાર આવ્યો અને ધ્રુજતા હાથે ગર્ગનું મોઢું પહોળું કરતા જ્હોન સામે જોઈને બોલ્યો.

હજુ જ્હોને ગર્ગના મોંઢામાં પાણી પણ નહોતું રેડ્યું ત્યાં તો મેરી સળવળી. મેરીએ આંખો ખોલી.

“ક્લિન્ટન…’ મેરી વેદનાથી દબાયેલા અવાજે બોલી.

“હા.. મેરી..’ આમ કહીને ક્લિન્ટને બે હાથથી પહોળું કરેલું ગર્ગનું મોઢું છોડી દીધું અને આંસુભરી આંખે મેરી તરફ જોયું.

‘એ મૂર્ખ.. તું પહેલા આનું મોઢું સરખું પકડને.. નહીંતર આ મરી જશે..પછી તારામાં વધારે પ્રેમનો આવેગ ઉભરાયો હોય તો મેરી સાથે ચોંટી પડજે..’ ક્લિન્ટને ગર્ગનું મોઢું છોડી દીધું એટલે ગુસ્સે ભરાયેલો જ્હોન બરાડી ઉઠ્યો.

જ્હોનનો ગુસ્સે ભરાયેલો અવાજ સાંભળીને ક્લિન્ટને ફરીથી ગર્ગનું મોઢું પકડ્યું. અને જ્હોને ગર્ગના મોંઢામાં પાણી રેડ્યું.

“હવે તું જા મેરી પાસે..’ જ્હોન શાંત અવાજે ક્લિન્ટન સામે જોઈને બોલ્યો.

ક્લિન્ટન ફીકુ હસ્યો અને મેરી પાસે જઈને મેરીનું માથું પોતાના ખોળામાં લઈને રડી પડ્યો.

“મેરી.. વ્હાલી મને માફ કરી દે મારા જ કારણે તારા આવા હાલ થયા છે..’ ક્લિન્ટન રડતા રડતા બોલ્યો.

“અરે.. તમારી કંઈ ભૂલ નથી આ બધું અજાણતા થયું છે.મહેરબાનીની કરીને તમે તમારી જાતને દોષી ના ઠેરવો..’ મેરી ક્લિન્ટ સામે જોઈને ત્રુટક અવાજે બોલી. મેરીના અવાજમાં ગોળી વાગ્યાંની વેદના સ્પષ્ટપણે વર્તાતી હતી. અને સાથોસાથ પોતાના પ્રેમી માટેની સહાનુભૂતિ પણ છલકાતી હતી.

“તો પણ મારા હાથે તને ગોળી વાગી એનું દુઃખ મને હંમેશા રહેશે..’ આમ કહેતા કહેતા ક્લિન્ટનની આંખમાંથી નીકળેલો અશ્રુઓનો પ્રવાહ મેરીના રતુંબડા ગાલ ઉપર પડવા લાગ્યો. ક્લિન્ટનને આટલો લાગણીવશ થયેલો જોઈને મેરીની આંખોમાંથી પણ અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. ક્લિન્ટનના ખોળામાં માથું રાખીને સુતેલી મેરી ક્લિન્ટનને ભેંટી પડવા માટે ઉભી થવા ગઈ ત્યાં જ્હોને મેરીને અટકાવી.

“મેરી.. તું અને ક્લિન્ટન મહેરબાની કરીને લાગણીઓ ઉપર થોડોક કાબુ રાખો.. અને તું હમણાં ઉભા થવાનું તો નામ જ ના લઈશ.. તારા હાથમાં ગોળી વાગ્યાંનો ઘા પડ્યો છે એટલે થોડીક વાર ડાબા હાથને હલાવ્યા વગર સૂઈ રહે. હું થોડાંક પાંદડા લઈ આવુ પછી પાંદડાઓને વાટીને તારા ઘા ઉપર બાંધી દઈએ.. પછી તને ઉભી થવામાં વાંધો નહી આવે..’ જ્હોન મેરીને બેઠી થતી અટકાવતા બોલ્યો.

જ્હોનની વાત સાંભળીને મેરી અને ક્લિન્ટને આભારવશ હકારમાં માથું ધુણાવ્યું. પછી જ્હોન મેરીના ઘા ઉપર લગાવવા માટેના પાંદડા લેવા માટે ઝાડીથી બહાર ગયો. જ્હોન બહાર ગયો એટલે ક્લિન્ટને પોતાના ખોળામાં માથું નાખીને સૂઈ રહેલી મેરીના હોઠ ઉપર ગાઢ ચુંબન કરી લીધું.

“મેરી તું મારી પત્ની બનીશ..?  મેરી ક્લિન્ટન સામે એકીટશે જોઈ રહી હતી એ જોઈને ક્લિન્ટનના મોંઢામાંથી અનાયાસે આ પ્રશ્ન સરી પડ્યો.

“હા.. તારી પત્ની પણ બનીશ અને તારા બાળકોની મા પણ..’ શરમથી આંખો મીંચી દેતા મેરી બોલી ઉઠી.

“મારા બાળકોની માં..!! ક્લિન્ટને જોરથી હસીને ફરીથી મેરીના ગાલ ઉપર ચુંબન કરી લીધું.

“જ્હોન.. ક્લિન્ટન મને બચાવો.. મને છોડાવો.. આ લોકો મને મારી નાખીશે..’ બાજુમાં સૂતેલા ગર્ગના આ શબ્દો સાંભળીને મેરી અને ક્લિન્ટન સ્તબ્ધ થઈ ગયા.

“અરે આમ શું જોઈ રહ્યા છો આ ગર્ગ અડધો ભાનમાં આવ્યો છે..  અને એ અર્ધબેભાન અવસ્થામાં બબડી રહ્યો છે..’ ફાટી આંખે ગર્ગને જોઈ રહેલા ક્લિન્ટન તરફ જોઈને મેરી બોલી.

“ઓહહ..!! ક્લિન્ટન બબડ્યો.

“હાં હવે મારું માથું નીચું મુકો અને એને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરો..’ મેરી ક્લિન્ટન સામે જોતાં બોલી.

“હા.. બિચારાના મનમાંથી હજુ પણ પેલા જંગલીઓનો ભય નથી નીકળ્યો.!! ક્લિન્ટન ધીમેથી મેરીનું માથું પોતાના ખોળામાંથી હટાવીને નીચે મૂકતા બોલ્યો.

ક્લિન્ટન ગર્ગ પાસે આવીને ગર્ગના બંને હાથ પોતાના હાથમાં લઈને બન્ને હાથે માલીસ કરવા લાગ્યો.

“એને માલીસની નહી પવનની જરૂર છે ક્લિન્ટન.. એને પવન નાખ..’ સૂતા સૂતા મેરી ક્લિન્ટન સામે જોઈને બોલી.

“હા.. પવન નાખવો પડશે..’ આમ કહીને ક્લિન્ટને બાજુમાં પડેલા જ્હોનના થેલામાંથી કપડું ખેંચી કાઢ્યું અને એ કપડાં વડે ગર્ગને પવન નાખવા લાગ્યો.

ક્લિન્ટન થોડીવાર પવન નાખતો રહ્યો પણ ગર્ગના શરીરે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી નહી. ત્યાં તો જ્હોન પણ વનસ્પતિના પાંદડા લઈને આવી પહોંચ્યો. જ્હોને ક્લિન્ટનને  મેરી પાસેથી હટી જઈને ગર્ગને આમ પવન નાખતો જોઈને આશ્ચર્ય થયું.

“શું થયું ક્લિન્ટન ગર્ગ ભાનમાં આવ્યો હતો..?  પોતાના થેલામાંથી કપડાનો નાનકડો ટુકડો નીચે બીછાવીને એની ઉપર પાંદડા મૂકતા જ્હોન બોલ્યો.

“હા.. પણ થોડુંક બબડીને ફરીથી બેભાન થઈ ગયો..’ ક્લિન્ટન નિરાશ અવાજે બોલ્યો.

“ઓહહ..! શું બબડીને એ પાછો બેભાન થયો ??  જ્હોને ક્લિન્ટન સામે જોઈને પ્રશ્ન કર્યો.

“જ્હોન મને બચાવો.. ક્લિન્ટન મને બચાવો આ લોકો મને મારી નાખશે. આવુ બોલીને એ બેભાન થઈ ગયો..’ ક્લિન્ટન જ્હોન સામે જોઈને બોલ્યો.

ક્લિન્ટન અને જ્હોન આમ વાતો કરતા હતા ત્યાં ગર્ગે આંખો ખોલી.

“ગર્ગ વ્હાલા દોસ્ત હવે તું ચિંતા ના કરીશ હવે તું સંપૂર્ણપણે સુરક્ષિત છે..’ ક્લિન્ટન ભાનમાં આવેલા ક્લિન્ટન સામે જોઈને લાગણીશીલ અવાજે બોલ્યો.

“હા.. હવે અમે તારી સાથે છીએ તને કંઈ જ નહીં થવા દઈએ..’ જ્હોન ગર્ગની પાસે આવ્યો અને ગર્ગનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યો.

ગર્ગની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ. એ બેઠો થવા ગયો પણ પેલા જંગલી લોકોએ એને બે ત્રણ કલાક જેટલો ઝાડની નીચે બાંધી રાખ્યો હતો એટલે શરીરમાં અશક્તિ આવી ગઈ હતી જેના કારણે એ બેઠો ના થઈ શક્યો. જ્હોન અને ક્લિન્ટને એને ટેકો આપીને બેઠો કર્યો. પછી ત્રણેય મિત્રો એકબીજા સાથે ભેંટીને રડી પડ્યા.

ત્રણેય મિત્રોને આવી રીતે ભેટતા જોઈને બાજુમાં સુતેલી મેરીની આંખો પણ આંસુઓથી છલકાઈ ગઈ. આ ત્રણેય આવી રીતે ભેંટી રહ્યા હતા ત્યાં મેરીનું ધ્યાન ઝાડીની સામેની બાજુથી મજબૂત લાકડું હાથમાં લઈને પોતાની તરફ આવી રહેલા એક જંગલી તરફ ગયું.

“ક્લિન્ટન સામે જો.. પેલો જંગલી..! ભયની મારી મેરીએ ચીસ પાડી.

(ક્રમશ)

Leave a Reply