કેપ્ટ્ન હેરીની શોધમાં (ભાગ-6)

જ્હોને કમરપટ્ટામાંથી રિવોલ્વર ખેંચી અને એક માણસને નિશાન બનાવીને ગોળી છોડી. પણ અફસોસ એનું નિશાન ચુકી ગયું. પેલા માણસો હવે સચેત થઈ ગયા. અને એ બધાએ પાણીમાં ડૂબકી લગાવી.  જ્હોને ફરીથી પાછળ જોયું તો કોઈ દેખાયું નહીં. અચાનક પીછો કરેલા માણસો અદ્રશ્ય થઈ જતાં જ્હોનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

ગર્ગ.. પાછળકોઈ દેખાતું નથી.. આપણો પીછો કરી રહેલા માણસો અચાનક ક્યાં ગાયબથઈ ગયા..?  જ્હોન ચિંતાથી ઘેરાયેલા અવાજે ગર્ગ સામે જોઈને બોલ્યો.

“અરે.. હા આ માણસો અચાનક ક્યાં ઓગળી ગયા..? ગર્ગે પાછળ ફરીને જોયું તો એની આંખો પણ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

મેરી અને ક્લિન્ટનને પણ આ ઘટનાનું ખુબ આશ્ચર્ય થયું. કારણ કે જ્હોને ગોળી છોડ્યા બાદ અચાનક એકાએક એમનો પીછો કરી રહેલા માણસો અદ્રશ્ય બની ગયા હતા.

ક્લિન્ટનહોશિયાર રહેજો એ લોકો પાણીમાં જ ક્યાંક આજુબાજુ હશે હમણાં હુમલો કરશે..’ મેરીએ ક્લિન્ટન સામે જોઈને શાબદા રહેવા કહ્યુ.

મેરીએ હજુ પોતાનું વાક્ય માંડ પુરુ કર્યું ત્યાં તો ગર્ગ કારમી ચીસ પાડીને ઢળી પડ્યો. અને પાણીમાં જ અદ્રશ્ય થઈ ગયો. એકાએક આવુ થવાથી ક્લિન્ટન , મેરી અને જ્હોન ત્રણેય હેતબાઈ ગયા. શું કરવું એ એમને સમજાયું નહીં.

ક્લિન્ટન એ લોકો પાણીમાં આપણી સાથે ખેલ ખેલી રહ્યા છે..’ બોલતા બોલતા મેરીનો અવાજ એકદમ ઢીલો થઈ ગયો.

“હવે શું કરીએ..?  ક્લિન્ટને ગભરાયેલા અવાજે ક્લિન્ટન બોલ્યો.

“હવે જલ્દી ભાગો.. નહિતર આપણા પણહાલગર્ગ જેવા થશે..’ મેરી બોલી.

મેરી , ક્લિન્ટન અને જ્હોન પાણીમાં ઝડપથી આગળ વધવા લાગ્યા.પાણીમાં આગળ વધવું બહુજ મુશ્કેલીભર્યું હતું છતાં આ અણધારી મુશીબતે એમના હાજા ગગડાવી દીધા હતા.

ક્લિન્ટન ત્યાં જો પેલા ગર્ગને ઉઠાવીને જઈ રહ્યા છે..’ જ્હોને  ક્લિન્ટન તરફ જોઈને બુમ પાડી.

કઈ બાજુ..?  જ્હોનની બુમ સાંભળીને ક્લિન્ટને હાંફળા-ફાંફળા બનીને આજુબાજુ જોયું પણ કંઈ દેખાયું નહીં..

“અરે…કિનારા તરફ ડાબી બાજુએ જો.. જલ્દી જો નહિતર એ લોકો જંગલમાં ઘૂસી જશે..’ જ્હોને સામેના કિનારા તરફ એક હાથ લાંબો કરીને ચીસ જેવા અવાજે કહ્યું.

“હા.. ત્યાં જો..’ મેરીએ ક્લિન્ટનનો હાથ પકડીને સામેની દિશામાં ઇસારો કર્યો.

ઓહહ..! ગર્ગને ટીંગાટોળી કરીને લઈ જતાં માણસોને જોતાં જ ક્લિન્ટનના મોંઢામાંથી શબ્દો સરી પડ્યા.

“અરે.. હવે સમય નથી આપણી પાસે જલ્દી ચાલો ગર્ગને ક્યાંક મૂકીને આ લોકો ફરીથી આવશે..આપણે સાબદા રહેવું પડશે..’ જ્હોન ક્લિન્ટન અને મેરી તરફ જોતાં બોલ્યો અને પછી ઝડપથી પાણીમાં આગળ વધવા લાગ્યો.

જ્હોનની પાછળ મેરી અને ક્લિન્ટન પણ પાણીમાં ઝડપથી આગળ વધવા લાગ્યા. કિનારો હવે બહુ દૂર નહોતો એટલે થોડીક વારમાં ત્રણેય કિનારા પાસે છીછરા પાણીના કાદવ સુધી આવી પહોંચ્યા.

ક્લિન્ટન.. મારા પગ આ કાદવમાં ખૂંપી જાય છે મને બહાર નીકળવામાં મદદકર..’ મેરી કંટાળેલા અવાજે બોલી.

      કિનારા પાસેનું નદીનું પાણી છીછરું અને કાદવવાળું હતું એટલે મેરીના પગ કાદવમાં ખૂંપી જતાં હતા.મહામહેનતે એ પોતાના પગ કાદવમાંથી બહાર ખેંચીને આગળ મૂકતી હતી. હવે ક્લિન્ટનથી સહન ના થયું એણે મેરીને પોતાના બન્ને હાથમાં ઊંચકી લીધી અને આગળ વધવા લાગ્યો.  કિનારો હવે દસેક મીટરના અંતરે હતો. જ્હોન તો આ બન્ને કરતા પહેલા કિનારે પહોંચી ગયો હતો. ક્લિન્ટન પણ થોડીક વારમાં મેરીને લઈને બહાર નીકળી ગયો.

બહાર નીકળતાની સાથે જ મેરીએ ક્લિન્ટનના હોઠો પર પ્રગાઢ ચુંબન કરી લીધું. આમ અચાનક મેરીએ ચુંબન કર્યું એટલે ક્લિન્ટન એકદમ હેતબાઈ ગયો. જયારે જ્હોનનું ધ્યાન આ બંને તરફ ગયું ત્યારે જ્હોન પણ આ દ્રશ્ય જોઈને એકદમ સડક થઈ ગયો.  પણ  જ્હોન તરત સમજી ગયો કે મેરીનું આ ચુંબન એ ક્લિન્ટન અને મેરી વચ્ચેના મૌન પ્રેમની નિશાની છે.

“અરે.. હવે તમે બંને આ બધું રહેવા દેશો કે નહીં આપણે આગળ વધવાનું છે..’ ક્લિન્ટન અને મેરી એકબીજાના આલિંગનમાં ડૂબેલા હતા એ જોઈને જ્હોન અવળો ફરીને મોટા અવાજે બોલ્યો.

જ્હોનનો અવાજ સાંભળીને ક્લિન્ટન અને મેરી પોતાના પ્રેમ પ્રણયમાંથી બહાર આવ્યા. અને એકબીજા સામેં શરમાયેલી નજરે જોવા માંડ્યા.

“આપણા એક દોસ્તને આ જંગલીઓ પકડીને લઈ ગયા છે એને છોડાવવાની વાત તો દૂર રહી અને આવા જ સમયે તમને બન્નેને આ બધું સૂઝે છે..’ જ્હોન મેરી અને ક્લિન્ટન પાસે આવીને ઠપકાભર્યા અવાજે બોલ્યો.

માફ કરશો જ્હોન.. ઉતાવળમાં મારાથી લાગણીઓઉપર કાબુ ણા રહ્યો અને આ બધું થઈ ગયું..’ મેરી શરમથી લાલ થઈ ગયેલા ચહેરે બોલી.

ક્લિન્ટન હવે આ બાબતે તારે કંઈ કહેવું છે..’ જ્હોન ક્લિન્ટન સામે ધારદાર નજરે જોતાં બોલ્યો.

“એમાં હું શું કરું.. મેરીએ આવેશમાં આવીને મને ચુંબન કરી દીધું પછી હું તો એના પ્રેમના પ્રવાહમાં તણાઈ ગયો..’ આમ કહીને ક્લિન્ટને શરારતી નજરે મેરી સામે જોયું અને હસી પડ્યો.

“હવે બધો દોષનો ટોપલો મારા ઉપર ના ઠાલવીશ તું..’ મેરી એના મોંઢા ઉપર બનાવટી ગુસ્સો લાવીને  ક્લિન્ટનની પીઠ પાછળ ધબ્બો મારતા બોલી.

મેરીની વાત સાંભળીને ક્લિન્ટન અને જ્હોન જોરથી હસી પડ્યા. મેરી પણ ક્લિન્ટનને ભેંટીને એની છાતીમાં મોઢું છુપાવીને હસી પડી.

જ્હોન હવે.. શું કરીએ..?  પેલા લોકો ગર્ગને ઉઠાવીને લઈ ગયા છે એમનો પીછો કરીએ..?  થોડીક વાર હસ્યાં પછી ક્લિન્ટનને ગર્ગનું સ્મરણ થતાં એના મોંઢા ઉપર ગંભીરતા છવાઈ ગઈ અને એ જ્હોન સામે જોઈને બોલ્યો.

“ગર્ગને બચાવવા એ લોકોનો પીછો કરવાં સિવાય આપણી પાસે બીજો ઉપાય નથી..’ જ્હોન ગંભીર ચહેરે બોલ્યો.

“જો.. પીછો કરવો હોય તો આપણે ઝડપથી આગળ વધવું પડશે.. નહિતર એ લોકો બહુજઆગળ નીકળી જશે..’ મેરી જ્હોન અને ક્લિન્ટન સામે જોતાં બોલી.

“હા.. જલ્દી ચાલો એ લોકો છટકવા ના જોઈએ..’ જ્હોને  પોતાનો થેલો ખભે સરખી રીતે લટકાવ્યો અને કમરપટ્ટામાં રહેલી રિવોલ્વર સરખી રીતે ચેક કરતા બોલ્યો.

હવે આ ત્રણેય સાહસિકો ક્લિન્ટન , મેરી અને જ્હોન નદીના કિનારે ડાબી તરફ આગળ વધવા લાગ્યા. નદીના કિનારા ઉપર જ મોટા પ્રમાણમાં વૃક્ષો હતા. નાનું મોટુ ઘાસ પણ ઉગી નીકળ્યું હતું. સામાન્ય રીતે ગમે તે નદીના કિનારાનો પ્રદેશ થોડોક રેતાળ હોય છે પણ આ નદીના કિનારાનો પ્રદેશ ચીકણી માટી વાળો હતો. એટલે લપસી ના જવાય એ રીતે ત્રણેય સાવચેતી પૂર્વક આગળ વધી રહ્યા હતા.

ક્લિન્ટનજુઓ.. આ લોકો અહીંથી જંગલતરફ ગયા છે..’ નદીકિનારાની માટીમાં પગલાંના નિશાન જોતાં જ્હોન બોલ્યો.

“હા.. તો હવે તારી રિવોલ્વરબહાર કાઢી લે.. આપણે એ તરફઆગળવધીએ..’ ક્લિન્ટન જ્હોન સામે જોતાં બોલ્યો.

જ્હોને પોતાના કમર પટ્ટામાં ખોસેલી રિવોલ્વર બહાર કાઢી અને એ પગલાના નિશાનના આધારે જંગલ તરફ આગળ વધવા લાગ્યો. ક્લિન્ટન અને મેરી પણ જ્હોનની પાછળ પાછળ જવા લાગ્યા.

    જંગલમાં નાનું ઘાસ ઉગી નીકળ્યું હતું એટલે એ લોકો જ્યાંથી ચાલ્યા હતા એ જગ્યાએ ઘાસ છૂંદાઇ ગયું હતું. જ્હોન , ક્લિન્ટન અને મેરી એના આધારે આગળ વધી રહ્યા હતા.

થોડાક આગળ ગયા કે આગળ ચાલી રહેલા જ્હોને ક્લિન્ટન અને મેરીને થંભી જવાનો ઇસારો કર્યો. મેરી અને ક્લિન્ટને આગળની દિશામાં આવેલી ઝાડી તરફ કાન માંડ્યા તો ઝીણી વાતચીતનો અવાજ એમના કાને પડ્યો. ક્લિન્ટન અને મેરીએ એ અવાજ કોનો હશે એની અસંમજમાં એકબીજા સામે જોયું. જ્હોન પોતાની રિવોલ્વરને એ ઝાડી તરફ આગળ તાકીને ઝાડી તરફ અવાજ ના થાય એ રીતે ડગ માંડ્યા.

(ક્રમશ)

Leave a Reply