રાગ અનુરાગ (ભાગ ૧)


એમ તો ચોમાસુ એ અંજલિ ની સૌથી પ્રિય ઋતુ હતી. ચોમાસામા ચોધાર વરસતો વરસાદ અને વીજળી ના કડાકા એને ગજબ ઓ આનંદ અને શાંતિ આપતા હતા. કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ચમકારા, અંધારી રાત માં બેસી ને કલાકો સુધી જોયા કરવામાં એને એક અજબ પ્રસન્નતા મળતી. પરંતુ કોણ જાણે આજે આ પ્રકાર ની જ એક રાત્રી બેચેની લઇ ને આવી હતી. મન ને શાંતિ આપતો વરસાદ એક અજબ પ્રકાર ઓ ડર લઇ ને આવ્યો હતો. રહી રહી ને અંજલિ ને કશુંક અમંગળ બનવાનું નું હોય એવો આભાસ આપતો હતો. અંજલિ એ ક્યાંય વાંચ્યું હતું કે સ્ત્રીઓ ને ગજબ ની સિક્સથ સેન્સ હોય છે. કશુંક સારું કે ખરાબ થવાની ઘટના ની આશંકા સ્ત્રીઓ ને પેહેલા થી આવી જતી હોય છે, એ વિચારે એનું મન વધુ બેચેન થવા માંડ્યું. એ મનોમન ભગવાન ને પ્રાર્થના કરવા લાગી.

“બેટા હજુ સુતી નથી? કઈ ચિંતા છે? ઊંઘ નથી આવતી? હજી સુધી રૂમ માં લાઈટ નો પ્રકાશ જોયો તો થયું કે એક વાર પૂછી લઉં?” ભાવનાબેન બહાર આવ્યા. એમણે અંજલિના તરફ ચિંતાતુર નજરો થી જોયું.
“ના મમ્મી આજે ઊંઘ નથી આવતી.” અંજલિ એ કહ્યું.
“સાચું બોલે છે ? કોઈ ચિંતા ની વાત તો નથી ને? કઈ હોય તો તું મને કહી શકે છે.” ભાવના બેન એ અંજલિ ના ખભા પર હાથ મુક્યો અને કહ્યું.
“ના મમ્મી એવું કશું નથી પરંતુ સાચું કહું તો આજે કોઈ અજાણી ચિંતા થાય છે. ઊંઘ નથી આવતી, મન બેચેન છે.” અંજલિ ચિંતાતુર અવાજ માં કહ્યું.
“રાગ જોડે વાત થઇ?”
“હા મમ્મી અડધો કલાક પેહેલા જ કામ પતાવી હોટેલ પર રોકાય છે. અને કાલે સવારે ઘરે આવવા માટે નીકળશે.”
“સારું સુઈ જવા પ્રયત્ન કર હવે. મેં એટલા માટે જ કહ્યું હતું કે રાગ ને નોકરી ના લીધે બહાર ગામ રહેવાનું થાય છે. તું પણ કઈ શોખ માટે શોધી લે. નહિ તો એના ભરોસે અહીં કંટાળશે.” એમ અહીં ભાવના બેન એ અંજલિ આ ગાલ પર ટપાલી મારી અને ચાલ્યા ગયા. એમની સાથે વાત કરી એ અંજલિ નો ડર ઓછો થયો અને સુવા ચાલી ગઈ.
ઊંઘ તો નહોતી આવી પણ ભાવના બેન એ કહેલી વાત પર વિચારવા માંડી. એણે મનોમન વિચાર્યું, “સાચું જ તો કહ્યું છે મમ્મી એ. ઘર તો મમ્મી અને નોકરો સાચવી લે છે.” લગ્ન ને એક વર્ષ થવા આવ્યું હતું. અંજલિ રાજકોટ થી બરોડા શિફ્ટ થઇ હતી. કોલેજ પતાવી કે તરત જ બાવીસમાં વર્ષે બરોડા ના સારા સમૃદ્ધ પરિવાર માંથી માંગુ આવ્યું હતું. “પૈસે ટકે સારું પરિવાર છે અને એમનો એક નો એક દીકરો છે.” એમ અંજલિ ની મમ્મી સલાહ આપી હતી “એક વાર મળી જુઓ. નોકરી તો લગ્ન પછી શોધી લેજે.” અંજલિ પથારી માં એક પછી એક અતીત ના વીતેલા પળો ને યાદ કરવા લાગી. લગ્ન પેહેલા ત્રણ વાર એની રાગ સાથે મુલાકાત થઇ હતી અને એ ત્રણ મુલાકાત માં તો એને અંજલિ નું દિલ જીતી લીધું હતું. પ્રથમ મુલાકાત માં જ અંજલિ એ મજાક માં રાગ ને પૂછ્યું હતું કે, “ખુબ જ અલગ નામ છે તમારું. તમને નક્કી સંગીત નો શોખ હશે!” રાગ એ હસી ને જવાબ આપ્યો હતો,”ના ના ફક્ત મારુ નામ જ રાગ છે.

Advertisement

બાકી એવા કોઈ સંગીત પ્રેમ ના લક્ષણો મારા માં નથી.” આ જવાબ સાંભળી ને અંજલિ ખડખડાટ હસી પડી. અને અંજલિના આ હાસ્ય પર જ રાગ મોહિત થઇ ગયો હતો. રાગ ના પપ્પા નો પોતાનો ફેમિલી બિઝનેસ હતો. પરંતુ એ સાંભળવા પેહેલા એ પોતાના પગ ઉપર ઉભો રહેવા નોકરી કરવા માંગતો હતો. એટલે જ એક કંપની માં એણે માર્કેટિંગ ની જોબ સ્વીકારી હતી. પરંતુ એ હિસાબે એને ઘણો ટાઈમ બહાર રહેવાનું થતું. અંજલિ ના સાસુ સસરા ભાવના બેન અને વિજય ભાઈ ખુબ સારા હતા. અંજલિ ને કોઈ પણ વાત ની તકલીફ ના પડે એનું ધ્યાન રાખતા હતા. પરંતુ સવાર પડતા બધા પોતપોતાના કામ આ વ્યસ્ત થઇ જતા હતા. “કાલે નક્કી કોઈ કામ શોધી લઈશ ક્યાં તો નોકરી!” એવું મનોમન નક્કી કરી એ અંજલિ સુવા પ્રયત્ન કર્યો.

સવાર થવા આવી હતી. અંજલિએ ઘડિયાળ માં જોયું તો પોણા પાંચ વાગ્યા હતા. હજી વરસાદ ચાલુ જ હતો. પરંતુ હવે એની ઊંઘ ઉડી ગઈ હતી. એ ઉભી થઇ. ઘર માં હજી બધા સુતા હતા. કોઈને ખલેલ ન પહોંચે એ રીતે એણે ફ્રીઝ માં થી જ્યુસ લઇ ને ગ્લાસમાં રેડ્યું અને રૂમ માં ચાલી ગઈ. સમય પસાર કરવા એક કલાક યોગા કર્યું અને ઘડિયાળ માં જોયું તો છ વાગ્યા હતા. હવે બધા ઉઠશે એવું વિચારી તૈયાર થઇ ગઈ. રસોડા માં જય બધા માટે ચા નાસ્તો તૈયાર કર્યો અને ટેબલે પર સર્વ કર્યો એટલા માં જ ભાવનાબેન અને વિનોદ ભાઈ આવ્યા.
“બેસો મમ્મી પપ્પા ચા નાસ્તો તૈયાર છે.” અંજલિ એ નાસ્તા માટે ડીશ સરખી કરતા કહ્યું.
“અરે દિકરા તે શું કામ તકલીફ કરી? જયેશભાઇ આપણા મહારાજ છે જ ને !” વિજયભાઈ બોલ્યા.
“એક દિવસ તો મને કરવા દો પપ્પા. ઉપર થી મહારાજને પણ એક દિવસ આરામ મળી જશે. અને મને પણ આખો દિવસ ઘર માં એટલું કામ નથી હોતું.” અંજલિ નાસ્તો પીરસતા બોલી
“મેં એજ એને કાલે કહ્યું કે, તારે કોઈ કામ ક્યાં તો શોખ હોય તો કરવા માંડ. આ રીતે રાગ ની પાછળ તો તું કંટાળી જઈશ.” ભાવનાબેન બોલ્યા.
“હા મમ્મી હું એજ વિચારતી હતી કે નોકરી માટે કોઈ ઓપ્શન શોધી લઉ” અંજલિએ પ્રશ્ન ભરી નજરે વિજયભાઈ સામે જોયું.
“અરે એમાં પૂછવાનું શું મેં તમને પેહેલા જ કહ્યું હતું કે તમે ઘર પોતાનું જ સમજજો. અને બધા નિર્ણયો સ્વતંત્રત લેવાની પરવાનગી છે. અરે પરવાનગી પણ પૂછવાની ના હોય એમાં. વિજયભાઈ બોલ્યા.
“સારું આજે રાગ આવે એટલે એમની સાથે વાત કરી લઈશ.”
“અરે એના પર થી યાદ આવ્યું, ક્યાં છે રાગ એની સાથે વાત થઇ?”
“હા પપ્પા કાલે રાત્રે હોટેલ પહોંચ્યા પછી થઇ હતી. રાત ત્યાં રોકાઈ સવારે આવવા માટે નીકળવાના હતા. પણ આઠ વાગ્યા પછી ફોન કરીશ.” અંજલિ એ કહ્યું.
“હા એમ પણ એ સાહેબ આઠ વાગ્યા પેહેલા ક્યાં ઉઠે જ છે!“ વિજય ભાઈ હસતા હસતા છાપું પકડ્યું.

એટલા માં જ ટેલિફોને ની ઘંટડી રણકી. વિજયભાઈ હસ્યાં, “સો વર્ષનો થશે ! જા ફોને ઉપાડ. આઠ વાગ્યા છે એટલે રાગ જ હશે.”
અંજલિ ફોન ઉપાડવા ગઈ.
“હેલો ! મિસ્ટર રાગ મેહતા ના ઘરે થી વાત કરો છો?” સામે થી અવાજ આવ્યો.
“હા હું એમની પત્ની બોલું છું. એ અત્યારે ઘરે નથી તમે કોઈ કામ હોય ઓ મને મેસેજ આપી શકો છો.”
સામે થી પ્રત્યુત્તર આવ્યો. પરંતુ અંજલિ ના હાથ માં થી રીસીવર નીચે પડી ગયું. એ સ્તબ્ધ થઇ ગઈ. અચાનક એનું મન કામ આપતું બંધ થઇ આવ્યું હોય એવું લાગ્યું. જાણે એ કોઈ સપનું જોતી હોય! અવાજ સાંભળી ભારતીબેન અને વિજયભાઈ દોડી આવ્યા.
“શું થયું દિકરા કોનો ફોન હતો?” ભારતીબેન અંજલિ ને પૂછવા મંડ્યા. વિનોદભાઈએ ફોન નું રીસીવર પકડ્યું પરંતુ ફોને કપાઈ ગયો હતો. અંજલિની આંખ માં થી આંસુ વહેવા લાગ્યા. ચક્કર આવતા હોય એમ લથડિયાં ખાલી એ સોફા પર બેસી ગઈ.
“શું થયું દીકરા કઈ બોલીશ?” ભારતીબેનએ અંજલિનો હાથ પકડ્યો અને પૂછવા માંડ્યા.
અંજલિ ને બોલવા માટે જીભ ઉપાડી.”રાગ…
રાગ….”

Leave a Reply