અંજલિ પોતાના ટેબલ ઉપર બેસી ને કશુંક લખી રહી હતી. અનુરાગ એ જોઈ પાસે આવ્યો. અંજલિ કશું લિસ્ટ જેવું લખી રહી હતી અને ઊંડા વિચારો માં ખોવાયરલી હતી. અનુરાગ ખુરશી ખેંચી પાસે બેઠો છતાંય એનું ધ્યાન ગયું નહોતું.
“કશે ખોવાયેલા લાગો છો ?” અનુરાગ એ પૂછ્યું.
અંજલિ જાણે ઝબકી ને જાગી ગઈ હોય એવું અનુરાગ ને લાગ્યું. એણે પોતે જે લિસ્ટ લખ્યું હતું એને સંતાડવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.
“તમને મેગેઝીન માટે કોઈ આઈડિયા મળી લાગે? “ અનુરાગ એ પૂછ્યું.
અંજલિ ને થોડી વાર શું જવાબ આપવો એ ખબર નહીં પડી. પછી એને આખી વાત સંતાડવા પ્રયત્ન કર્યો. “હા! આ મહિના ના આર્ટિકલ માટે જ વિષય પસંદગી ના વિચારો માં હતી.” અંજલિ એ ખોટું બોલવા પ્રયત્ન કર્યો. હકીકતે તો એ ડો.રાગીણી એ આપેલી ગૃહકાર્ય કે જેમાં એણે પોતાના ધ્યેય લખવાના હતા એ લખી રહી હતી. પરંતુ અનુરાગ હતો તો એનો બોસ ! એના હાથે પકડાઈ જવાની બીકે અંજલિ એ આખી વાત ફેરવી નાખી. “અચ્છા શો વિચાર છે ? બતાવો !”કહી અનુરાગ એ પેલો કાગળ ખેંચ્યો.
અંજલિ કશું વિચારી શકે એ પહેલા તો કાગળ અનુરાગ ના હાથ માં હતો. અનુરાગ લિસ્ટ વાંચી રહ્યો હતો. એ કાગળ પર કશું લખ્યું હતું કશું છેકી નાખ્યું હતું. વળી પાછું કશું લખ્યું હતું. “લેખન કાર્ય , યુરોપ ટ્રીપ આ શું છે ?” અનુરાગ એ પ્રશ્ન કર્યો . “આ તો બકેટ લિસ્ટ જેવું લાગે છે. હા એજ મારો આઈડિયા હતો, બકેટ લિસ્ટ. તમને ખબર છે કે જીવનન ના ધ્યેય કે કશું પામવા કે મેળવવા માટે ના ધ્યેય ને યુવાનો બકેટ લિસ્ટ નામ આપે છે. એ જ તમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. મારો વિચાર એ હતો. મેગેઝીન માં આર્ટિકલ માટે આ એક વિષય પસંદ કરીએ.”
અનુરાગ હસ્યો. “અંજલિ હજી આપણી પણ એટલી ઉમર નથી થઇ. અને હા આઈડિયા સારો છે. એક કામ કરો તમે એના પર લેખ લખવાનું શરુ કરો.”
“પણ સર….” અંજલિ કશું બોલવા જતી હતી.
“અનુરાગ”
“અચ્છા ! અનુરાગ. પરંતુ મેં કોઈ દિવસ લેખ નથી લખ્યો. અહીં પણ હું માત્ર સંપાદન નું કામ કરું છું. લખવું એ ક્રિએટિવ કામ છે.”
“પરંતુ એ આઈડિયા તમારો છે. અને તમારા પોતાના વિચારો પર લેખ માં તમે પોતે વિષય ને સંપૂર્ણપણે ન્યાય આપી શકો.”
“પણ….”
“તમે શરુ તો કરો. પછી હું જોઈ લઈશ.” કહી અનુરાગ ત્યાં થી ચાલી નીકળ્યો. અંજલિ કશું બોલી શકી નહિ. હવે અંજલિ માટે વધુ એક જવાબદારી ઉમેરાઈ હતી. ડો. રાગીણી નું ગૃહકાર્ય અને આ આર્ટિકલ. આખું અઠવાડિયું વ્યસ્તતા માં ક્યાં પૂરું થયું એનો અંજલિ ને ખ્યાલ જ નહોતો આવ્યો. અને શનિવાર આવી ગયો. ડો. રાગીણી એ અંજલિ ને આવકાર આપ્યો અને બેસાડી ને પૂછ્યું, “હોમવર્ક પૂરું કર્યું છે ?” અંજલિ એ કૈક અચકાઈ ને માથું હલાવ્યું. અને કહ્યું, “કોશિશ કરી છે.” અને અંજલિ એ પાકીટ માં થી એક નાનકડો કાગળ બહાર કાઢ્યો.
“તો કહો”
“હું નાની હતી ત્યારથી મને મારી કારકિર્દી બનાવવાનો ખુબ શોખ હતો. પરંતુ કોલેજ પતી કે તરત જ મારા લગ્ન લેવાઈ ગયા. હું ના નહોતી પાડતી કે હું લગ્ન પછી ખુશ નહોતી. પરંતુ ત્યાર પછી કારકિર્દી માટે ની તક જ નહોતી મળી. રાગ એ પણ કોઈ વાર ના પૂછ્યું.” કઈ અચકાઈ ને અંજલિ બોલી. “આજે મને લાગે છે કે હું કારકિર્દી બનાવવા પર ધ્યાન આપી શકું છું. કદાચ એજ કારણ હોય મારી આત્મહત્યા ન કરવા પાછળનું.” અંજલિ આજે એના દિલ માં જે હતું એ એકદમ ખુલ્લા મન એ બોલી ગઈ. ડો. રાગીણી એની સામે જોઈ રહ્યા.
(ક્રમશ:)