રાગ અનુરાગ (ભાગ-8)

અંજલિ એ કામ માં મન લગાવવા પ્રયત્ન કર્યો ત્યારે અચાનક એને ક્યાંક અવાજ સંભળાયો હોય એવું લાગ્યું.
“રાગ…”


અંજલિ ને જાણે સ્વપ્ન જોતી હોય એવું લાગ્યું. એનું દિલ દિમાગ કામ આપતું બંધ થઇ ગયું. એણે જોર થી આંખો મીંચી હાથ કાન ઉપર મૂકી દીધા. અને ક્યાં સુધી ટેબલ પર બેસી રહી. એના સહાયકો એને જોઈ રહ્યા પરંતુ કઈ પૂછવાની હિમ્મત ના થઇ. થોડીવાર પછી એકાએક અંજલિ ઘરે ચાલી નીકળી.

ઘડિયાળ માં પોણા અગિયાર થયા હતા. ભાવનાબેન ને ડોરબેલ નો અવાજ સંભળાયો અત્યારે કોણ હશે એમ કરી તેઓ ઉતાવળે દરવાજો ખોલવા ગયા. અંજલિ ને બારણે ઉભેલી જોઈ એમને આશ્ચર્ય થયું પરંતુ અંજલિ ના ચહેરા ની અસ્વસ્થતા તેઓ કળી ગયા. એમણે અંજલિ ને કશું પૂછ્યું નહિ. અંજલિ સીધી રૂમ માં ચાલી ગઈ અને સુઈ ગઈ. થોડી વાર ભાવનાબેન એ એને સુવા દીધી. મગજ શાંત થશે તો આપોઆપ ગુસ્સો ઉતારી જશે એ વિચારે કશું પૂછ્યું નહિ. થોડી વારે તેઓ અંજલિ ના રૂમ માં ગયા અને ધાબળો સરખો કરી ને ઓઢાળડયો અને કશું પણ બોલ્યા વગર એની પાસે એના માથા પર હાથ ફેરવતા બેસી રહ્યા. તેઓ અંજલિ ની હાલત સારી રીતે સમજતા હતા. કશું પણ બોલી કે પૂછી ને તેઓ અંજલિ ને વધારે તકલીફ આપવા માંગતા નહોતા. અંજલિ એ પડખું ફેરવી ને એમના ખોળા માં માથું મૂક્યું અને કહ્યું, “મમ્મી, પપ્પા ને કહો કે આ શનિવારે સાઈકોલોજીસ્ટ ની એપોઇમેન્ટ લઇ લે.” વિજયભાઈ દરવાજા પાસે જ ઉભા હતા. ભાવનાબેન એ એમની તરફ ફક્ત ઈશારો જ કર્યો અને એના માથા પર હાથ ફેરવતા બેસી રહ્યા.

બીજા દિવસે સવારે અંજલિ સવારે ઓફીસ જવા તૈયાર થઇ. નાસ્તા માટે ટેબલ પર આવી. ઊંઘ ને લીધે થોડી ફ્રેશ લાગતી હતી. મન થોડું શાંત થયું હોય એવું લાગતું હતું. માટે ગઈ કાલે બનેલી ઘટનાની ચર્ચા ના કરવી જોઈએ એમ વિચારી કોઈ કઈ બોલ્યું નહીં. ઔપચારિક વાત કરી અંજલિ ઓફિસ જવા નીકળી. ઓફિસે આવી ને સીધી એ પોતાના ટેબલ પર પોતાનું પેન્ડિંગ કામ પતાવવામાં મશગુલ થઇ ગઈ. થોડીવાર પછી
મિસ્ટર અનિરુદ્ધ કશ્યપ એની તરફ આવ્યા અને પૂછ્યું, “આજે તમારી તબિયત કેવી છે? અંજલિ એ ઔપચારિક હાસ્ય સાથે માથું ધુણાવ્યું.
“કોઈ જરૂર જણાય તો ચોક્કસ કહેજો.” કહી મિસ્ટર કશ્યપ પોતાની કેબીન તરફ ચાલ્યા ગયા. અંજલિ ફરી પોતાના કામ માં મશગુલ થઇ ગઈ. એકાએક ફરી એને અવાજ સંભળાયો
“રાગ.. રાગ..”
આ વખતે અંજલિ ને ખબર હતી કે આ તેનો ભ્રમ નહોતો. એનું હૃદય જાણે એક થડકારો ચુકી ગયું. એને શરીરે પરસેવો વળી ગયો. એના હૃદય માં જાણે એક નવી આશા નો સંચાર થયો
એ અવાજ ની દિશા માં ઝડપ થી દોડી અને આમ તેમ નજર ફેરવી. રાગ હમણાં દેખાશે એ આશા સાથે એને શોધવા માંડી. અવાજ મિસ્ટર કશ્યપ ની કેબીન તરફ થી આવતો હતો. એ હાંફળી ફાફળી એ તરફ ગઈ ત્યાં એને એકાએક મિસ્ટર કશ્યપ દેખાયા. એમણે અંજલિ ને જોઈ ને પૂછ્યું, “તમારી તબિયત ઠીક છે ને? કોઈ ને શોધો છો ?” અંજલિ થોડી વાર વિચારી ને બોલી, “ના આ તો મને લાગ્યું કોઈ મને બોલાવે છે.” એમ કહી અંજલિ એ વાત ને પલટાવવા પ્રયત્ન કર્યો.
“ના ના તમને કોઈ ગેરસમજ થઇ લાગે છે. ખેર જવા દો તમે આવ્યા જ છો તો હું તમને કોઈ ને મળવવા માંગું છું. આ છે મારો દીકરો રાગ. આઈ મીન અનુરાગ. અનુરાગ પંડ્યા.
કાલે જ સવારે અમેરિકા થી પાછો આવ્યો છે. હવે થોડા સમય માટે અહીં કામ જોશે.”

આ સાંભળ્યા પછી અંજલિ ના કાન જાણે બંધ થઇ ગયા હોય એમ આગળ મિસ્ટર કશ્યપ શું બોલ્યા એ તરફ અંજલિ નું જરા પણ ધ્યાન નહોતું. ના તો એણે અનુરાગ ના ચહેરા તરફ જોયું.
અનુરાગ એ અંજલિ તરફ હાથ લંબાવ્યો પરંતુ અંજલિ હજુ પણ સ્તબ્ધ હતી. જયારે એણે રાગ નામ સાંભળ્યું ત્યારે એના મન માં રાગ ને મળવાની એક નાની સરખી આશા મળી હતી. પરંતુ મિસ્ટર કશ્યપ ની વાત સાંભળી અંજલિ ફરી એક વખત ભાંગી પડી. જે દુઃસ્વપ્ન એ ભૂલવા માંગતી હતી એ ફરી એકાએક એને યાદ આવી ગયું. રાગ ના ચાલ્યા જવાની ઘટના એના મન પાર ફરી ફિલ્મ ની પટ્ટી માફક ચાલવા માંડી.
“એક્સક્યુઝ મી.” કહી અંજલિ વોશરૂમ તરફ ચાલી ગઈ.

અંજલિ એ ચહેરા પર ઠંડા પાણી ની છાલક મારી ચહેરો સાફ કર્યો. બે ત્રણ ઊંડા શ્વાસ લઇ જે પરિસ્થિતિ છે એનો હિમ્મત પૂર્વક સામનો કરવો એવું મનોમન નક્કી કરી બહાર આવી. અને પોતાના ટેબલ પાર બેસી પોતાના કામ માં ધ્યાન આપવા પ્રયત્ન કર્યો.

ત્યાં જ કોઈ આવ્યું હોય એવું લાગ્યું. એણે ઉપર તરફ જોયું તો અનુરાગ હતો.
“હાઈ !” અનુરાગ એ અંજલિ તરફ પોતાનો હાથ લંબાવ્યો હતો.

(ક્રમશ:)

Leave a Reply