સંજોગ
દેવેન્દ્ર પ્રસાદ દિલ્હી જવાની તૈયારી કરતાં હતાં. તેમની પાછળ રોશને પોતાનાં જ પપ્પાને બરબાદ કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
ભાગ-૧૧
સવાર પડતાં જ દેવેન્દ્ર પ્રસાદ દિલ્હી જવા નીકળી ગયાં. રોશન તરત જ તેનાં પપ્પાની ઓફિસમાં પહોંચી ગયો. રોશને દેવેન્દ્ર પ્રસાદની ઓફિસમાંથી એક ફાઈલ કાઢી, અને તે શિવમના આવવાની રાહ જોવા લાગ્યો.
રોશન દેવેન્દ્ર પ્રસાદની ખુરશી પર બેઠો હતો. ઓફિસનો સ્ટાફ હજું સુધી આવ્યો ન હતો. થોડીવાર થતાં જ ઓફિસનો દરવાજો ખૂલ્યો. સામે શિવમ ઉભો હતો.
“આ તે મને કહી હતી એ ફાઈલ…હવે તારે જે કરવાનું હોય તે કામ ચાલું કરી દે. પપ્પા દિલ્હીથી આવે, એ પહેલાં આ કંપનીનું નામોનિશાન મટી જવું જોઈએ.” રોશને ફાઈલ શિવમના હાથમાં આપી દીધી.
શિવમ ફાઈલ ખોલીને જોવાં લાગ્યો. એ ફાઈલ છેલ્લાં એક મહિનાથી દેવેન્દ્ર પ્રસાદની કંપની ખરીદવાં માંગતા દિનાનાથ ચૌધરીની હતી. તેઓ આ કંપની પાડીને, કંપનીની જગ્યાએ એક એપાર્ટમેન્ટ મનાવવા માંગતા હતાં. પણ દેવેન્દ્ર પ્રસાદ પોતાની કંપની વેંચવા તૈયાર જ ન હતાં. કેમકે, દિનાનાથ ચૌધરી એ એપાર્ટમેન્ટ ગરીબોને રહેવા માટે બનાવવા માંગતા હતાં.
શિવમ અને રોશન એ ફાઈલ લઈને દિનાનાથ ચૌધરી પાસે ગયાં. ત્યાં જઈને શિવમે રોશનની મદદથી દેવેન્દ્ર પ્રસાદના હસ્તાક્ષર કોપી કરી લીધાં. રોશન પહેલેથી જ પોતાનાં પપ્પાના હસ્તાક્ષર કોપી કરવામાં માહેર હતો.
દેવેન્દ્ર પ્રસાદના હસ્તાક્ષર એ ફાઈલ પર થતાં જ દેવેન્દ્ર પ્રસાદની કંપની દીનાનાથ ચૌધરીના નામ પર ટ્રાન્સફર થઈ ગઈ. રોશને એ કંપની સાવ પાણીનાં ભાવે દીનાનાથ ચૌધરીને આપી હતી.
દીનાનાથ ચૌધરીએ તરત જ પોતાનાં કામદારોને જાણ કરીને, કંપનીને તોડવાનો આદેશ આપી દીધો. દીનાનાથ ચૌધરી ઘણાં સમયથી આ દિવસની રાહ જોઈને જ બેઠાં હતાં. તેઓ જાણતાં હતાં, કે દેવેન્દ્ર પ્રસાદ બધાં સાથે છળ કરીને જ આટલો આગળ વધ્યો છે. પણ જ્યારે એનો પાપનો ઘડો છલકાઈ જાશે. ત્યારે તેની કંપની પોતાનાં નામે થઈ જ જાશે. ને આજે એ દિવસ પણ આવી ગયો હતો.
શિવમ અને રોશન પોતાનું કામ કરીને ફરી દેવેન્દ્ર પ્રસાદની ઓફિસે ગયાં. ઓફિસનો સ્ટાફ આવી ગયો હતો. રોશને દેવેન્દ્ર પ્રસાદની સેક્રેટરીને દેવેન્દ્ર પ્રસાદની ઓફિસમાં બોલાવી.
“બહાર બધાં લોકોને જાણ કરી દે, કે હવેથી તેમને દીનાનાથ ચૌધરીની ઓફિસમાં કામ કરવાનું છે. આ કંપની આજથી તેનાં નામે થઈ ગઈ છે.” દેવેન્દ્ર પ્રસાદની સેક્રેટરી જેવી ઓફિસમાં આવી, કે રોશને તેને બધી વાત જણાવી દીધી.
દેવેન્દ્ર પ્રસાદની સેક્રેટરીને આ વાત જાણી થોડી પણ નવાઈ નાં લાગી. તેણે તરત જ બહાર જઈને બધાં સ્ટાફને બધી વાત જણાવી દીધી. રોશને દીનાનાથ ચૌધરીની અમદાવાદવાળી બીજી કંપનીનું એડ્રેસ દેવેન્દ્ર પ્રસાદની સેક્રેટરીને મોકલી દીધું. એડ્રેસ મળતાં જ દેવેન્દ્ર પ્રસાદની કંપનીનો તમામ સ્ટાફ દીનાનાથ ચૌધરીની કંપનીમાં જતો રહ્યો.
“હવે આગળ શું કરવાનું છે??” શિવમે સ્ટાફનાં જતાં જ રોશનને પૂછ્યું.
“આ કંપનીનું કામ તો તમામ થઈ ગયું. પણ હજું દિલ્હીવાળી કંપનીનું કામ બાકી છે. આજે એ કંપનીને બહું મોટો કોન્ટ્રાક્ટ મળવાનો છે. તે કોન્ટ્રાક્ટ અમારી કંપનીને નાં મળે. એ માટે પણ તૈયારી કરવી પડશે.” રોશને મોબાઈલમાં કોઈકના નંબર શોધતાં શોધતાં કહ્યું.
શિવમ રોશનની વાત સમજી નાં શક્યો. પણ શિવમ ઘણાં સમયથી બિઝનેસ ચલાવતો હતો. તો તેને એટલી તો જાણકારી હતી, કે કંપનીએ એક કોન્ટ્રાક્ટ પાછળ ઘણો ખર્ચ અને મહેનત કરી હોય. પણ જો છેલ્લા સમયગાળા દરમિયાન કંપનીને એ કોન્ટ્રાક્ટ નાં મળે. તો કંપનીને બહું મોટું નુકશાન થવાની સંભાવના રહે.
રોશને મિ.અનંતરાયને કોલ કર્યો. દેવેન્દ્ર પ્રસાદ આજે તેમની સાથે જ કોન્ટ્રાક્ટ સાઇન કરવાનાં હતાં. પણ રોશને તેમને એ કોન્ટ્રાક્ટ દેવેન્દ્ર પ્રસાદને આપવાની નાં પાડી દીધી. મિ.અનંતરાય દિલ્હીનાં બહું મોટાં બિઝનેસમેન હતાં. પણ દેવેન્દ્ર પ્રસાદે જ્યારથી દિલ્હીમાં પોતાની કંપનીની શરૂઆત કરી હતી. ત્યારથી અનંતરાયને ઘણું નુકશાન થયું હતું. જે નુકશાન ભરવાં માટે અનંતરાય મન નાં હોવાં છતાંય કોન્ટ્રાક્ટ દેવેન્દ્ર પ્રસાદને આપવા તૈયાર થયાં હતાં.
રોશને અનંતરાયને તેમની કંપનીનું તમામ નુકશાન ભરપાઈ કરી દેવાનું વચન આપ્યું. જેથી અનંતરાયે દેવેન્દ્ર પ્રસાદને આપવાનો કોન્ટ્રાક્ટ બીજી કંપનીને આપી દીધો.
શિવમ અને રોશન બધું કામ પતાવીને પોતાની ઘરે જતાં રહ્યાં. રોશન હવે આતુરતાથી દેવેન્દ્ર પ્રસાદની રાહ જોઈ રહ્યો હતો. દીનાનાથ ચૌધરીના કામદારોએ દેવેન્દ્ર પ્રસાદની કંપની જમીનદોસ્ત કરી દીધી હતી. દિલ્હીનો કોન્ટ્રાક્ટ પણ હાથમાંથી નીકળી ગયો હતો. એનાં પછી દેવેન્દ્ર પ્રસાદ જ્યારે અમદાવાદની કંપનીની હાલત જોઈ જાય. ત્યારે તો તેમની હાલત જોવા લાયક બને એમ હતી.
શિવમ ઘરે જઈને સીધો પોતાનાં રૂમમાં ગયો. હંસરાજ મહેતાને શિવમ આવી ગયો. એવી જાણ થતાં જ તેઓ તેનાં રૂમમાં પહોંચી ગયાં.
“તું આજે ફરી શું કરીને આવ્યો??” હંસરાજ મહેતાએ પૂછ્યું.
“દેવેન્દ્ર પ્રસાદની બરબાદીની પહેલી ઈંટ મૂકીને આવ્યો છું. તમારાથી તો કાંઈ થઈ શકે એમ નથી. તો મેં મારી રીતે જ બધું કરવાનું નક્કી કરી લીધું છે. જેમાં મારો સાથ દેવેન્દ્ર પ્રસાદનો દીકરો રોશન આપે છે.” શિવમે કરડાકી ભરી નજર હંસરાજ મહેતા તરફ કરી.
શિવમના એક એક શબ્દમાં અંગારા ઝરતાં હતાં. જે હંસરાજ મહેતાએ અનુભવ્યું હતું. શિવમ એક વખત કોઈ નિર્ણય કરી લે. પછી તેને એ રસ્તેથી પાછો વાળવો નામુમકીન હતું.
હંસરાજ મહેતા ચુપચાપ પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. હવે શિવમે જે નક્કી કર્યું હતું. એ કાર્ય પૂરું કર્યા સિવાય તે પીછેહઠ કરવાનો ન હતો. એ વાત હંસરાજ મહેતા બરાબર જાણતાં હતાં.
શિવમે દેવેન્દ્ર પ્રસાદના ગયાં પછી ક્રિષ્નાને કોલ કરીને બધી વાત જણાવી દીધી. ક્રિષ્ના બધું જાણીને ખુબ જ ખુશ થઈ. પણ આ તો માત્ર નાની એવી શરૂઆત હતી. દેવેન્દ્ર પ્રસાદને હરાવવો એટલું આસાન કામ ન હતું. એ વાત તો બધાં જાણતાં હતાં.
ક્રિષ્નાએ બધી વાત ગોપીને જણાવી. દેવેન્દ્ર પ્રસાદનું અમદાવાદમાં જેવું નામ હતું. એ પછી ક્રિષ્ના સહિત બધાં લોકોએ દેવેન્દ્ર પ્રસાદને બરબાદ કરવાની શરૂઆત કરીને બહું મોટી મુસીબત વહોરી લીધી હતી. એ વાત ગોપી સારી રીતે જાણતી હતી.
“તમે બધું સમજી વિચારીને કરો છો ને??” ગોપીએ વિચાર વિમર્શ કરીને ક્રિષ્નાને પૂછ્યું.
“આપણે કાંઈ ખોટું નથી કરતાં. જેણે ખોટું કર્યું છે. તેને સજા આપીએ છીએ. તો હવે શરૂઆત કર્યા પછી વિચારવાની વાત જ નથી આવતી.” ક્રિષ્ના તેનાં નિર્ણય પર અટલ હતી. હવે આગળનું કામ તેણે જ કરવાનું હતું. દેવેન્દ્ર પ્રસાદે તેને પોતાની ઓફિસમાં બોલાવી. ત્યારે એ તેમને મળવા ગઈ ન હતી. પણ હવે ક્રિષ્નાને સામેથી દેવેન્દ્ર પ્રસાદને પોતાની નક્કી કરેલી જગ્યાએ મળવાં બોલાવવાના હતાં.
ક્રિષ્ના ગોપીને વાત જણાવીને પોતાનાં રૂમમાં જતી રહી. એ સમયે જ તેને રોશનનો મેસેજ આવ્યો.
“તે બધી તૈયારી કરી લીધી ને?? કાલે જ તારે તારાં પપ્પાની જૂની કંપનીએ જવાનું છે.”
રોશનનો મેસેજ વાંચીને, ક્રિષ્નાએ રિપ્લાય આપી દીધો, કે પોતે બિલકુલ તૈયાર છે. જે વિશાળ અને નામચીન કંપનીને દેવેન્દ્ર પ્રસાદે એક ખંડેર બનાવી દીધી હતી. એ જ કંપનીમાં ક્રિષ્ના દેવેન્દ્ર પ્રસાદને મળવાં બોલાવવાની હતી.
દેવેન્દ્ર પ્રસાદ તો ઘણાંને બરબાદ કર્યા પછી એ લોકોનાં નામ પણ ભૂલી જતો. પણ જે લોકો સાથે ખોટું થયું હોય. એ લોકો પોતાની સાથે થયેલો દગો ભૂલી શકતાં નથી.
(ક્રમશઃ)