સંજોગ (ભાગ-6)

સંજોગ

ક્રિષ્નાએ ધીરજ દ્વારા જે ન્યૂઝ છપાવ્યા હતાં. એનાંથી શિવીકાના લગ્નમાં આંધી આવી ગઈ હતી.

ભાગ-૬

રિપોર્ટરો એક પછી એક સવાલ પૂછી રહ્યાં હતાં. કોઈ પાસે એમનાં સવાલોના જવાબો નહોતાં. બધાં મૂક બનીને ઉભાં હતાં. એ સમયે જ એક કાર આવીને મહેતા ભવનની સામે ઉભી રહી. એ આલિશાન કારનો દરવાજો ખુલતાં જ શેરવાનીમા સજ્જ થઈને આવેલાં છોકરાનું મોં ખુલ્લું જ રહી ગયું.

કારમાં આવેલી એ છોકરી પોતાની કારનો દરવાજો બંધ કરીને, રિપોર્ટરો તરફ આગળ વધી.

“મેમ, તમે આવાં ન્યૂઝ ન્યૂઝ પેપરમાં શાં માટે છપાવ્યા?? તમારો શિવીકાના મંગેતર સાથે શું સંબંધ છે” રિપોર્ટરોએ આવેલી છોકરીને પણ પોતાનાં સવાલો વચ્ચે ઘેરી લીધી.

“રોશન, તે આ લોકોને જણાવ્યું નથી, કે હું કોણ છું??” કારમાં આવેલી છોકરીએ શેરવાનીમાં સજ્જ છોકરાં પાસે જઈને પૂછ્યું. એ છોકરો બીજું કોઈ નહીં, રોશન જ હતો.

“તારી આવી ખબર છપાવવાની હિંમત કેવી રીતે થઈ?? ખબર તો છપાવી, ઉપર જતાં અહીં સુધી પણ પહોંચી ગઈ!!” રોશન સાથે આવેલાં જેન્ટલમેન વ્યક્તિ એ છોકરીને ગુસ્સામાં પૂછવા લાગ્યાં.

“મિ.દેવેન્દ્ર પ્રસાદ મારી હિંમતની તો તમે વાત જ નાં કરો. તમે હાલ તમારી ઈજ્જતને બચાવવાની કોશિશ કરો. રિપોર્ટરો તમને કંઈક પૂછી રહ્યાં છે. એનાં જવાબ આપો.” કારમાં આવેલી છોકરીએ તેની અદામાં એ જેન્ટલમેન વ્યક્તિને એવો જવાબ આપ્યો, કે એમની બોલતી જ બંધ થઈ ગઈ. એ જેન્ટલમેન વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ રોશનના પપ્પા દેવેન્દ્ર પ્રસાદ હતાં.

રિપોર્ટરો ફરી દેવેન્દ્ર પ્રસાદને સવાલો પૂછવા લાગ્યાં. એ બધાં વચ્ચે પેલી છોકરીને કોઈકનો કોલ આવતાં એ બધાં વચ્ચેથી થોડી દૂર જતી રહી. દૂર જઈને તેણે મોબાઈલની સ્ક્રીન પર નજર કરી. સ્ક્રીન પર ‘પપ્પા’ નામ દેખાતાં જ એ છોકરીએ કોલ રિસીવ કર્યો.

“ક્રિષ્ના, આ બધું શું ચાલી રહ્યું છે?? પહેલાં રોશન સાથે ન્યૂઝ પેપરના ફ્રન્ટ પેજ પર તારો ફોટો, પછી તું મહેતા ભવન સુધી પહોંચી ગઈ. તે કોની સાથે પંગો લીધો છે, એ વાતની તને ખબર પણ છે??” જીતેશભાઈનો સામે છેડેથી અવાજ સંભળાયો. કારમાં જે છોકરી આવી હતી, એ ક્રિષ્ના હતી. ધીમે-ધીમે બધી હકીકત ખુલતી જતી હતી. પણ, આખરે રચનાએ ક્રિષ્નાનો રોશન સાથેનો ફોટો શાં માટે છપાવ્યો હતો, એ વાત એમ જ અકબંધ હતી.

“પપ્પા, શાંત થાઓ… મેં શું કર્યું છે, શાં માટે કર્યું છે, એ બધું હું જાણું છું. મેં તમને જાણ કર્યા વગર જ આ બધું કર્યું, એ બદલ તમારી માફી ચાહું છું. પણ, આ કરવું જરૂરી હતું.” ક્રિષ્નાએ એકદમ શાંતિથી તેનાં પપ્પાને સમજાવી કોલ કટ કરી નાંખ્યો.

ક્રિષ્ના મોબાઈલ પોતાનાં જીન્સના પોકેટમાં મૂકીને, ફરી બધાં પાસે ગઈ. રિપોર્ટરો પોતાનું કામ સારી રીતે કરી રહ્યાં હતાં. હવે અસલી દાવ રમવાનો સમય આવી ગયો હતો.

“મિ.દેવેન્દ્ર પ્રસાદ, તમારી ચાની લારી પર ચુસ્કીઓ લેવાવાળા તો તમને ઘણાં મળ્યાં હશે. પણ, આજે આ બધાંને એ લોકો વિશે જાણવાની ઈચ્છા નથી. આજે બધાંને એ જણાવો, કે ચાની લારીથી તમારી બિઝનેસ ટાયકૂન બનવા સુધીની સફર કેવી હતી??” ક્રિષ્નાએ રિપોર્ટરો સામે એક મોટો બોમ્બ ફોડ્યો હતો. જેનો ધડાકો આખા અમદાવાદમાં થયો હતો. બધાં આ સવાલનો જવાબ જાણવાં આતુર હતાં. અમદાવાદનાં દરેક ઘરની ટીવીમાં ક્રિષ્ના જ છવાયેલી હતી.

ક્રિષ્નાનો સવાલ સાંભળીને દેવેન્દ્ર પ્રસાદ સહિત શિવમ મહેતાનાં કપાળે પણ પરસેવો વળી ગયો. બંને વચ્ચે ગંભીર મૌન છવાઈ ગયું.

“મિસ.ક્રિષ્ના, આ સમય તમારાં સવાલોનાં જવાબો આપવાનો નથી. મારી દિકરીનાં લગ્નનું મુહૂર્ત વીત્યું જાય છે.” પરિસ્થિતિ વણસતા હંસરાજ મહેતાએ પોતાનાં શબ્દોનું તીર છોડ્યું.

“લગ્ન?? લગ્નની વાત હાલ પૂરતી તો ભૂલી જ જાઓ. આ લગ્ન આજ શું ક્યારેય નહીં થાય.” ક્રિષ્ના હંસરાજ મહેતા સામે તણખાં ઝરતી નજરે જોઈને બોલી.

હંસરાજ મહેતા ક્રિષ્નાની એ નજરમાં રહેલી આગ જોઈને પાછળ હટી ગયાં. અમદાવાદનાં બધાં બિઝનેસમેન જે હંસરાજ મહેતા સામે ચુપ થઈ જતાં, એ હંસરાજ મહેતા આજે ક્રિષ્નાના એક વાક્ય સામે મૌન થઈ ગયાં હતાં. વાત માનવી અઘરી હતી. પણ, હકીકત એ જ હતી.

રોશન ક્રિષ્નાનો હાથ પકડીને તેને બધાંથી દૂર ખેંચી ગયો. હવે જ્યારે કોઈ કાંઈ બોલવાં સક્ષમ નહોતું. તો હવે ક્રિષ્નાને જ ચૂપ કરાવવાં સિવાય કોઈ રસ્તો જ નહોતો.

“હું ક્યારનો ચુપ છું, એનો મતલબ એવો બિલકુલ નથી, કે હું કાંઈ કરી નથી શકતો. જ્યારથી આવી છો, ત્યારથી બસ તું જ બોલે છે, ને બધાં સાંભળે છે. હવે તું એક પણ શબ્દ બોલ્યાં વગર અહીંથી જતી રહેજે.

આજ મારાં લગ્ન છે. તારાં નાટક બહું થયાં. હવે હું તારો એક પણ શબ્દ નહીં સાંભળું.” રોશન ક્રિષ્નાનો હાથ જોરથી દબાવીને બોલ્યો.

“લગ્નની વાત તારાં મોંઢે સારી નથી લાગતી. આજનો દિવસ તો તને યાદ જ હશે. આજનાં દિવસે જ એક વર્ષ પહેલાં તે એક છોકરીને લગ્ન માટે વચન આપ્યું હતું. જો આજનાં દિવસે દુલ્હો તું બન્યો છે, તો દુલ્હન બીજી કોઈ કેવી રીતે હોઈ શકે!?” ક્રિષ્નાએ પોતાનો હાથ રોશનના હાથમાંથી ઝાટકીને કહ્યું.

ક્રિષ્નાની વાત સાંભળી રોશન પણ ચુપ થઈ ગયો.‌ જાણે એ એક વર્ષ પહેલાંના દિવસો યાદ કરવાં લાગ્યો. રોશનનો ચહેરો એકદમ ગંભીર બની ગયો.

“કાંઈ યાદ આવ્યું?? રચના શાહ!! યાદ તો છે ને?? રચના શાહ એ જ છોકરી છે, જેને તે એક વર્ષ પહેલાં લગ્નનું વચન આપ્યું હતું.” ક્રિષ્ના ઉંચા અવાજે બોલી.

“રોશન, આ રચના કોણ છે??” પાછળથી એક‌ મીઠડો અવાજ સંભળાયો. એ શિવીકા હતી. લગ્નનાં ચણિયાચોળીમાં સજ્જ શિવીકા ક્રિષ્ના અને રોશન સામે જવાબ સાંભળવાની આશાએ ઉભી હતી.

રોશન કે ક્રિષ્ના કોઈ પણ શિવીકાને તેનાં સવાલનો જવાબ નાં આપી શક્યું. શિવીકા થોડી વાર ત્યાં ઉભી રહીને, જે તરફ રિપોર્ટરો હતાં, એ તરફ ગઈ. રોશન અને ક્રિષ્ના પણ‌ તેની પાછળ ગયાં.

“આજ અહીં કોઈ લગ્ન નહીં થાય. તમે બધાં અહીંથી જતાં રહો.” શિવીકાએ રડતાં રડતાં બધાં મહેમાનોને જવાં માટે કહી દીધું.

મહેમાનો શિવીકાની વાત સાંભળીને જતાં રહ્યાં. ક્રિષ્નાને જે જોઈતું હતું, એ જ થઈ રહ્યું હતું. છતાંય ક્રિષ્ના થોડી ઉદાસ હતી. મહેમાનો તો જતાં રહ્યાં. પણ, રિપોર્ટરો હજું પણ ઉભાં હતાં. હવે તેમનાં સવાલો પણ વધી ગયાં હતાં. હંસરાજ મહેતા ક્રિષ્ના પાસે આવ્યાં.

“તે આ બધું શાં માટે કર્યું, એ મને ખબર નથી. પણ, હવે વધું તમાશો નાં કરતાં, આ રિપોર્ટરોને પણ કહી દે, કે તે પણ અહીંથી જતાં રહે.” હંસરાજ મહેતાએ શિવીકાને રડતાં જોઈને, ક્રિષ્નાને આજીજી કરતાં કહ્યું.

શિવીકા હંસરાજ મહેતાની લાડકી દીકરી હતી. તેની આંખનું એક આંસુ પણ‌ હંસરાજ મહેતા જોઈ નાં શકતાં. જ્યારે આજે તો આંસુની સાથે તેમની દિકરીનું દિલ પણ તૂટ્યું હતું. જે હંસરાજ મહેતા માટે સહન કરવું મુશ્કેલ હતું. હંસરાજ મહેતા પોતાની દિકરીને ખુશ જોવાં માટે કાંઈ પણ કરવાં તૈયાર રહેતાં.‌ જે વાતનો ફાયદો ક્રિષ્નાએ ઉઠાવ્યો.

“હું બધું સરખું કરી દઈશ. મારે બસ રોશન જોઈએ, ને દેવેન્દ્ર પ્રસાદ બિઝનેસ ટાયકૂન કેવી રીતે બન્યાં, એ અંગે બધી ઇન્ફર્મેશન જોઈએ. જો તમે મારાં માટે આ બે કામ કરી શકો. તો હું આ રિપોર્ટરોને હમણાં જ જવાં માટે કહી દઈશ.” ક્રિષ્નાએ પોતાનું તીર છોડી દીધું. હવે નિર્ણય લેવાનો વારો હંસરાજ મહેતાનો હતો.

હંસરાજ મહેતા અંદરથી તો ખૂબ ગુસ્સે હતાં. પણ, આ સમય જ એવો હતો, કે ગુસ્સો કરવાથી પરિસ્થિતિ વધું વણસે એમ હતી. હંસરાજ મહેતા દેવેન્દ્ર પ્રસાદને લઈને ક્રિષ્ના પાસે આવ્યાં.

(ક્રમશઃ)

Leave a Reply