સંજોગ-8

સંજોગ

ક્રિષ્ના રોશનને લઈને રચનાની ઘરે આવી હતી. શિવમ બહું ગુસ્સામાં હતો. તેણે પોતાનાં રૂમની બધી વસ્તુઓ તોડી નાખી હતી.

ભાગ-૭

રોશને પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકીને એક ઉંડો શ્વાસ લીધો. ક્રિષ્ના અને રચનાની નજર રોશન પર જ મંડાયેલી હતી.

“એક વર્ષ પહેલાં મારાં પપ્પાને રચના વિશે ખબર પડી, ત્યારે તેમણે મારી સામે એક શરત રાખી, કે હું રચનાને ભૂલી જાવ. નહીંતર એ તેને બરબાદ કરી દેશે. મારાં પપ્પાએ શિવીકા સાથે મારાં લગ્ન નક્કી કરી દીધા હતાં.

હાં, માન્યું કે, આ બધું જૂના મુવીના સીન જેવું છે. પણ,આ જ હકીકત છે. મેં રચનાની ખુશી માટે જ તેને મારાથી દૂર કરી હતી.” રોશને એક વર્ષ પહેલાં જે બન્યું હતું. એ બધું વિગતવાર જણાવ્યું.

“તારાં પપ્પાએ તેની શરતનું પાલન નથી કર્યું. તેણે તો તું મારાથી અલગ થયો. તેનાં બીજાં દિવસે જ મારાં પપ્પાના બધાં શેર પાણીનાં ભાવે ખરીદી લીધાં. તેમને બહું મોટું નુકશાન વેઠવું પડ્યું.” રચનાએ રડતી આંખે વાતને આગળ વધારી.

“હવે આનો એક જ રસ્તો છે. દેવેન્દ્ર પ્રસાદ બિઝનેસ ટાયકૂન કેવી રીતે બન્યો. એ કડી મળી જાય. તો બધી મુસીબતોનુ નિરાકરણ આવી જાય.” ક્રિષ્નાએ કંઈક વિચારીને કહ્યું.

રચના કે રોશન કોઈ પણ ક્રિષ્નાની વાતનો જવાબ આપે, એ પહેલાં જ રચનાનાં ઘરનો દરવાજો ખૂલ્યો. સામે શિવમ ઉભો હતો. શિવમને જોઈને રોશન, ક્રિષ્ના અને રચનાની આંખો મોટી થઈ ગઈ. શિવમને રચના વિશે કેવી રીતે ખબર પડી, એ વાતે બધાનું મન ચકરાવે ચડી ગયું.

શિવમ અંદર આવીને, દરવાજો બંધ કરીને, રોશન પાસે આવ્યો. કોઈ કાંઈ સમજી શકે, એ પહેલાં જ શિવમે એક પેપર પોતાનાં પેન્ટના ખિસ્સામાંથી કાઢ્યું. તે પેપર તેણે રચનાને આપ્યું.

રચના આંખો ફાડીને એ પેપર વાંચી રહી હતી. ક્રિષ્ના અને રોશનની નજર રચના પર જ હતી. બંને પેપરમાં શું લખેલું છે, એ અંગે જાણવાં માંગતા હતાં.

“અચાનક મારી ઉપર આટલી બધી મહેરબાની કરવાનું કારણ જાણી શકું??” રચનાએ શિવમ સામે જોઈને પૂછયું.

રોશને રચનાનાં હાથમાં રહેલું પેપર લઈ લીધું. રોશન એ પેપર વાંચવા લાગ્યો. પેપર વાંચ્યા પછી રોશનની આંખોમાં પણ રચનાએ પૂછ્યો, એ સવાલ જ હતો. રોશને એ પેપર ક્રિષ્નાને આપ્યું. ક્રિષ્નાએ પણ પેપર વાંચ્યું.

“મારી બહેન સાથે જે થયું. એ ખોટું હતું. પણ, આમાં વાંક તમારાં લોકોનો નથી. વાંક દેવેન્દ્ર પ્રસાદનો છે.” શિવમે ભાવુક થઈને કહ્યું.

“તો તારો‌ કહેવાનો મતલબ શું છે?? તું તારી કંપની રચના અને ક્રિષ્નાના નામે કરીને, સાબિત શું કરવાં માંગે છે??” રોશને શિવમને પૂછ્યું.

“દેવેન્દ્ર પ્રસાદને બરબાદ કરવા માગું છું. જેમાં મારે રચના અને ક્રિષ્નાના સાથની જરૂર છે. આ કંપની એ મદદના બદલામાં નાની એવી ભેટ છે.” શિવમે રચના અને ક્રિષ્નાએ રમેલી આખી રમતને નવો જ મોડ આપતાં કહ્યું.

રચના, ક્રિષ્ના અને રોશન ત્રણેય એકબીજા સામે જોઈને, આગળ શું કરવું, એ વિશે વિચારવા લાગ્યાં. રચનાએ તો સોફા પર બેસીને, પોતે કોઈ પણ રમતની ભાગીદાર નથી. એવું જણાવી દીધું.

“દેવેન્દ્ર પ્રસાદને તો અમે બરબાદ કરશું જ…પણ, એમાં અમારે તારાં સાથની જરૂર નથી. તે રચનાનું ઘર શોધી લીધું. એમાં કોઈ મોટી વાત નથી. પણ,તારે અમારી મદદની જરૂર છે. એ વાત પાછળ બહું મોટું કારણ છે.” ક્રિષ્નાએ પોતાનાં મોબાઈલમાં આવેલો મેસેજ વાંચીને કહ્યું.

રોશન અચાનક જ ક્રિષ્નાનુ બદલાયેલું રૂપ જોઈને, તેની સામે અલગ જ નજરોથી જોવાં લાગ્યો. ક્રિષ્નાએ પોતાનાં મોબાઇલમાં આવેલો મેસેજ રોશનને પણ બતાવ્યો.

“તો આ હકીકત છે!? જેનાં લીધે તું અમારી મદદ કરવાં માંગે છે??” રોશને મેસેજ શિવમને બતાવીને કહ્યું.

એક મેસેજથી અચાનક જ બધું બદલતાં જોઈને, રચનાએ સોફા પરથી ઉભાં થઈને, રોશનના હાથમાંથી મોબાઈલ લઈ લીધો.

“આ ગોપી તારી મિત્ર ગોપી સક્સેના તો નથી ને??” રચનાએ ક્રિષ્નાને પૂછ્યું.

ક્રિષ્નાએ આંખો ઝુકાવીને રચનાને જવાબ આપ્યો. રચનાએ ક્રિષ્નાનો જવાબ મળતાં જ શિવમના ગાલે એક તમાચો ચોડી દીધો. શિવમ ગાલ પર હાથ ફેરવતો, ચૂપચાપ ઉભો રહી ગયો.

“તે તારી અસલી ઔકાત બતાવી જ દીધી ને!? ગોપીને ટાર્ગેટ કરતાં જરાં પણ વિચાર નાં કર્યો તે??” રચનાએ શિવમને પૂછ્યું.

“મેં ગોપીને ટાર્ગેટ નથી કરી. ગોપીને મેં પહેલી વખત જોઈ, ત્યારે મને ખબર પણ નહોતી, કે ગોપી ક્રિષ્નાની ફ્રેન્ડ છે. જ્યારે મેં ગોપીને પ્રપોઝ કરી. ત્યારે તેને ક્રિષ્નાનો કોલ આવ્યો, ને મેં તેનાં મોબાઈલમાં ક્રિષ્નાનો ફોટો જોયો. ત્યારે મને ખબર પડી, કે રોશન જે ક્રિષ્ના પાછળ છેલ્લા એક મહિનાથી પડ્યો છે. એ ક્રિષ્ના ગોપીની ફ્રેન્ડ છે.” શિવમે બધી ચોખવટ કરતાં કહ્યું.

ક્રિષ્નાને હાલ એક જ વાતનો અફસોસ થઈ રહ્યો હતો, કે ગોપીએ આટલી મોટી વાત તેનાંથી છુપાવી હતી. શિવમ કોણ છે, એની સાથે રોશનનો શું સંબંધ છે, એ ગોપી નહોતી જાણતી. છતાંય ક્રિષ્નાને લાગ્યું, કે આ વાત ગોપીએ તેને જણાવી દેવી જરૂરી હતી.

“તો રચના અને ક્રિષ્ના વિશે તું પહેલેથી જાણતો હતો??” રોશને શિવમને પૂછ્યું.

“હાં, જ્યારથી મારી બહેન તને પસંદ કરવાં લાગી, ને તારાં અને મારાં પપ્પાએ આ સંબંધને આગળ વધારવાનું વિચાર્યું. ત્યારથી હું તારાં પર નજર રાખતો. તને રચનાથી અલગ કરવાં મારાં પપ્પાએ જ તારા પપ્પાનો સાથ આપ્યો હતો.” શિવમ એક પછી એક રાજ ખોલતો હતો.

આજે એક પછી એક હકીકત રચનાની સામે આવી રહી હતી. રચનાને રોશન ઉપર તો ભરોસો આવી ગયો હતો. પણ,પરિસ્થિતિ હવે ગંભીર બની ગઈ હતી.

રોશનની તો કાંઈ બોલવાની હિંમત જ નહોતી રહી. રોશને અત્યાર સુધી દેવેન્દ્ર પ્રસાદનો સાથ આપ્યો હતો. છતાંય તેમણે પોતાનાં દિકરાને જ દગો આપ્યો હતો. ક્રિષ્નાને પણ જે ઝટકો લાગ્યો, એ સહન કરવો મુશ્કેલ હતો. ક્રિષ્નાએ આ રમતની શરૂઆત કરતાં પહેલાં સપનામાં પણ નહોતું વિચાર્યું, કે તેની આગળ આવી પણ કોઈ પરિસ્થિતિ આવીને ઉભી રહેશે.

“હવે તમે મારો સાથ આપશો કે નહીં??” શિવમે પૂછ્યું.

“સવાલ જ પેદા નથી થતો, કે અમે તારો સાથ આપીએ. બીજી વાત…ગોપીથી દૂર જ રહેજે.” રચનાએ કહ્યું.

“ગોપી આ રમતનો હિસ્સો નથી. હું તેને આ બધાંથી દૂર રાખું છું. તો તમે પણ તેને વચ્ચે નાં લાવો, એ જ સારું રહેશે. રહી વાત સાથ આપવાની…તો મારે કાંઈ તમારાં સાથની એટલી પણ જરૂર નથી. પણ,આજ જે ભૂલ કરી, એવી ભૂલ ફરી ક્યારેય નાં કરતી. વાત જાણ્યાં વગર મારાં પર હાથ ઉપાડવાની હિંમત નાં કરતી.

આજે મારી બહેનનાં લીધે હું ચૂપ છું. બાકી આ ખેલ તો એક વર્ષથી ચાલ્યો આવે છે. તમને બધાંને અને આ ખેલને ખતમ કરતાં એક મિનિટ પણ નહીં લાગે.” શિવમે લાલ આંખો કરીને કહ્યું.

ક્રિષ્નાએ શિવમની આંખોમાં એક આગ જોઈ હતી. જે આગ બધાંને બાળીને ભસ્મ કરવાં સક્ષમ હતી. દેવેન્દ્ર પ્રસાદ સાથે લડવા ક્રિષ્નાને શિવમ જેવાં જ કોઈ વ્યક્તિની જરૂર હતી. એમાંય શિવમ ગોપીને પ્રેમ કરતો હતો. જ્યારે બદલાની અને પ્રેમની આગ બંને કોઈ મિશનમાં ભળે, ત્યારે ગમે તેવાં તાકતવર વ્યક્તિને હરાવી શકાય. એ વાત ક્રિષ્ના જાણતી હતી.

ક્રિષ્ના ઉભી થઈને શિવમ પાસે ગઈ. રોશન અને રચના માત્ર ક્રિષ્નાને જતી જોઈ રહ્યાં. તેમની સમજમાં કાંઈ નાં આવ્યું. રોશન પણ ક્રિષ્નાની પાછળ ગયો. જ્યાં હવે બધું સરખું થઈ જવાં રહ્યું હતું. ત્યાં રોશન કાંઈ પણ ખરાબ થતું જોવાં નહોતો માંગતો.

(ક્રમશઃ)

Leave a Reply