હું પણ..

“હું પણ..”

એક તરફ હિમવર્ષા અને બીજી તરફ બે સરહદો પર સામસામી ગોળીઓની વર્ષા.
આર્મીએ મહેતલ આપી હતી કે આવતા આઠ કલાકમાં સરહદ પરનાં બધાં ગામ ખાલી થઈ જવાં જોઈએ.

તિલકનું ગામ પણ લગભગ ખાલી થઈ ગયું હતું પણ તિલકને ન તો કોઈ સગુંવ્હાલું હતું કે જ્યાં એ જાય અને ન તો કોઈ આધાર હતો. આવા જ બે સરહદ વચ્ચેના સંઘર્ષમાં એનાં મા-બાપ ગોળીઓનો ભોગ બન્યાં બાદ
તિલકને રાજુચાચાએ જ ઉછેરીને મોટો કર્યો હતો. સાચા અર્થમાં બાપુ સાથેની દોસ્તી નિભાવી જાણી. બે અનાથ એકમેકની ઓથમાં સનાથ બનીને જીવતા રહ્યા.
જેમતેમ સત્તુનું વાળુ કરીને બંને બારણું સરખું બંધ કરીને ખાટલામાં સામસામે ગોઠવાયા.

“ચાચા આજ બડી મુસીબત થઈ. હવે ક્યાં જવું?”

“બેટા, હું તો સો કિલોમીટર દૂર મારી દિકરીને ત્યાં જતો રહીશ. તું શું કરીશ? ચાલ મારી સાથે. હવે સરહદ પર રહેવું સલામત નથી.”
પણ તિલકનું મન ન જ માન્યું.

બીજે દિવસે રાજુચાચા કચવાતા મને તિલકને માથે હાથ ફેરવીને પોતાની દીકરીને ઘેર જવા રવાના થયા.

ગામ સાવ ભેંકાર બની ગયું હતું. રખડતાં કૂતરાંના બિહામણા અવાજ અને છૂટાછવાયા ગોળીબાર સિવાય સંપૂર્ણ સન્નાટો હતો. એ મનોબળ કેળવીને સાંકળ મારીને સુવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ ઊંઘ પણ સ્થળાંતર કરી ગઈ હતી.

મધ્યરાત્રિએ સહેજ તંદ્રા ઘેરી વળી ત્યાં પાછળના દરવાજે કોઈનો પગરવ સંભળાયો.
માત્ર સ્વરક્ષા માટે રાખેલી બંદૂક લઈને એણે ધીરેથી સાંકળ ખોલી. ત્યાં તો કોઈ જોરથી એને ધક્કો મારીને ઘરમાં ઘુસી ગયું.

“એય..એય..ક્યાં જાય છે? રુક રુક..
કહું છું બહાર નીકળ નહીંતર ગોળીએ દઈ દઈશ.”

એક ગભરાયેલી હરણી જેવો અવાજ સંભળાયો.
“ના ના રહેમ રહેમ.”

“આમ ક્યાં ઘુસી આવી? કોણ છો?

Advertisement

“ના સા’બ ના. હુંય તમારી જેમ પિડિત છું. બદમાશોએ મારા આખા કબીલાનો ખાત્મો બોલાવી દીધો. હું માંડ માંડ છુપાતી-ભાગતી અહીં પહોંચી. ગામનું નામ વાંચ્યું ત્યારે સમજાયું
કે હું સરહદ પાર કરી ગઈ છું.”

તિલક મુંઝવણમાં પડી ગયો.
“અરે, તને બચાવવાની મારી જવાબદારી નથી.”

“સા’બ મને બચાવો નહીંતર હેવાનો મને જીવતેજીવ દોઝખમાં ધકેલી દેશે.”

“તારું નામ?”

“રેશમ.”

“ઓહો! તું તો બીજી જાતની છો.”

“સા’બ પણ હું.. માણસ તો છું ને!”

અને તિલકને એક ડંખ લાગ્યો.

ડર અને બિહામણા વિચારો વચ્ચે રાત પૂરી થઈ. સવારે આર્મીની જીપ ગામમાં પ્રવેશી. માઇક્રોફોન પર જાહેરાત થઈ.
“કોઈ બાકી હોય તો બહાર આવે. લશ્કર એમની મદદમાં છે. એમને સહીસલામત બીજે રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે.”

તિલક રેશમનો હાથ પકડીને આર્મીની જીપ તરફ ખેંચી ગયો.
રેશમ આજીજી કરતી રહી કે,
“સા’બ મને લશ્કરને ન સોંપી દો. એ લોકો મારી કોઈ વાત નહીં સાંભળે.”

ત્યાં તો જીપ સુધી પહોંચી ગયેલા બંને તરફ ઓફિસરે નજર કરી.
તિલકે રેશમ તરફ અછડતી નજર કરતાં કહ્યું,
“સા’બ અમારે કોઈ આશરો નથી.”

“સારું તમને સલામત જગ્યાએ મોકલી આપીએ છીએ. નામ લખાવો. સરકારમાં આપવાં પડે.”

“હું તિલક મહારાજ.”

“આ?”

અને રેશમે ભયથી આંખો ભીંચી દીધી.

“આ મારી પત્ની રેશમી.”

આર્મીની જીપમાં બંનેને સહીસલામત સરહદથી દૂર લઈ જવામાં આવ્યાં.

રેશમ આભારવશ તિલક સામે જોઈ રહી હતી.
“બચપનથી સાંભળેલું કે સરહદ પાર તો હેવાન રહે. ત્યાં ભૂલેચુકેય પગ ન મુકાય. પણ તમે તો સાવ જૂદા જ નીકળ્યા.”

તિલકે રેશમ સામે જોઈને કહ્યું,
“સરહદના મામલા સરહદ નિપટાવે. રાત્રે તેં કહ્યું હતું ને કે, હું માણસ તો છું ને!
બસ, તો હું પણ..
માણસ છું.”

રેશમની સુંદર આંખ પાણી પાણી હતી.

-લીના વછરાજાની.

Leave a Reply