પરણ્યા પછીનો પ્રેમ (ભાગ-1)

પરણ્યા પછીનો પ્રેમ..

                     કુદરતની અલૌકિક પ્રકૃતિનો ખજાનો હમણાં પણ અમુક ગામડાઓમાં સચવાઈ રહ્યો છે.. આવુ જ પ્રકૃતિનું એક નયનરમ્ય સુંદર ધામ એટલે રાજપુરા ગામ.ગામથી પુર્વ દિશાએ પર્વતોની હારમાળાઓ આવેલી છે. પર્વતની તળેટીમાં થોડોક વન વિસ્તાર અને વન વિસ્તાર પૂરો થાય ત્યાંથી ગામની સીમ શરુ થાય છે.લહેરાઈ રહેલા હરિયાળા ખેતરો જોતાં જ જોનારાઓનું મન પ્રફુલ્લિત થઇ જાય.

             આવા આ ગામમાં ધીરો પટેલ બાજુના ગામમાંથી પરણીને નવી વહુ લાવ્યા છે. પટલાણીનું રુપ અપ્સરાઓના
રૂપને પણ શરમાવી નાખે એવું છે. જ્યારે જાન પરણીને ગામમાં આવી ત્યારે ગામની બધી જ સ્ત્રીઓના મુખે એક જ વાત હતી.. સ્ત્રીઓ અંદરો અંદર એકબીજીને કહી રહી હતી..અલી તેં ધીરાની વહુ જોઇ કેટલી રૂપાળી છે. સ્ત્રીઓ તો ઠીક પણ ગામનાં ઘરડા ડોહા પણ એમ કહેતાં હતાં કે મારો બેટો ધીરો બૈરૂ જબરું લાવ્યો હો.

      પટલાણી રૂપા દરરોજ બપોરે પોતાના ભરથાર ધીરાને ભાથું દેવા ખેતરમાં જાય છે. નવા-નવા લગ્ન થયા છે બંનેના એટલે બંને એકબીજામાં ડૂબેલા રહે છે.

Advertisement

        એક દિવસ ધીરો પોતાના બધા ઢોર લઈને પર્વતની તળેટી બાજુ ચરાવવા માટે જાય છે. રૂપા પણ બપોરના સમયે ધીરાને ભાથું દેવા માટે તળેટી બાજુ જતી હોય છે.વચ્ચે થોડોક વનવિસ્તાર આવે છે..  રૂપા એ વિસ્તારમાંથી પસાર થતી હોય છે ત્યાં એક ઝરખ પ્રાણી એની સામે આવતું હોય છે. ઝરખને જોતાં જ રૂપાના પગ એકદમ થંભી જાય છે. રૂપાનું શરીર ભયનું માર્યું ધ્રુજી ઉઠે છે.. આજુબાજુ વનવિસ્તાર છે.. મદદ માટે પણ કોણ હોય ત્યાં.. ઝરખ ધીમે ધીમે રૂપા તરફ આગળ વધે છે.. ઝરખનું વિકરાળ ઝડબુ અને લાલઘૂમ આંખો જોઈને રૂપા એકદમ ચીસ પાડી ઉઠે છે..  તેની ચીસથી આખું વાતાવરણ ધ્રુજી ઉઠે છે..  ઝરખને પોતાની તરફ આગળ વધતું જોઈને રૂપા બચાવો.. બચાવો નામની બૂમો પાડે છે..  ત્યાં તો ઝરખ એકદમ નજીક ઘસી આવે છે..  અચાનક રૂપાને ફાડી ખાવા છલાંગ લગાવે છે..

જેવી ઝરખ પ્રાણીએ રૂપા ઉપર છલાંગ લગાવી કે રૂપા આંખો મીંચીને નીચે બેસી ગઈ. થોડીવાર પછી એણે આંખો ખોલી તો ઝરખ એની ઉપર પડવાને બદલે ભયકંર રાડ પાડીને દૂર જઈ પડ્યું હતું. અને થોડી વારમાં એ ઝરખ પ્રાણી ઉભું થઈને ઝાડીઓમાં ભાગી ગયું.

બન્યું હતું એવું કે જયારે રૂપાએ બચાવ માટેની બૂમો પાડી ત્યારે એમના જ ગામનો નવયુવાન વાલો રબારી ગામતરું કરીને ગામમાં પાછો ફરી રહ્યો હતો અને એ રૂપાની પોકાર સાંભળીને દોડી આવ્યો જેવું ઝરખે રૂપાની ઉપર છલાંગ લગાવી કે એકદમ દોડી આવેલા વાલા રબારીએ એની પાસે રહેલી ડાંગનો જોરદાર પ્રહાર ઝરખ ઉપર કર્યો. ડાંગનો જોરદાર ઘા વાગતા જ ઝરખ રૂપાથી દૂર જઈ પડ્યું.

જયારે રૂપાએ ઊંચું જોયું ત્યારે એની નજર પાતળી ભરાવદાર મૂછોવાળા વાલા રબારી ઉપર પડી. રૂપા તો બસ વાલાને જોતી જ રહી.  વાલો પણ રૂપાના રૂપથી અંજાઈને રૂપાને જોઈ રહ્યો.  રૂપા થોડીકવાર માટે તો એ પણ ભૂલી ગઈ કે એ પરણેલી છે. જયારે એને ભાન થયું ત્યારે એ ઝડપથી ઉભી થઈ અને નીચે પડેલું પોતાનું ભાથું ઉઠાવ્યું. પછી રૂપાએ શરમથી નીચું જોઈને પહાડની તળેટી તરફ ચાલવા માંડ્યું.

“અરે ઓળખાણ તો આપતા જાવ..’ જઈ રહેલી રૂપાને વાલા રબારીએ પાછળથી સાદ કર્યો.

રૂપા વાલા તરફ ફરી અને મુસ્કુરાઈ.

(ક્રમશ)

Leave a Reply