સંજોગ-૨

ક્રિષ્ના અમદાવાદમાં એકલી જ રહેતી. તેને અચાનક જ રોશન સાથે પ્રેમ થઈ ગયો હતો. આ વાતથી બધાં હેરાન હતાં.

ભાગ-૨

રોશન ક્રિષ્ના ને તેની ઘરે મૂકી ગયો. ક્રિષ્ના નાં મમ્મી-પપ્પા રાજકોટમાં રહેતાં હતાં. ક્રિષ્ના અમદાવાદ માત્ર નોકરી કરવાં માટે જ આવી હતી. ક્રિષ્ના નાં મમ્મી જ્યોત્સનાબેન રાજકોટમાં એક અનાથ બાળકોને આશ્રય આપવાની સંસ્થા ચલાવતા, ને પપ્પા વિપુલભાઈ બિઝનેસ ચલાવતાં.

ક્રિષ્ના નાં ઘરમાં પણ‌ રૂપિયા ની થોડી પણ કમી નહોતી. ક્રિષ્ના ની જીદ્દ નાં લીધે વિપુલભાઈ એ ક્રિષ્ના ને અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં એક ફ્લેટ લઈ આપ્યો હતો. જેમાં ક્રિષ્ના તેની બાળપણની મિત્ર ગોપી સાથે રહેતી હતી.

ક્રિષ્ના ફ્લેટ પર આવીને, પોતાનાં રૂમમાં જઈને શાવર લેવાં જતી રહી. ત્યાં જ ગોપી તેનાં રૂમમાં આવી ચડી.

“ક્રિષ્ના… ક્રિષ્ના… ક્યાં છે તું??” ગોપી આવતાવેંત જ રાડો પાડવા લાગી.

“અરે મારી માઁ, હું અહીં જ છું. તને તો ખબર જ છે, મારાં જેવાં તુફાન ને આખરે કોણ સહન કરી શકવાનું!!” ક્રિષ્ના શાવર લઈને બહાર નીકળી.

“મેં તને કહ્યું હતું ને, કે પેલાં રોશનિયા સાથે ક્યાંય નાં જતી. તો તું શાં માટે તેની સાથે ગઈ??” ગોપી ખૂબ જ ગુસ્સામાં હતી. આખી દુનિયામાં જ્યોત્સનાબેન અને વિપુલભાઈ પછી ગોપી એક જ હતી. જેનો ગુસ્સો ક્રિષ્ના સહન કરતી. બાકી તો ક્રિષ્ના સામે ગુસ્સો કરવાથી શું થાય?? એ બાપુનગર વિસ્તારમાં રહેતાં બધાં લોકો બહું સારી રીતે સમજતાં હતાં.

“તું એનાં સિવાય બીજી કોઈ વાત કરી શકીશ??” ક્રિષ્ના તેનાં રૂમમાં લગાવેલાં અરીસા સામે બેસીને બોલી.

“તું મને મારાં સવાલનો જવાબ આપી શકીશ??” ગોપી ક્રિષ્ના ની પાછળ અદબ વાળીને ઉભી રહી ગઈ.

અરીસો બહું મોટો હતો. ક્રિષ્ના ને ગોપી ની બધી હરકતો એમાં દેખાતી હતી. ગોપી નું નાક ગુસ્સામાં લાલ થઈ ગયું હતું. પણ તે ગુસ્સામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

“મારે આ ફ્લેટમાં રોશન નું નામ સાંભળવાની આદત નથી. તો તું એનાં સિવાય કોઈ પણ વાત કરી શકે. રોશન આ ફ્લેટ ની બહાર જ ઠીક છે.” ક્રિષ્ના અરીસા સામે થી ઉભી થઈને, ગોપી પાસે આવીને, તેનાં બંને ખંભે હાથ મૂકીને બોલી.

ક્રિષ્ના ની આ ટેવ ગોપીને એક મહિનાથી સમજમાં આવી નહોતી. આમ તો ક્રિષ્ના એમ કહેતી, કે તે રોશનને પ્રેમ કરે છે. પણ તેને ફ્લેટ ની અંદર કોઈ રોશન નું નામ લે. એ વાત પસંદ નહોતી.

ગોપી આગળ કાંઈ પણ બોલ્યાં વગર જતી રહી. ક્રિષ્ના ફરી અરીસા સામે બેસી ગઈ. રૂપ રૂપનો અંબાર, અણિયાળી આંખો, ઘટ્ટ પાંપણો ને એક સરખાં બાંધાની ડોકની પાછળ ની તરફ ઘાટું કાળું તલ ધરાવતી ક્રિષ્ના ની આંખમાં અચાનક જ એક આંસુ સરકી પડ્યું. જે તેણે તરત જ કોઈ તેને જોઈ નાં જાય. એ રીતે લૂંછી નાખ્યું.

“ચાલ ક્રિષ્ના, તારો ભૂતકાળ તને દબોચી લે. એ પહેલાં તું તારાં ભૂતકાળ ને જ દબોચી ને તારાં મનની બહાર ફેંકી દે.” ક્રિષ્ના પોતાને જ કહેતી હોય, એમ બોલીને અરીસા સામે થી ઉભી થઈ ગઈ. પછી અરીસામાં જોયાં વગર જ પોતાનાં સીધાં કમર સુધીનાં વાળમાં રબર બેન્ડ લગાવીને રૂમની બહાર નીકળી ગઈ.

ગોપી બહાર હોલના સોફા પર ગુસ્સામાં લાલઘૂમ થઈને બેઠી હતી. ક્રિષ્ના તેની સામે જોઈને મલકી, ને તેની પાસે જઈને બેસી ગઈ. ગોપી એ ક્રિષ્ના ની સામે પણ નાં જોયું. પણ ક્રિષ્ના તો આખરે ક્રિષ્ના હતી. જેવી રીતે ગુસ્સો કરતાં, ને બધાંને હેરાન કરતાં આવડે. એટલી જ સારી રીતે બધાંને ખુશ કરતાં ને મનાવતાં પણ આવડે.

“ગોપી, જે વાતથી નારાજ થવાનો કોઈ મતલબ જ નાં હોય. એ વાતથી લાંબો સમય નારાજ નાં રહેવું જોઈએ.” ક્રિષ્ના ગોપીનો હાથ પકડીને બોલી.

“મતલબ વગર નારાજ થવાની મને આદત નથી. રહી વાત નારાજ થવાનાં મતલબ ની!! તો તારી સેફ્ટી થી વધું મતલબ મારો કોઈ સાથે નથી. તને ખબર છે, તું રોશન સાથે સુરક્ષિત નથી. તો તેની સાથે ક્યાંય જાય છે જ શાં માટે??” ગોપી વધારે ગુસ્સામાં બોલી.

ક્રિષ્ના રોશન વિશે બધું જાણતી હોવાં છતાં રોશન સાથે બહાર ફરતી હતી. આ વાત ગોપી માટે અસહનીય હતી. તેનાં ગુસ્સાનું એકમાત્ર કારણ રોશન જ હતો. જેનાં લીધે ગોપી એક મહિના થી વધું પરેશાન રહેવા લાગી હતી.

“હવે બસ થોડો સમય આપ. હું બધું સરખું કરી દઈશ. પછી તારી પાસે ગુસ્સે થવાનું કોઈ કારણ જ નહીં રહે.” ક્રિષ્ના એકદમ સચોટ રીતે બોલી.

“ઓકે, તને મારો જન્મદિવસ આવે ત્યાં સુધીનો સમય આપું છું. તે દિવસે રોશન કે રોશન નું નામ કાંઈ પણ તારી પાસે નાં હોવું જોઈએ.” ક્રિષ્ના કોઈ પણ કાર્ય કોઈ ચોક્કસ કારણ વગર નાં કરતી એ વાત ગોપી સારી રીતે જાણતી હતી. જેનાં લીધે ગોપી વધું ગુસ્સે થયાં વગર ક્રિષ્ના ની વાત માની ગઈ.

ક્રિષ્ના ગોપી સાથે વાત કરીને કિચનમાં આવી. ત્યારે જ તેને કોઈકનો મેસેજ આવતાં, તે ફટાફટ પોતાનાં રૂમમાંથી પોતાનું રાજસ્થાની ભરતકામ કરેલું પર્સ લઈને જતી રહી. ગોપી ને તેને કાંઈ પૂછી શકે, એટલો સમય પણ નાં મળ્યો.

“આ છોકરી ખબર નહીં શું કાંડ કરવાની છે!! જ્યારે હોય ત્યારે કોઈ ને કોઈ મુસીબત વ્હોરી ને બેઠી જ હોય.” ક્રિષ્ના નાં જતાંની સાથે જ ગોપી લમણે હાથ દઈને બેસી ગઈ, ને બોલવાં લાગી.

ક્રિષ્ના તો પોતાની કાર લઈને તેને અમદાવાદની સડકો પર દોડાવવા લાગી. ક્રિષ્ના અમદાવાદ આવી ત્યાર પછી તેનાં પહેલાં જન્મ દિવસ ઉપર વિપુલભાઈ એ તેને આ કાર ગિફ્ટ કરી હતી. જેને ક્રિષ્ના બહું માવજતથી સાચવતી.

રસ્તાઓ પરની બધી વસ્તુઓ અને માણસો પાછળ છૂટતાં ગયાં, ને ક્રિષ્ના બાપુનગર પહોંચી ગઈ. ક્રિષ્ના એ એક વિશાળ બંગલા પાસે તેની કાર રોકી. કારમાંથી ઉતરીને ક્રિષ્ના એ એક નજર એ બંગલા પર કરી. બંગલો‌ જોતાં જ જાણે કેટલીયે જૂની યાદોનું પોટલું ખુલી ગયું. ક્રિષ્ના ખુશી અને દુઃખ મિશ્રિત ભાવ સાથે બંગલાની અંદર ગઈ.

“ક્રિષુ, તું બિલકુલ બદલી નથી. આજે તને મળ્યાં ને એક વર્ષ થઈ ગયું. છતાંય આજે પણ તું એક જ કોલ પર મારી ઘરે આવી ગઈ.” એ બંગલાની અંદર રહેતી ક્રિષ્ના થી અમુક વર્ષ મોટી દેખાતી એક છોકરી બોલી.

“તુમ બુલાઓ, ઔર હમ નાં આયે…ઐસા કભી હુઆ હૈ ક્યાં!?” ક્રિષ્ના એ છોકરીને ભેટીને બોલી.

“આઈ લવ યૂ મારી જાન…. એવું કોઈ દિવસ બન્યું નથી. એટલે જ તો તું મારાં માટે ખાસ છે.”

“રચના…આવી ફોર્માલિટી નય કરવાની હો… નહીંતર હું નારાજ થઈ જઈશ.” ક્રિષ્ના ખોટો ગુસ્સો કરતાં નાક ફુલાવીને બોલી.

“ઓહ…તો મારે હવે તને તું મારાં માટે ખાસ છે. એમ પણ નહીં કહેવાનું. એમ ને!?”

રચના અને ક્રિષ્ના ની વાતો સાંભળતાં બંને વચ્ચે બહું સારો સંબંધ હોય. એવું જણાતું હતું. પણ રચનાની અંદરનાં કોઈ ખૂણે ઉદાસી એ પોતાનું ઘર બનાવ્યું હોય. એવું નજરે ચડતું હતું. રચના નાં શબ્દો ને હાવભાવ એકસરખાં નહોતાં. ક્યાંક તો કંઈક અજુગતું લાગતું હતું.

રચના છે મહિનાથી અમદાવાદ ની બહાર હતી. આજે જ મહિના પછી તે ફરી અમદાવાદ આવી હતી. ક્રિષ્ના તેનાં જ કોલના કારણે અહીં આવી હતી.

(ક્રમશઃ)

Leave a Reply