સ્વપ્નદ્રષ્ટા

અદિતિનું સ્વપ્ન સાચું થવાં જઈ રહ્યું હોય પણ શું અદિતિ રોકી શકશે એને?

“બચાઓ કબીર, પ્લીઝ હેલ્પ અસ સમબડી, હેલ્પ” ત્યાંજ એક લોખંડનો સળિયો માથામાં વાગ્યો અને લોહીની ધાર મારનાર વ્યક્તિનાં ચહેરાં પર ઉડી. હજુ પણ તે છોકરીનો દેહ તરવરી રહ્યો હતો અને ત્યાંજ ફરી તે જ વ્યક્તિએ સળિયો લઈને હવામાં ઉગામ્યો….

અદિતિ તરત બેઠી થઇ ગઈ. તેની આંખો ભયના ઓથારમાં ચકરવકર થવાં લાગી. તેનું ગળું પણ સુકાઈ ગયું હતું.

શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તેને આખા શરીરે પરસેવો બાઝી ગયો હતો.

અદિતિ ઉભી થઇ અને પાણી પીવા માટે રૂમની બહાર નીકળી.

રસોડામાં જઈને પાણી પીધા બાદ તેણે હોલમાં આવેલ ઘડિયાળ તરફ નજર કરી તો રાત્રીના ચાર વાગ્યાં હતાં.

તે ફરી પોતાનાં રૂમમાં આવી. સુવા માટે લંબાવ્યું પણ કોણ જાણે મન કઈ દિશામાં ભટકાયું હતું.

તેને અજીબ બેચેની અનુભવાઈ રહી હતી. તે બેઠી થઈને પોતાનાં ટેબલ પાસે આવી. પોતાની પ્રિય ડાયરી ખોલીને તે પોતાનાં દુઃસ્વપ્નને યાદ કરતી લખવા લાગી.

સમય વહી જવાથી તે પૂરું તો યાદ ના કરી શકી પણ જેટલું પણ યાદ હતું એ તેણે પોતાની ડાયરીમાં શબ્દોથી કંડારી દીધું.

લખાઈ ગયાં બાદ હવે તે થોડું હળવાશ અનુભવતી હતી. તે ઉભી થઇ અને ફરી આંખો બંધ કરીને સુવાનો પ્રયત્ન કરવા લાગી.

આખરે મનનો ભાર ઉતરી જવાથી તે ફરી કયારે તંદ્રાવસ્થામાં ડૂબી ગઈ એનું તેને ધ્યાન જ ના રહ્યું.

સવારે ઉઠીને અદિતિ ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર બેસી. તેની મમ્મી તેને નાસ્તો આપી રહી હતી.

“આદુ પછી તે કોઈ નવી વાર્તા લખી કે? ” નીલમબેને અદિતિને જ્યુસ આપતાં પૂછ્યું.

“ના મમ્મી. હજુ તો પાંચ દિવસ છે. ત્યાં સુધીમાં લખી નાખીશ.” અદિતિએ શક્ય તેટલો હળવા થઈને જવાબ આપ્યો.

“તું પણ ને છોકરી. આખો મહિનો મળે સ્પર્ધાની વાર્તા લખવાનો પણ તને તો છેલ્લાં દિવસે જ લખવાનું સૂઝતું હોય છે. “

“મમ્મી લાસ્ટ ડે પર લખવાનું પ્રેશર તું ના સમજે અને સાચું કહું તો પ્રેશરમાં લખવાની જે મઝા છે એ હળવા થઈને લખવામાં નથી. તો જસ્ટ ચીલ ઓકે હું જઉં મારી જોબ પર.”

આટલું કહીને અદિતિ ઉભી થઈને ચાલવા લાગી.

અદિતિ દેસાઈ એક માનીતી પત્રકાર અને ઉચ્ચ સમાજસેવિકા હતી. પોતાનાં કામની સાથે સાથે તે લેખનમાં પણ ઉમદા કામ કરી રહી હતી. તેની માત્ર બે સામાજિક નોવેલોએ સાહિત્યમાં ધૂમ મચાવી હતી.

પોતાનું આખો દિવસનું કામ સમેટ્યાં બાદ અદિતિ રાતે સુવા માટે આડી પડી. થાકનાં લીધે તેને જલ્દી જ ઊંઘ આવી ગઈ.

“નેહા ડોન્ટ વરી આપણે અહીંથી જલ્દી જ બહાર નીકળીશું. તું ગભરાઈશ નહીં. “

“કબીર આ લોકો આપણને મારી તો”

ત્યાંજ ચાર વ્યક્તિઓ તેમની સામે આવીને ઉભી રહી. અદિતિ તે ચહેરાં જોવાના પ્રયાસ કરવા લાગી પણ તે ચહેરાં તેના સ્વપ્નમાં સ્પષ્ટ નહોતાં થઇ રહ્યા.

એક વ્યક્તિ હાથમાં સળિયો લઈને એ તરફ જ આવી રહી હતી ત્યાંજ અદિતિ ડરીને ચીસ પાડતી બેઠી થઇ ગઈ.

અદિતિની ચીસ સાંભળીને નીલમબેન અદિતિનાં રૂમમાં પ્રવેશ્યા. નીલમબેને અદિતીને ઢંઢોળીને પૂછ્યું, “આદુ શું થયું બેટા? “

“મમ્મી કોઈ મારી નાખશે મમ્મી.” અદિતિ આંખો પહોળી કરતાં બોલી.

“આદુ આદુ રિલેક્સ બેટા. તે કોઈ ખરાબ સ્વપ્ન જોયું હશે.” નીલમબેને અદિતિનાં માથે પ્રેમથી હાથ પસવાળતાં કહ્યું.

“પણ મમ્મી-“

“પણ વણ કાંઈ નહીં. તું સુઈ જા. આ વાર્તાનાં પ્લોટ માટેનાં  અતિશય વિચારોનાં લીધે તને આવું સ્વપ્ન આવ્યું હશે. ” નીલમબેને પાણીનો ગ્લાસ અદિતિ તરફ ધરતાં કહ્યું.

અદિતિ પાણી પી ને ફરી આડી પડી. નીલમબેન તેનાં માથે હાથ ફેરવીને તેમની લાડકીને સુવડાવતાં રહ્યા.

અદિતિનાં સુઈ ગયાં બાદ નીલમબેન પણ પોતાનાં રૂમમાં આવીને સુઈ ગયાં.

સવારે નાસ્તા માટે અદિતિ ફ્રેશ થઈને ડાઇનિંગ પર ગોઠવાઈ. અદિતિનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. પોતાની બોલ બોલ કરતી કુકડી આજે શાંત કાચબો બનીને બેઠી હતી એ વાતની નોંધ નીલમબેને લીધી.

તેમણે અદિતીનું ધ્યાન વાળવાં ઘણી બધી વાતો કરી પણ અદિતિ કદાચ તેનાં સ્વપ્નની દુનિયામાંથી બહાર જ નહોતી આવી રહી.

નીલમબેને અદિતિનાં માથે હાથ મૂક્યો અને અદિતિ ડરીને ચીસ પાડી ઉઠી.

“શું થયું બેટા? આમ ચીસ કેમ પાડે છે? ” નીલમબેને પણ આશ્ચર્ય સાથે ચમકતાં પૂછ્યું.

“કાંઈ નહીં મમ્મી. હું જઉં છું. મારે મોડું થાય છે.” અદિતિ આટલું કહીને તરત ત્યાંથી નીકળી ગઈ.

આખો દિવસ વીત્યાં બાદ અદિતિએ ઘરે જતાં જતાં રસ્તામાંથી ઊંઘની ગોળીઓ લઇ લીધી. ઘરે આવીને નિત્યક્રમ પતાવી અદિતિએ બે ઊંઘની ગોળીઓ ગટગટાવી દીધી.

ગોળી લીધા બાદ તેની આંખો ઘેરાવા લાગી. તેની પાંપણ ઉપર તે ભાર અનુભવી રહી હતી.

ગોળીની પૂર્ણ અસર રૂપે તે નિંદ્રામાં ધકેલાઈ ગઈ. ફરી સ્વપ્નની દુનિયામાં તે પ્રવેશી ચૂકી હતી.

એક વીસ બાવીસ વર્ષની યુવતી તેને દેખાઈ રહી હતી. જે પોતાનાં ઘરમાં તેની રોજિંદી ક્રિયાઓ કરી રહી હતી. ઘરેથી નીકળીને તે કોઈકને મળવા માટે નીકળી. તે જેને મળવા માટે નીકળી એ વ્યક્તિ સાથે તે હોટેલમાં ગઈ. સાંજ પડતાં તેઓ બાઈક ઉપર મુવી જોવા નીકળ્યા. મુવી પૂર્ણ થયાં બાદ તેઓ રાતનાં આશરે દસ વાગતાં પોતાનાં ઘરે જવાં નીકળ્યા.

રસ્તો સુમસામ હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં એક ચકલુંય બહાર નહોતું ફરી રહ્યું. અદિતિ તે યુગલની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહી.

“કબીર આપણે આ રસ્તે ખોટા આવ્યા. આ સુમસામ ગલીઓ તો જો કેવી ડર લાગે એવી છે! એક કામ કર આપણે હાઇવે વાળા રોડથી જઈએ. ” તે છોકરીએ કબીર નામક તે યુવકને સંબોધતા કહ્યું.

“અરે ચીલ યાર. કબીર શર્મા નામ છે. મને જોઈને કોઈ ગુંડાની હિંમત છે કે મારી સામે આવે. જો ઓલરેડી આપણે લેટ છીએ,  એવામાં લાંબા રસ્તે જવામાં વધારે મોડું થશે.”

તે યુવકે પોતાની બડાઈ ફૂંકતા કહ્યું.

“મારું મન બહુ ગભરાય છે કબીર. જાણે કંઈક અજુગતું બનવાનાં એંધાણ હોય!”

“નેહા તું રાજપૂત થઈને આવી વાતો કરે છે યાર. શેમ ઓન યુ હાહાહા.” ત્યાંજ એક જીપ તેમની સામે આવીને ઉભી રહી.

તે યુવકે ગભરાઈને બાઈક પાછી ફેરવી તો ત્યાં પણ બીજી જીપ આવી ચૂકી હતી.

ત્યારબાદ થોડાં અસ્પષ્ટ ચિત્રો અદિતિની આંખો તરફ આવી ગયાં. તે ધ્યાનપૂર્વક જોઈ રહી ત્યાં એક ચિત્ર ઉપસી આવ્યું.

એક કાળું જેકેટ પહેરેલ વ્યક્તિ હાથમાં સળિયો લઈને નેહા તરફ જ આવી રહ્યો હતો. નેહા ચીસાચીસ કરી રહી હતી.
“બચાઓ કબીર, પ્લીઝ હેલ્પ અસ સમબડી! હેલ્પ, હેલ્પ!” ત્યાં તો સળિયો નેહાનાં માથાને વીંધી રહ્યો ને લોહીની ધાર સામે રહેલ વ્યક્તિનાં ચહેરાં અને કોટને નિતારી રહી.

અદિતિ તે ચહેરો જોવા માટેનાં પ્રયત્નો કરવા લાગી. નેહાની તરવરાટ ચાલુ હતી. તે વ્યક્તિએ ફરી સળિયો મારવાનાં ઇરાદે હવામાં ઉગામ્યો કે ત્યાંજ અદિતિ ડરીને પાછી બેઠી થઇ ગઈ. તે ઉભી થઈને જમીન પર કૂદવા લાગી. પોતે હવે કાલ્પનિક દુનિયાની બહાર આવી ચૂકી છે તેનો અહેસાસ કરવા!

બે મિનિટ બાદ વધેલાં ધબકારા સામાન્ય થતાં તે પાણી પી ને તેના ટેબલ પાસે આવી. તેણે જોયેલી દરેક વાત તે પોતાની ડાયરી પર અંકિત કરતી રહી.

રાત્રીનાં ચાર વાગી ચૂક્યા હતાં. સુવાનું પડતું મૂકીને તે પોતાની કાલ્પનિકતાને વાર્તાનું સ્વરૂપ આપવા બેઠી.

તેની આંખો આગળથી હજુ પણ નેહાનો ચહેરો ખસતો નહોતો અને તે વ્યક્તિનો દેખાતો નહોતો.

મને શું કામ આ નેહા અને કબીર સાથે થયેલી દુર્ઘટના દેખાય છે?  શું એનું કોઈ મારી સાથે કનેક્શન હશે?!

પેનને બાજુ પર મૂકી અને અદિતિએ લેપટોપ શરુ કર્યું. ફેસબુક ખોલીને તેણે ડાયરીમાંથી કબીર શર્મા નામ વાંચીને  સર્ચ કર્યું. ત્યાંજ તેનાં આશ્ચર્ય વચ્ચે પાંચ કબીર શર્માનાં નામ આવ્યા. જેમાંથી અદિતિએ રસ્તા યાદ કર્યા તો તે સુરતનાં જ હોવાથી તેણે એ પ્રમાણે ફિલ્ટર સેટ કર્યું.

હવે તેની માટે બે જ કબીર શર્માનાં નામની પ્રોફાઈલ દ્રશ્યમાન થતી હતી. એક કબીર શર્મા પચાસેક વર્ષનો ઇફ્કોમાં કામ કરતો વ્યક્તિ હતો તો બીજો તેનાં જ ‘સુરતમિત્ર સામયિક’માં કામ કરતો છોકરો હતો.

અદિતિએ તેની પ્રોફાઈલ જોઈ. તેને સ્વપ્નમાં તો કબીર શર્માનો ચહેરો સ્પષ્ટ નહોતો દેખાયો પણ તેની સ્ક્રીન પર એકદમ સ્પષ્ટ ચહેરો તે જોઈ શકતી હતી.

તેણે એનું ફ્રેન્ડલિસ્ટ ચેક કર્યું તો એનાં ફ્રેન્ડલિસ્ટમાં ખરેખર નેહા રાજપુત કરીને છોકરી હતી! અદિતિએ તે પ્રોફાઈલ જોઈ તો એ એ જ નેહા હતી જે અદિતિનાં સપનામાં સતત ત્રણ દિવસથી આવી રહી હતી.

નેહાને મેસેજ મોકલવાનો અને કોલ કરવાનો પ્રયત્ન કરી જોયો પણ પ્રાઇવસી હોવાથી તે એમ નાં કરી શકી.

અદિતિએ છેવટે કબીરને જ મેસેજ કરીને કાલે ઓફિસમાં મળવા માટે જણાવ્યું. આટલું કરીને અદિતિ વિચારોનાં વમળમાંથી બહાર આવીને સુઈ ગઈ.

બીજા દિવસે કબીર અને અદિતિ એક કોફીશોપમાં બેઠા.

“તો હવે તું સમજ્યો હું શું કહેવા માંગુ છું? ” અદિતિએ વાતની સ્પષ્ટતા અને સત્યતાં જણાવતા પૂછ્યું.

“મેમ આપણે બંને એકબીજાને ઓળખતા પણ નથી. તમને આવું સપનું આવ્યું એમાં હું કઈ રીતે તેને હકીકત માનીને સ્વીકારી લઉં. ” કબીરે કોફીનો ઘૂંટડો ગળે ઉતારતાં જવાબ આપ્યો.

“કબીર, નેહા અને તને ખરેખર હું નથી જ જાણતી પણ ગોડગિફ્ટ કહો કે કાંઈ બીજું પણ મને કયારેક કયારેક સપનામાં અમુક અજાણી વ્યક્તિઓ દેખાતી હોય છે. મારી આસપાસનાં લોકોની હકીકત હું સરળતાથી જાણીને તેમને અવગત કરતી હોઉં છું. આવાં સ્વપ્ન તો મને ઘણાંય આવ્યા પણ આટલું ડરામણું સપનું મેં કયારેય જોયું નથી અને સપનામાં અનુભવ્યું પણ નથી.

“મેં તને પહેલાં કહ્યું એમ મને મારી આસપાસનાં લોકોનું જ સ્વપ્ન દેખાય છે.

એમ તું પણ મારી ઓફિસમાં નજીક હોવાથી મને તારી સાથે બનવાની ઘટના સપનામાં આવી ગઈ.”

“પણ તમે કહ્યું કે તમને માત્ર નેહાનો ચહેરો જ સાફ દેખાય છે. મારો નહીં તો,

નેહાને તમે કઈ રીતે આમાં જોઈ શકો છો?”

“આઈ ડોન્ટ નો. મેયબી તે કદાચ ઓફિસમાં આવી હોય. “

“નોટ પોસિબલ. તે કયારેય આવી જ નથી. ” ત્યાંજ કબીરનો ફોન રણકી ઉઠ્યો.”

“હા, બેબી. બસ રસ્તામાં જ છું. તું રેડી રહે એટલીવાર છે. હા ડાર્લિંગ લવ યુ. ” આટલી વાતચીત કર્યા બાદ કબીર અદિતિ તરફ જોવે છે.

“નેહા હતી? “

“ના મારી ગર્લફ્રેન્ડ પૂજા હતી. નામ બતાવું? ” આટલું કહીને કબીરે અદિતિને કોલલિસ્ટ બતાવ્યું જેમાં ખરેખર પૂજા નામ હતું.

“જુઓ મેડમ. તમને સ્વપ્ન આવ્યું એનો રિયાલિટી સાથે કોઈ જ સંબંધ નથી.

મારે હવે મારી ગર્લફ્રેન્ડને મળવા જવાનું છે. તો હું રજા લઉં?” કબીરે આંગળી વડે જવાનો ઈશારો કરતાં પૂછ્યું.

“હમ્મ…. ” અદિતિ પણ ત્યાંથી ઉભી થઈને ઘરે આવી ગઈ.

ડિંગ ડોંગ…. ડિંગ ડોંગ…

“આવું છું બાપા ઉભા તો રહો. ” નીલમબેન દરવાજા તરફ જતાં જતાં બોલી રહ્યા.

“અરે આદુ બેટા તું? અત્યારમાં? તારી તબિયત તો ઠીક છે ને?”

“હા મમ્મી પ્લીઝ લીવ મી અલોન. ” કહીને અદિતિ પોતાનાં રૂમમાં જતી રહી.

નીલમબેને સમય જોયો તો બપોરનાં ત્રણ વાગી રહ્યા હતાં.
થોડીવાર બાદ ઘરનાં કામ પરવારી તેઓ અદિતિનાં રૂમમાં ગયાં.

“શું થયું આદુ? તું હજુ એ સ્વપ્ન વિશે વિચારે છે? ” નીલમબેને ફોનમાં ગેમ રમતી અદિતિનાં માથે હાથ ફેરવતાં પૂછ્યું.

“મમ્મી પ્લીઝ. “

“એ પ્લીઝ વાળી હવે ભાવ ખાવાનો મૂક ને! મને ખબર છે તારી સપનાની દુનિયા વિશે. હવે બોલ કે તે શું સ્વપ્ન જોયું હતું? ” નીલમબેને અદિતીનો કાન મિઠાસથી ખેંચતા પૂછ્યું.
અદિતિ પણ મોબાઈલને બાજુમાં મૂકી અતઃથી ઇતિ સુધીનું બધું નીલમબેનને જણાવ્યું.

“આદુ મને તો લાગે આ કબીર જ વિલન હશે. ઓલી સાંસ બહુમાં પણ હીરો જ વિલન નીકળ્યો તો બોલ. “

“ઓહહ મમ્મી શટ અપ. શું કાંઈ પણ બોલે છે!”

નીલમબેન ચિડાઈને ત્યાંથી ઉભા થઈને નીકળી ગયાં. અદિતિ ફરી ગેમમાં ધ્યાન આપવા લાગી.

ત્યાંજ થોડીવારમાં તેના મોબાઈલમાં રિંગ વાગી.

“હા બોલ સાક્ષી. “

“અદી યાર તું લીવ લે તો મને કહેવાનું તો રાખ. બોસ કેટલા ચિડાયા છે ખબર છે! મેં પણ કામથી લીવ લીધી હતી આજે; તારી જેમ નહીં કે જણાવ્યા વગર જ! તે અને ઓલા નવાં આવેલાં હમ્મ શું નામ? “

“કબીર? “

“હા કબીર કરીને જ છે. એણે પણ લીવ રાખી.

એકસાથે ત્રણ જણા લીવ લે તો તને ખબર જ છે ને બોસ કેવા ભડકે!”

“સાક્ષી આ કબીર વિશે તને બીજી કોઈ ખબર છે? “

“હમ્મ ના યાર. ક્યાંથી હોય?

આપણે બેઉ હાસ્ય કોલમમાં કામ કરીએ અને એ હોરર અને સસ્પેન્સ ક્રાઇમ વોચ માટે કરે છે. પણ હા અનુજને ખબર હશે. એ એની સાથે તો કામ કરે છે.

બાયધવે અનુજે એકવાર કહ્યું હતું કે એ બહુ જબરજસ્ત ક્રાઇમ વોચ કોલમ લખે છે.

અનુજ પણ જોરદાર જ લખે છે એમ તો બેઉ ભેગા મળીને જબરદસ્ત હોરર લખે જાણે સાચું જ હોય! તું પણ વાંચજે, રુંવાડા ઉભા થઇ જશે. સારું ચાલ હું રાખું. મારે થોડું કામ છે. “

અદિતિએ અનુજને ફોન લગાવ્યો. બે રિંગ જતાં જ અનુજે ફોન ઉઠાવ્યો.

“હાય અનુજ? “

“યસ. “

“હું અદિતિ. અદિતિ.. “

“દેસાઈ. તને કોણ નથી ઓળખતું. બોલ બોલ. “

“મારે કબીર શર્મા વિશે પૂછવું હતું. “

“હા પૂછ પૂછ. “

“એની ગર્લફ્રેન્ડ છે કોઈ? “

“હા છે ને!”

“શું નામ છે એનું? “

“નેહા રાજપૂત કરીને છે પણ તું આવું શું કામ પૂછે છે? “

“ના ના બસ એમ જ હમ્મ ઓક્કે બાય કાલે મળીએ.” અદિતિએ આટલું કહી ફોન કાપી નાખ્યો.

અદિતિએ ફરી ફેસબુક ખોલ્યું અને નેહાનું એકાઉન્ટ ઓપન કર્યું.

તેની માત્ર એકજ પોસ્ટ દેખાતી હતી.

તેણે તે ખોલીને નીચે રહેલી કમેન્ટ વાંચી અને તેણે તરત એક નામ પર ક્લિક કર્યું અને ફોન નંબર લગાવ્યો.

રિંગ રિંગ

“હેલો. “

“હેલો કોણ? “

“હા નેહા છે ઘરે? હું એની ફ્રેન્ડ અદિતિ વાત કરું છું. “

“નેહાનાં નંબર પર કરો-“

“એક મિનિટ! એક્ચ્યુલી નેહાનો નંબર બંધ આવે છે. એ ક્યાં ગઈ એ કહેશો? “

“એ નીકિતાનાં ઘરે ભણવા ગઈ છે. સવારે આવશે. “

“ઓક્કે ઓક્કે હું નિકિતા સાથે જ વાત કરી લઉં છું. થેન્કયુ.” અદિતિએ ઊંડો શ્વાસ છોડતાં ફોન મૂક્યો.

વિચારોનાં લીધે તેનું માથું ફાટી રહ્યું હતું. અદિતિએ ડ્રોવરમાંથી માથાનાં દુખાવાની ગોળીનાં બદલે ઊંઘની ગોળી લઇ લીધી.

ઊંઘની ગોળી લઇ લીધા બાદ તેણે નામ વાંચ્યું ત્યારે ખબર પડી પણ હવે મોડું થઇ ચૂક્યું હતું. અદિતિએ આંગળી નાખીને વોમિટ કરી જોવાનો પ્રયાસ કર્યો પણ વોમિટ તો થઇ પણ ગોળી બહાર ના આવી.

અદિતિની આંખો ઘેરાવા લાગી. તેને આસપાસ બધું ઘુમરાતું દેખાવા લાગ્યું. હજુ તો બાથરૂમની બહાર આવે એ પહેલાં જ તે અંદર ઢળી પડી.

રાતનાં નવ વાગી ચૂક્યા હતાં. નીલમબેન ચિંતામાં આવી ગયાં કે હજુ સુધી અદિતિ રૂમની બહાર ના આવી.

તેમણે અંદર જઈને જોયું તો રૂમમાં અદિતિ નહોતી. તેઓ બાથરૂમમાં ગયાં અને જોયું તો અદિતિ નીચે ઢળેલી હતી. નીલમબેને પૂરતું જોર લગાવીને અદિતિને બેડ ઉપર સુવડાવી. અદિતિની આંખોનાં પોપચાંમાં તંગ રેખાઓ ખેંચાઈ હતી.

ઘડીક તો નીલમબેનને થયું કે તેઓ અદિતિને ઉઠાડી દે પણ ડોક્ટર પંડ્યાની વાત યાદ આવી.

“તેને કયારેય અધૂરા સ્વપ્ને ના જગાડશો નહીં તો એ કયારેય વાસ્તવિકતા અને કાલ્પનિકતાને સમજી જ નહીં શકે.”

નીલમબેન આંખોમાં આંસુ સાથે અદિતિની ઉઠવાની રાહ જોતાં રહ્યા પણ અદિતિ હજુ ઉંઘમાં જ બબડાટ કરતી હતી.

એ જ દ્રશ્યો, નેહાનું રુદન તેને થરથરાવી રહ્યું હતું. કબીર તે માણસો સાથે ઉભો ઉભો નેહાની આ પરિસ્થિતિનો વિડીયો બનાવી રહ્યો હતો.

ત્રણ માણસો વારાફરતી નેહાનાં શરીર પર બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યા હતાં. એક વ્યક્તિ નેહાની ચીસોથી ચિડાઈને તેનાં શરીર અને મોંઢા ઉપર સિગારેટનાં ડામ આપી રહી હતી.

કબીર માત્ર ઉભો ઉભો વિડીયો બનાવતો હસી રહ્યો હતો. નેહાની કારમી ચીસોથી અદિતિ ભયભીત બની ચૂકી હતી.

જે વ્યક્તિ નેહા તરફ સળિયો લઈને જઈ રહી હતી એનો ચહેરો જોવામાં હજુ પણ અદિતી અસમર્થ હતી. તે વ્યક્તિએ જોરથી સળિયો નેહાનાં માથામાં માર્યો અને તેનો કાળો કોટ અને તેનાં શરીર પર લોહીની ધારાઓ વહી રહી.

નેહાનું શરીર હજુ પણ તરવરાટ મારી રહ્યું હતું. તે વ્યક્તિએ ચિડાઈને સળિયો હવામાં ઉગામ્યો અને નેહાનાં ગુપ્તાંગમાં ઘુસાડી દીધો.

એ સાથે જ નેહાનાં ડોળાઓએ બહાર આવીને દમ તોડી દીધા.

તે વ્યક્તિએ સળિયો કાઢીને નેહાનાં પીઠ ઉપર ઘા કર કર જ કર્યા જાણે કે તે એક પુરેપુરો સાયકો હોય. નેહાનાં શરીરનાં અવયવો ચીરાઇને નીચે પડતાં હતાં.

ત્યાંજ તે વ્યક્તિનાં મોબાઈલની રિંગ વાગી.

“રાત મેં હી જાગતે હેં, યે ગુનાહો કે ઘર, ઇનકી રાહે ખોલે બાંહે, જો ભી આયે ઇધર,, આ હાહા.

યે હેં ગુમરાહો કા રસ્તા, મુસ્કાન જૂઠી હે, પહેચાન જૂઠી હેં..”


તેમ છતાં તે મારતો રહ્યો.  કંટાળીને સળિયો ફેંકી તે વ્યક્તિ રોકાઈ ગઈ અને ફોન ઉપાડીને સાઈડમાં જઈને વાત કરવા લાગી.

તે વ્યક્તિનાં ગયાં બાદ કબીર નેહા પાસે આવ્યો અને તે પણ મૃત શરીર સાથે પોતાની હવસ મિટાવવા લાગ્યો. નેહાનાં શરીરે પ્રતિકારની ચેતના ગુમાવી દીધી હતી પણ અદિતિ જાણે પોતે તે અનુભવી શકતી હતી.

નીલમબેને ધ્રુસકે ધ્રુસકે રડતી અદિતિને ઢંઢોળીને ઉઠાડી જ દીધી.

અદિતિ ઉઠ્યા બાદ નીલમબેનને કેટલીયે વાર સુધી વળગીને રોતી રહી. સવારનાં ચાર વાગી ચૂક્યા હતાં.

અદિતીનો કલ્પાંત શાંત થયો હતો.

નેહાને ઇન્સાફ અપાવવા તેણે ઉભા થઈને કાગળ ખોલીને બધું કંડારવા માંડ્યું.

તેની પ્રિન્ટ કાઢીને તે દસ વાગતાં પોતાની ઓફિસમાં બોસની કેબિનમાં ઉભી હતી.

“હાઉ ઇઝ ધીસ પોસિબલ યાર? ” મિસ્ટર ગુપ્તા અદિતિની સ્ટોરી વાંચતા બોલી ઉઠ્યા.

“શું થયું સર? કોઈ પ્રોબ્લેમ છે? ” અદિતિએ નવાઈ પામતાં પૂછ્યું.

“અદિતિ આવી જ સેમ સ્ટોરી હમણાં અનુજ આપી ગયો. ફક્ત નામ જ બદલેલા હતાં.

બાકી પૂરેપૂરી આમ જ લખાયેલ.

તું એક વાર અનુજ સાથે -”

મિસ્ટર ગુપ્તાની પૂરી વાત સાંભળ્યા વગર જ અદિતી અનુજની ડેસ્ક પર ગઈ. ત્યાંજ અનુજનાં ફોનની રિંગ વાગી.

” રાત મેં હી જાગતે હેં, યે ગુનાહો કે ઘર, ઇનકી રાહે ખોલે બાંહે, જો ભી આયે ઇધર,, આ હાહા..

યે હેં ગુમરાહો કા રસ્તા, મુસ્કાન જૂઠી હે, પહેચાન જૂઠી હેં…”

અનુજે અદિતિને એકજ મિનિટ થોભવાનો ઈશારો કર્યો પણ અદિતિ ત્યાં સુધીમાં ઘેરી તંદ્રાવસ્થામાં ધકેલાઈ ગઈ.

Leave a Reply