શામળાજી ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કુલ એટલે, સાહિત્ય, સંસ્કૃતિ અને શિષ્ટાચાર નો ત્રિવેણી સંગમ ત્યાંના શિક્ષકોને જ્ઞાન-ગણિત પછી પરંતુ આ ત્રણેયનો અભ્યાસ પહેલા કરાવવાનો આગ્રહ રખાવવામાં આવતો. ગાંધીનગરના ડભોડા ગામની કોઈ વેરાન જગ્યામાં ફૂટેલા રાફડાની માટી માંથી કુંભાર રાતાચોળ અને મજબુત માટલાઓ ઘડે એમ શામળાજીના વિદ્યાર્થીઓનું ઘડતર થતું. નવા વર્ષના એડમિશનો આવી ગયેલા અને શિક્ષકોની કામગીરી ધમધોકાર શરુ થઇ ગઈ. આવેલા નવા ઘાણ માં ઘણી બધી વેરાયટીઓ હતી. કોઈ હોશિયાર, કોઈ ઠોઠ, ઉપરાંત આવેલા નવા ઘાણ માં એક કલાકાર પણ હતો. કેશવ !
કેશવમાં નાનપણ થી જ વાંસ ના પોલાણમાંથી સુરો શોધી લાવવાની કળા હતી. નાનપણમાં ર્મા પાસે એનાં રમકડા ખરીદવાના પૈસા નહોતા. એટલે વાંસના કટકા માંથી વાંસળી જેવું રમકડું બનાવી દીધેલું, એમાં ફૂંકો મારી જુદા જુદા રાગ છેડતો. પણ આજે એ વાંસ ના ટુકડાને જ એણે પોતાની કલાકારી માની લીધેલી. હંમેશા સાથે વાંસળી રાખતો. મિત્રોની જુદા જુદા ગીતોની ફરમાઇશો પૂરી કરીને એણે ખુબ મોટું ફેન ફોલોવિંગ ઉભું કરેલું. અને સ્કુલનું નામ ઉજળું કરે એવા વિદ્યાર્થીઓની શિક્ષકોને પણ શોધ હતી.
પ્રાર્થના સભામાં શાળાના પ્રિન્સિપાલે કેશવને ઉભો કર્યો, કેશવ ગામડાની શાળામાં ભણેલો અને ભોળો હતો એટલે હાઇસ્કુલ ના હાઈ શબ્દે જ ગભરાટમાં મૂકી દીધેલો. શરીરની ધ્રુજારી અને શાંત વાંસળી લઈને સ્ટેજ પર પહોચ્યો. પ્રિન્સિપાલે એનો પરિચય વિદ્યાર્થીઓને આપ્યો ખરેખર એનાં પરિચયની જરૂર પણ નહોતી. કેશવ વાંસળી વાદકના નામથી જ તાળીઓ પડતી. એક બાજુના વિભાગમાં છોકરીઓ અને બીજી બાજુમાં છોકરાઓ ગોઠવાયા હતા, હોશિયાર અને આત્મવિશ્વાસુ વિદ્યાર્થીઓ આગળ બેસતાં અને અભ્યાસે થોડા નબળા વિદ્યાર્થીઓ પાછળ બેસવાનું પસંદ કરતા.
કેશવે માઈક ને નજીક લાવી ચકાસ્યું. નમસ્કાર બોલીને શ્રોતાઓની પરવાનગી માંગી. કેશવે વાંસળી વગાડવાનું શરુ કર્યું, એની ર્મા હંમેશા એક ગીત ગણગણતી “આજા રે મેંતો કબ સે ખડી ઇસ પાર કે અંખિયા થક ગઈ પંથ નિહાર..” એટલે કેશવે આ ગીતનો અભ્યાસ વધુ કરેલો અને આ ગીતના સુર પર તેને વધુ ભરોસો હતો. વાંસળી ના સૂરથી કેશવે બધાને મંત્ર મુગ્ધ કરી દીધેલા. જેમ મોગરાની સુગંધ આખાય બગીચામાં અલગ તરે એમ એનાં સુર બહાર બેઠેલા પટ્ટાવાળા ને પણ અંદર આવતાં ન રોકી શક્યા.
શરુ વાંસળીએ અર્થશાસ્ત્રના શિક્ષક મનોહરભાઈ ઉભા થયા, કેશવને ડીસ્ટર્બન્સ થયું પણ આંખો બંધ કરીને એણે શરુ રાખ્યું! મનોહરભાઈ બીજી હરોળમાં બેઠેલી છોકરી કે જે સુઈ ગયેલી એને તપાસવા પહોચ્યા. મનોહર ભાઈએ એનાં માથે હાથ મુકતાની સાથે જ તે થોડી ડરી ગઈ, મનોહર ભાઈએ પૂછ્યું, ‘તબિયત તો ઠીક છે ને?’ છોકરીએ માથું ધુણાવ્યું. મનોહર ભાઈએ નામ પૂછ્યું તો તેણીએ કપાળની ચામડી ઉંચી કરી “મૈત્રી” જણાવ્યું.
કેશવે ગીત પૂરું કરી બન્ને હાથ વચ્ચે વાંસળી રાખીને, હાથ જોડી આભાર વ્યક્ત કર્યો. કેશવની વાંસળી, શિક્ષકો થી માંડીને પટ્ટાવાળા સુધીના લોકોનું વ્યસન બની ચુક્યું હતું. કેશવ જ્યાં ઉભો હોય ત્યાં વિદ્યાર્થીઓનું ટોળું હોય. કેશવ પણ પોતાની વાંસળીના સુર ને વારેવારે છેડીને વાંસળી નું મહત્વ ઘટાડતો નહિ, માત્ર પ્રાર્થના સભામાં જ વાંસળી વગાડતો. સંગીત અને સાહિત્યની દેવી ર્મા સરસ્વતીના ચરણોમાં પોતાની ધૂન દરરોજ પુષ્પોની જેમ અર્પણ કરતો.
ક્યારેક કવિતાઓ, ક્યારેક ફિલ્મી ગીતોથી શાળાના વાતાવરણને વૃંદાવન બનાવી દેતો.પણ મૈત્રીને વાંસળી ના સુર સંભાળતા જ ઊંઘ આવવા લાગતી. જેવી કેશવ વાંસળીની ધૂન છેડે કે તરત જ મૈત્રીનું મસ્તક આગળ બેઠેલી છોકરીની પીઠ પર અથડાતું. વાંસળી અને એની ઊંઘ જાણે સમોવડી બહેનો થઇ ગયેલી. મનોહર સાહેબ દરવખતે એની પાસે જવાનું ટાળતા. એક સ્ત્રીને વારે વારે મેન્શન કરી શરમ માં પાડવાનું એને બરોબર ન લાગ્યું. કેશવને લાગતું કે આને મારી વાંસળીના સુર ગમતા નહિ હોય, શા માટે નહિ ગમતા હોય એ પૂછવા કેશવ શાળામાં એને શોધતો.
ક્રમશ:
(આગળના ભાગમાં આપણે જોઇશું….- ‘ મૈત્રી હજી કાઈ જવાબ આપે એ પહેલા જ રીસેસ પૂરી થયાનો બેલ પડી ગયો. મૈત્રી ત્યાં થી ચાલી જાય છે. ‘જોડાયેલા રહો અને વાંચતા રહો)